જેતલપુર એ.પી.એમ.સી ખાતે ખેડૂતોને ખેતરમાંજ વિજળી ઉત્પાદન કરી સિંચાઈ માટે ઉપયોગ માં આવે તેવી સૂર્ય શકિત કિસાન યોજના – SKYની જાણકારી ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે ઉપસ્થિત ખેડૂત મિત્રોને આપી હતી. આજે જેતલપુર ખાતે આવેલી એ.પી.એમ.સી માં અમદાવાદ અને ગાંધીનગર જીલ્લાના ખેડુતમિત્રો સાથે સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે ખેડુત મિત્રો સાથે સંવાદ કરી તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોન્ચ કરવામાં આવેલી સૂર્ય શકિત કિસાન યોજના – SKYની વિસ્તૃત જાણકારૂ આપી તેનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
પ્રાસંગિક ઉદબોધનમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને પુરતી વીજળી, પાણી, ખાતર અને આધુનિક કૃષિ જ્ઞાન આપીને કૃષિ વિકાસ દર ડબલ ડીઝીટે પહોંચાડ્યો છે. સૂર્ય શકિત કિસાન યોજના દ્વારા હવે રાજ્યના ધરતીપુત્રો ખેતી વિષયક વીજ ઉત્પાદન પોતાના જ ખેતરમાં જાતે જ કરીને તેનો ઉપયોગ સિંચાઇ માટે કરી શકે તેવો કિસાન હિતકારી આશય આ સ્કાય યોજનાનો છે તેમ ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. સ્કાય યોજનાની વિશદ ભૂમિકા આપતાં જણાવ્યું કે, સ્કાય-સૂર્યશકિત કિસાન યોજના એ રાજ્યના ધરતીપુત્રો માટે વિકાસની ઊંચી ઊડાન બની રહેશે. તેમજ આ યોજનાથી ખેડૂતના ખેતરમાં દિવસના સમયે પાણી તેમજ ૧૨ કલાક વીજળી મળશે અને વધારાની વીજળી દ્વારા ખેડુત કમાણી પણ કરી શકશે.
યોજના અંગે ખેડુતોને જાણકારી આપતા મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં અત્યારે પાયલોટ પ્રોજેકટમાં સમાવિષ્ટ ૧૩૭ ફીડર દ્વારા ૧ર,૪૦૦ ખેડૂતો વીજ પૂરવઠો મેળવે છે અને ૧ લાખ ૪ર હજાર હોર્સ પાવર વીજ ભાર વપરાય છે. આ સમગ્ર પાયલોટ પ્રોજેકટનો ખર્ચ રૂા. ૮૭૦ કરોડ થવા જાય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સહાય પેટે ૨૯૨ કરોડ રૂપિયા રાજ્ય સરકારને મળી ચૂક્યાની વાત પણ તેમણે ઉપસ્થિત લોકો સમક્ષ કરી હતી. સૂર્યશકિત કિસાન યોજનાથી જે સૌર ઊર્જા ઉત્પન્ન થશે તે રાજ્યના ઊર્જા ક્ષેત્રે એક વિશેષ પહેલ બનશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
સૌર ઊર્જા શકિતનો ખેતીવાડી વીજ ઉત્પાદન માટે વિનિયોગ રાજ્યનો ખેડૂત પોતાના જ ખેતરમાં વીજ ઉત્પન્ન કરીને કરી શકે તેવી આ સ્કાય-સૂર્યશકિત કિસાન યોજના ખેડૂતોના વ્યાપક હિતમાં ખુશાલી લાવનારી અને કૃષિ વિકાસમાં નવીન ઊંચાઇઓ સર કરનારી બની રહેશે તેવો વિશ્વાસ પણ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.