સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામાં જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ માહિતીના આધારે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરને ઝડપી લીધો છે. આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરની હોસ્પિટલથી સોનોગ્રાફી મશીન સહિતની સામગ્રી જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્રાંગધ્રામાં હોસ્પિટલ ધરાવતો ડોક્ટર ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતો હોવાનું જણાયું હતું. જે અંગે ડો.પ્રજ્ઞેશ ખેડાવાલાની હોસ્પિટલ પર એક મહિલાને ગર્ભપરીક્ષણ માટે મોકલી હતી, જે મહિલાને ડોક્ટરે એજન્ટને મળવા મોકલી હતી. એજન્ટે ગર્ભપરીક્ષણ માટે રૂ.22 હજાર નક્કી કરી મહિલાને સમય આપ્યો હતો, જે સમયે પોલીસ અને મહિલાને સાથે રાખી દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રજ્ઞેશ ખેડાવાલા એક વર્ષ પહેલાં પરપ્રાંતીય મહિલાની સુવાવડ કરાવી હતી, જેને જન્મેલા બાળકને ખોટી રીતે પોતાની પાસે રાખી લઈ મૃત જાહેર કરી દીધું હતું. આ કેસમાં ડોક્ટર પ્રજ્ઞેશ ખેડાવાલાએ ધરપકડથી બચવા આગોતરા જામીન લઈ પ્રેક્ટિસ કરી રહ્યો છે.