અમદાવાદ, તા.૨૬
રાજયભરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. સુરેન્દ્રનગરના લિંબડી તાલુકાના જામડી ગામના ૭૫ વર્ષના વૃધ્ધા સુખીબહેન કરસનભાઈ મેણીયાને સારવાર માટે અમદાવાદ શહેરની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનુ મોત થતા આ મામલે રાજય સરકારને રિપોર્ટ કરાયો છે.
આ અંગે મળતી માહીતી અનુસાર, સુરેન્દ્રનગરના લિંબડી તાલુકાના જામડી ગામમાં રહેતા સુખીબહેન કરસનભાઈ મેણીયાને કોંગો ફીવર થતા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર ખાતે આવેલી સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તેમને ૨૦ ઓગસ્ટના રોજ તબિયત લથડતા વધુ સારવાર માટે અમદાવાદની એસવીપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તંત્ર તરફથી તેમના ટેસ્ટ કરીને પૂણે ખાતે આવેલી લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જયાંથી તેમના રિપોર્ટ પોઝેટીવ આવતા તેમને કોંગોફીવર હોવાની બાબતની ખાત્રી થવા પામી હતી. આ તરફ તેમનુ સારવાર દરમિયાન મોત થતાં કોંગો ફીવરના કારણે રાજયમાં આ વર્ષે પ્રથમ મોત થયુ હોવાનુ જાણવા મળે છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફીસર ભાવિન સોલંકીની મળેલી પ્રતિક્રીયા મુજબ, કોંગો ફીવરથી મોત થયા બાદ આ મામલે રાજય સરકારને જાણ કરાઈ છે. સાથે જ તેમની સારવાર કરી રહેલા પેરા મેડીકલ સ્ટાફની પણ મેડીકલ સારવાર કરવામાં આવી રહી છે. સાથે જ તેઓ જે ગામમા રહેતા હતા એ ગામમાં તમામ સાવચેતીના પગલા લેવા સુચના આપવામાં આવી છે.
કોંગો ફીવર નામ શાથી પડયુ..
કોંગો ફીવર એ પશુઓમાં રહેલી ઈતરડીથી ફેલાય છે.આ પ્રકારનો તાવ વિશ્વમાં સૌ પ્રથમ વખત કોંગો નામના દેશમાં ઈ.સ.૧૯૬૯માં જાવા મળ્યો હતો. આ પછી આફ્રીકન દેશોમાં વર્ષ-૨૦૦૧માં તેનો વ્યાપ જાવા મળ્યો હતો.
લક્ષણો કયા હોય છે..
સામાન્ય રીતે ગાય, ભેંસ, ઘેટાં, બકરા જેવા પ્રાણીઓના શરીરમાં ઈતરડી ડંખથી આ વાઈરસ માનવીના શરીરમાં પ્રવેશ કરતો હોય છે. ઈતરડીના કરડવાથી કોંગો વાયરસની અસર થતી હોય છે. પ્રવેશ બાદ બે સપ્તાહ બાદ તેની અસરો જોવા મળતી હોય છે.
જે વ્યકિતને કોંગો ફીવર હોય એ વ્યકિતને સામાન્ય રીતે સ્નાયુઓમાં ખેંચ આવે છે. ઉપરાંત આંખોમાં બળતરા થતી હોય છે. ઝાડા અને ઉલ્ટી થાય છે. શરીરનુ તાપમાન સતત વધતુ રહે છે. લિવરને પણ નુકસાન થતુ હોય છે. આ સમય દરમિયાન જો તેને તાત્કાલિક સારવાર ન મળે તો તેનુ મોત થઈ શકે છે.
ગુજરાતનો પ્રથમ કોંગો
પ્રથમ વખત 2011માં કોંગો વાયરસ ગુજરાતમાંથી મળી આવ્યો હતો. તેના બાદ કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, વડનગરમાં તેના દર્દીઓ જોવા મળ્યા હતા. કોલાટ ગામમાં સૌ પ્રથમ કોંગો ફિવરનો કેસ મળી આવ્યો હતો. 2011થી દર વર્ષે આ વાયરસના કેસ નોંધાય છે.
ડેલ્ટામેથ્રીન છાંટો
ઈતરડીને દુર કરવા માટે પશુઓ પર ડેલ્ટામેથ્રીન ૧.૨૫ ટકા દવાનો સ્પ્રે કરવો કે ફલુમેથીન દવા લગાડવી, ડેલ્ટામેથ્રીન ટકા દવાનો સ્પ્રે ટીક, ઈતરડીના છુપાવવાનાં સ્થાનો, કોઢ ગમાણ, તેની આજુબાજુની દીવાલોની તિરડો, બખોલો વગેરે સ્થાનોએ કરવો જોઈએ. લીમડો, કચરો, બિનજરૂરી ઘાસ પાથરીને સળગાવવાથી જીવ જંતુઓનો નાશ થાય છે. પશુઓને રાખવાની જગ્યા બદલવી.
કેમ મોત થાય છે ?
નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોંગો ફિવરને ખતરનાક અને જીવલેનારી બિમારી ગણાવી છે. 30માંથી 80 ટકા લોકોના મોત થાય છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ વધતા અને શરીરના વિવિધ અંગ એક સાથે કામ કરવાનું બંધ કરી દેતા દર્દીનું મોત નીપજે છે.
Crimean-Congo Hemorrhagic Fever એટલે કે CCHF એક વિષાણુજનિત રોગ છે. આ વાયરસ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકામાં ઘણો જોવા મળે છે.
ગયા વર્ષે એક કેસ બહાર આવ્યો હતો.
30 માર્ચ 2019માં ભાવનગર જિલ્લામાં ધરવાળા ગામમાં કોંગો ફિવર દેખાયો હતો. કોંગો ફિવરથી દર વર્ષે સરેરાશ 3 મોત થાય છે. અમરેલીમાં 2017માં 3 લોકોના મોત થયા હતા.