સુરતમાં આવેલા ગોડાઉન પર દરોડો પાડી ક્રાઈમ બ્રાંચે 332 કિલો ગાંજો ઝડપ્યો

વટવા ખાતેથી 30.745 કિલો ગાંજા સાથે પકડાયેલા આરોપીની તપાસમાં ક્રાઈમ બ્રાંચે સુરતના પીપોદરામાં આવેલા એક ગોડાઉનમાં રેડ પાડી96.60 લાખની કિંમતનો 332 કિલો ગાંજાનો જથ્થો કબ્જે કરી બે આરોપીની ધરપકડ કરી છે. સુરત અને ઓરિસ્સા ખાતેથી ગાંજાનું નેટવર્ક ચલાવતો મુખ્ય સૂત્રધાર દીપુ ઉર્ફે વિકી હોવાનું સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડી.બી.બારડની ટીમે વટવા ખાતેથી ઈમરાન વહાબ શેખને 9.22 લાખની કિંમતના 30.745 કિલો ગાંજા સાથે પકડી પાડ્યો હતો. ઈમરાનની પૂછપરછમાં તેને સુરત કીમના વિકીએ માલ આપ્યો હોવાની માહિતી ક્રાઈમ બ્રાંચને હાથ લાગી હતી. પીઆઈ જે.એન.ચાવડા અને ટીમ ઈમરાન શેખને સાથે લઈને સુરત ખાતે ગઈ હતી અને તપાસ દરમિયાન સુનિલ ઉર્ફે રાજા સુરેશચંદ્ર મલીક (ઉ.20 રહે. અર્ભિભાવ સોસાયટી, પાંડેસરા, સુરત મૂળ ઓરિસ્સા) તથા સુશાંત લખન બીસ્વાલ (ઉ.30 રહે. ઓરિસ્સા) હાથ લાગ્યા હતા. સુરતના પીપોદરા રાધે સિલ્વર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શ્રીધર કોમ્પલેક્ષમાં આવેલા ગોડાઉનમાં તપાસ કરતા 332 કિલો ગાંજાનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. 96.60 લાખની કિંમતનો ગાંજો તેમજ 3 મોબાઈલ ફોન અને ખાખી સેલોટેપ વિંટાળેલા રેપર સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ બંને આરોપીની ધરપકડ કરી છે.

વૉન્ટેડ દીપુ ઉર્ફે વિકી ફોન પર નેટવર્ક ચલાવે છે

ઓરિસ્સાનો દીપુ ઉર્ફે વિકી જુદાજુદા મોબાઈલ ફોન નંબરથી ગાંજાનું નેટવર્ક ચલાવે છે. દીપુ ઉર્ફે વિકી ગાંજાનો ધંધો કરતી વખતે પોતાના અલગ અલગ નામ બાયરને આપે છે. ખરીદારને ગાંજાની ડિલીવરી ટ્રાન્સપોર્ટ થકી આપે છે. ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકો અથવા કર્મચારીઓ ગાંજાના નેટવર્ક સાથે જોડાયેલા હોવાની પોલીસને આશંકા છે.

સુરત શહેર ગાંજાનું હબ

સુરતની ટેકસટાઈલ ઈન્ડસ્ટીઝમાં સૌથી વધુ ઓરિસ્સાના કારીગરો કામ કરે છે અને આ કારીગરો વતનથી પરત ફરતી વખતે ટ્રેનમાં ગાંજાની ખેપ મારે છે. અગાઉ રેલવે પોલીસની મિલીભગતથી મહિને હજારો કિલો વધુ ગાંજો સુરત ખાતે આવતો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રેલવે પોલીસે સઘન ચેકીંગ શરૂ કરતા હવે ટ્રેનમાં ઓછી માત્રામાં માલ આવી રહ્યો છે. સુરત અને રેલવે પોલીસની પકડ ઢીલી પડતા ગાંજાના વેપારીઓએ વિપુલ માત્રામાં માલ મંગાવવાનું શરૂ કરી દીધું છે. સુરત ખાતે માલ પહોંચ્યા બાદ રાજ્યના અલગ અલગ શહેર અને ગામોમાં ગાંજો પહોંચી રહ્યો છે.