સેનામાં ચાલુ ફરજે જવાનનું મૃત્યુ થતાં તેના પાર્થિવ દેહને અમદાવાદ લવાયો

અમદાવાદ, તા. 19
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને સેનામાં ફરજ બજાવતા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં તેમના પાર્થિવ દેહને સન્માન સાથે અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાં પોસ્ટ ઓફિસની સામે રાવના વંડામાં રહેતા હરીશચંદ્ર રામરાજ મૌર્ય (ઉ.40) ભારતીય ભૂમિદળમાં જવાન તરીકે ફરજ બજાવતા હતા.

હાલમાં તેમનું પોસ્ટિંગ લેહ લદાખમાં હતું. તે દરમિયાન થોડા દિવસ અગાઉ તેમને કોઈ બીમારીના લીધે તેમને બેંગલોરની લશ્કરી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
આ સારવાર દરમિયાન બે દિવસ અગાઉ તેમનું મૃત્યુ નીપજયું હતું. જેથી ભૂમિદળના તેમના સાથી જવાનો અને અધિકારીઓ દ્વારા હરીશચંદ્ર મૌર્યના પાર્થિવ દેહને આજે પૂરા માન સન્માન સાથે બેંગલોરથી અમદાવાદનાં અમરાઈવાડી સ્થિત તેમના નિવાસ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તિરંગા સાથે આસપાસના રહીશો દ્વારા તેમને ગમગીન હ્રદયે અંતિમ વિદાય આપવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારનું વાતાવરણ ભારે ગમગીન બન્યું હતું.