સુરેન્દ્રનગરમાં બ્રહ્મ યુવાનનું પોલીસ મથકમાં ઢોર માર મારતા મોત

છેતરપીંડીના કેસમાં પોલીસે સુરેન્દ્રનગરના વઢવાણના ઉદ્યોગનગર – એમ.પી.શાહ કોમર્સ કોલેજ સામે રહેતા રહેતા રહેતા અને કાર લે-વેચનો વ્યવસાય કરતા 40 વર્ષના કશ્યપ રાવલને ઝડપીને પોલીસ મથકે અરજીના આધારે પુછપરછ કરવા લઇ ગયા બાદ ઢોર માર મારી તેનું મોત કસ્ટડીમાં થતા પરિવાર તથા બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ સામે કાર્યવાહીની માંગણી કરી છે.

કશ્યપ રાવલને અમદાવાદના બાવળા પાસેથી ઝડપી લીધો હતો. સુરેન્દ્રનગર ખાનગી વાહનમાં લઇ જવાયો હતો. ત્યારે તેની તબીયત ખૂબ સારી હતી. બી. ડીવી. પોલીસ મથકમાં ગુરૂવારે તબીયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. સવારે પોલીસ પુછપરછમાં કશ્યપને છાતીમાં દુખાવો ઉપડતા પાછી ઊલટી થઇ હતી. આથી પોલીસ તેની ગાંધી હોસ્પિટલ લઇ ગઇ હતી. જયાં સારવાર મળે તે પહેલા મૃત્યુ થઈ ચૂક્યું હતું.

પિતાને કહ્યું હું પોલીસ પાસેથી સાંજે આવી જઈશ

8 મે 2019ના દિવસે પોલીસ મથકે લાવવામાં આવ્યો ત્યારે કશ્યપ રાવલે તેના પિતા હિમાન્શુભાઇ રાવલનો સંપર્ક કરી સાંજે ઘરે આવી જવાનું જણાવ્યું હતું. ત્યાં સુધી કશ્યપ રાવલ એકદમ સ્વસ્થ હતો અને બપોરે તેને પોલીસ મથકે ઊલટી થતા સારવાર માટે ગાંધી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જયાં તેનું મોત નીપજયું હોવા છતાં 9 મે 2019ના રોજ બપોરે ત્રણ વાગે કશ્યપ રાવલનું મોત નીપજ્યાનું તેના પિતા હિમાન્શુભાઇ રાવલને જાણ કરવામાં આવી હતી. કશ્યપ હિમાંશુ રાવલ ડ્રાઇવર હતો અને વાહન લે-વેચ કરતો હતો. ગાડી માટે પૈસા ઉછીના લેતી-દેતી કરતો હતો. મૃતક કશ્યપ રાવલના પિતા હિમાન્શુભાઇ રાવલ સેન્ટ્રલ એકસાઇઝના નિવૃત કર્મચારી છે. કશ્યપભાઇ રાવલ પરિણીત હોવાનું અને તેને સાડા ત્રણ વર્ષનો એક પુત્ર છે.

મૃતદેહ લેવાનો ઈન્કાર

કશ્યપના પિતા હીમાંશુભાઇ રાવલ, બ્રહ્મસમાજના અગ્રણીઓ, યુવાનો, વીરેન્દ્ર આચાર્ય, ભાસ્કરભાઇ દવે, સુનિલભાઇ ભટ્રટ, નંદકિશોર દવે વિગેરેએ ગાંધી હોસ્પીટલ પહોંચી ગયા હતા. પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોતની વિગતો જાણી ગાંધી હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. હોસ્પીટલમાં દેકારો થતા પી.એમ. માટે મૃતદેહ સુરેન્દ્રનગર પોલીસે રાજકોટ મોકલાયો છે. બપોરે બાર સાડા બાર વાગે કશ્યપ રાવલનું મોત થયું હોવા છતાં બપોરના ત્રણ વાગ્યા સુધી તેના પરિવારને પોલીસે જાણ કરી ન હતી. બ્રાહ્મણ સમાજના ટોળે ટોળા એકઠા થઇ જતાં પોલીસ સ્ટાફ કશ્યપ રાવલનો મૃતદેહ લઇને રાજકોટ ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવવા મોકલી દીધો હતો. જ્યાં પરિવારજનોએ જવાબદાર અધિકારીઓ સામે હત્યાનો ગુનો નોંધાવવાની માગ સાથે લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. સુરેન્દ્રનગર પોલીસ મથકે અને રાજકોટ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં આગેવાનો એકઠા થયા હતા અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ સામે પોલીસ દ્વારા અપહરણ કરી હત્યા કર્યા અંગેનો ગુનો નોંધવા માગણી કરી છે. કશ્યપ પાસેથી મોટી રકમની ઉઘરાણી પતાવવાનો પોલીસે હવાલો લીધાના આક્ષેપ કરાયો છે.

