સુરેન્દ્રનગર,તા:૦૯ સાયલામાં જૂની અદાવતમાં બે જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં થયેલી અથડામણમાં આઠ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
એક વર્ષ પહેલાં પણ જૂની અદાવતમાં સાયલામાં આ બંને જૂથ દ્વારા અથડામણ સર્જાઈ હતી, જેનો ખાર રાખીને બંને જૂથ ફરી સામસામે આવી ગયાં હતાં. ઉશ્કેરાયેલા બંને જૂથ લાકડી સહિતનાં હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા, જેમાં આઠ જેટલા લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. જૂની અદાવતના પગલે સ્થિતિ તંગ બનતાં પોલીસ દ્વારા સાયલામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા આઠ લોકોને પોલીસ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને કાયદેસરનાં પગલાં હાથ ધર્યાં છે. તો બંને જૂથ વચ્ચે સામસામી ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ અથડામણ અંગે ધરપકડનાં પગલાં પણ ભરવામાં આવી શકે.