 

 

 

 

સમાજ એક રહ્યો

ગુજરાત બ્રહ્મ સમાજ કનવીંનર યજ્ઞેશ દવે, રાજકોટના ભાજપના આગેવાન જીતુ મહેતા, સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ રાજકોટ પ્રમુખ ભારત જાની, સમસ્ત  પ્રદીપ રાવલે સચિવાલયમાં ગૃહ મંત્રી કાર્યાલય તેમજ પોલીસ ભવન રજૂઆત કરી હતી. ધારાશાસ્ત્રી અશ્વિન ત્રિવેદી, ગુજરાત ના સમગ્ર બ્રહ્મ સંગઠનો સ્થાનિક લેવલ ઉપર પરશુરામ સેના દ્વરા  આવેદન પત્ર આપી ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માંગણી કરી હતી.  વીરેન્દ્ર આચાર્ય, ભાસ્કરભાઇ દવે, સુનિલભાઇ ભટ્રટ, નંદકિશોર દવેએ ન્યાયા માટે માંગણી કરી હતી.

તપાસની ખાતરી

બાદમાં એસપી સહિતના અધિકારીઓ દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાત્રી આપવામાં આવી છે. આ અંગે એસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બ્રહ્મસમાજ દ્વારા ધારાસભ્યને ઘેરાવ કરવામાં આવ્યો હતો.

5 લક્ઝરી કારનો મામલો

અમદાવાદના ત્રિવેદી નામની વ્યક્તિ પાસેથી પાંચેક જેટલી લકઝરીયસ કારની ખરીદી કરી તેનું પેમેન્ટ ન કરી બારોબાર વેચી નાખી ઠગાઇ કર્યા અંગેની પોલીસમાં અરજી આપતા કશ્યપ રાવલ વિરૂધ્ધની અરજીની તપાસ ડીવાય.એસ.પી. વાળંદના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઇ. ડોડીયાએ તપાસ સંભાળી હતી. પી.એસ.આઇ. ડોડીયાએ જાહેર કર્યું હતું કે, ચારેક માસ પહેલાં અરજી મળી હતી. કશ્યપનો વારંવાર સંપર્ક કરવા છતાં પોલીસ મથકે ન આવતા તેની બાવળા ખાતેથી 8 મે 2019ના રોજ પૂછપરછ માટે અટકાય કરી હતી. મોબાઇલ લોકેશન મેળવી ખાનગી કારમાં 4 પોલીસ સ્ટાફે અટકાયત કરી હતી.

પોલીસ મથકમાં હત્યા

સામાન્ય અરજીની તપાસ માટે સુરેન્દ્રનગર ડીવાય.એસ.પી. વાળદને કેમ વધુ રસ હતો અને અરજીની તપાસ સામાન્ય રીતે હેડ કોન્સ્ટેબલ દ્વારા જ કરવામાં આવતી હોય છે. તેમ છતાં પી.એસ.આઇ. ડોડીયાને શા માટે સોપવામાં આવી તે અંગે પોલીસ સ્ટાફ દ્વારા કોઇ સંતોષકારક જવાબ રજુ કરવામાં આવ્યો ન હતો.

પી.એસ.આઇ. ડોડીયાએ કશ્યપ રાવલ સામે ગુનો કેમ ન નોંધ્યો અને ગુનો ન નોંધાયો હોવા છતાં તેનું મોબાઇલ લોકેશન કઢાવી ખાનગી કારમાં અટક કરી હોવાથી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કશ્યપ રાવલના મોત અંગે કસ્ટોડીયલ ડેથ નહી પણ પોલીસ દ્વારા અપહરણ કરી હત્યા કર્યા અંગેનો ગુનો નોંધવા બ્રહ્મ સમાજ દ્વારા માગણી કરવામાં આવી હોવાનું બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન દિપેનભાઇ દવેએ જાહેર કર્યું હતું.

ડી.વાય.એસ.પી.ને કેમ વધુ રસ હતો ?

સુરેન્દ્રનગર ડીવાય.એસ.પી. વાળંદનો એલઆઇબીનો એક કોન્સ્ટેબલ તમામ વહીવટ સંભાળતો હોવાનું અને મોટી રકમનો ‘તોડ’ કરવા માટે કેટલાયે નિદોર્ષને ખોટી રીતે હેરાન કર્યાનું બ્રહ્મ સમાજના આગેવાનોએ આક્ષેપ કરી સુરેન્દ્રનગરના વિજયભાઇ કરપડા નામના કાઠી યુવાને ડીવાય.એસ.પી.વાળંદના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું જણાવ્યું છે.

માનવ અધિકારનું હનન – કોંગ્રેસ

કોંગ્રેસે જણાવ્યું હતું કે, કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. પોલીસ અધિકારી સામે તપાસ કરી ઘટનાના મૂળ સુધી પહોંચવાની માંગ કરી છે. પોલીસ તંત્ર કાયદો હાથમાં લઈને જાતે જ સજા આપવાની માનસિક્તાના લીધે ગુજરાતમાં માનવ અધિકારોનું સતત હનન થઈ રહ્યું છે. ગુજરાતમાં કસ્ટોડીયલ ડેથના બનાવોમાં સતત વધારો થતો જાય છે અને પોલીસ દમનમાં પણ સતત વધારો થતો જાય છે. પોલીસને જે તે ફરિયાદના આધારે આરોપીને પકડવાની છૂટ છે, પણ સજા કરવાની છૂટ નથી. જે તે ગુન્હાની નોંધાયેલી ફરિયાદ અંગે આરોપીને સજા કરવાની જવાબદારી ન્યાય તંત્રની છે.  સુરેન્દ્રનર પોલીસ કસ્ટડીમા મોત અનેક સવાલો સર્જે છે. પોલીસ કસ્ટડીમાં મોત માનવ અધિકારનું હનન કહેવાય. ન્યાયિક તપાસ થાય તો સત્ય સામે આવે. ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથનો વધારો થઈ રહ્યો છે. અગાઉ પણ મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા જેવા જીલ્લામાં આ પ્રકારની ઘટના બની ચૂકી છે. જેથી સરકારે આ મામલે ગંભીર પગલાં લેવા જોઇએ. કોંગેસ આ મામલે ન્યાયિક તપાસની માંગ સાથે મુખ્ય પ્રધાન અને રાજ્યપાલને પત્ર લખીને સમગ્ર ઘટનાની જાણ કરશે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી સુરેન્દ્રનગરના વતની હોવા છતાં તેમણે આ ઘટના અંગે કંઈ કહેવાનું યોગ્ય માન્યું નથી.

માનવ અધિકાર પંચ પગલાં લે

કોંગ્રેસે માંગણી કરી છે કે, માનવ અધિકાર પંચે તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ જવાબદાર પોલીસ અધિકારી – કર્મચારી સામે પગલાં ભરવા જોઈએ. જે ફરિયાદ, ગુન્હા અંગે કશ્યપ રાવલને પોલીસે પકડ્યો હતો તેની નોંધ જે તે વખતે પોલીસ સ્ટેશન ખાતે કરી હતી ? અથવા તો વાયરલેસ દ્વારા જાણ કરી હતી ? શું કશ્યપ રાવલ સામે કોઈ પોલીસ ફરિયાદ થઈ હતી ? જેની નોંધ પોલીસ ચોપડે નોંધાયેલ છે?  નાણાંકીય વસૂલાત માટે કયા મોટા નેતાએ ભલામણ કરી હતી? સત્તાધારી પક્ષના કયા નેતાની નાણાં ઉઘરાણી પોલીસ કરી રહી હતી ? જવાબદાર અધિકારીઓના કોલ ડિટેલ્સની પણ તપાસ થવી જરૂરી છે. કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, કસ્ટોડીયલ ડેથનો સુરેન્દ્રનગર ખાતે બનેલ ગંભીર બનાવ છતાં તંત્ર આંખ આડા કાન કરે તેવા સંજોગોમાં ભોગ બનેલા બ્રહ્મસમાજના યુવાનના પરિવારને ન્યાય મળે તે માટે રાજ્યપાલ, મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને ગૃહ સચિવને પત્ર લખી માંગ કરી છે. સંડોવાયેલા અધિકારી- પોલીસ કર્મચારી સામે એફ.આઈ.આર. નોંધવામાં આવે અને તેની નકલ તેના પરિવારજનોને આપવામાં આવે અને માનવ અધિકાર પંચના ઉચ્ચ અધિકારીને સ્થળની મુલાકાત લેવાની સૂચના આપવામાં આવે એવી માંગ કરવામાં આવે છે.