આવકવેરાના રિટર્ન ફાઈલ કર્યા પછી બેંગલુરુમાં આવેલા સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં રિટર્નનું પ્રોસેસિંગ કરતી વેળાએ ઊભી થતી સમસ્યાઓ ઉકેલવા માટે અમદાવાદની આવકવેરા કચેરીએ નોડલ અધિકારીની નિમણૂક કરી છે અને દર મહિને દિલ્હીથી એક આવકવેરા અધિકારીને અમદાવાદ લાવવાની અને સમસ્યા ઉકેલી આપવાની વ્યવસ્થા કરી છે. પરિણામે અગાઉ સીપીસીમાં લેટર લખ્યા બાદ કરદાતાઓને કોઈ જ પ્રતિભાવ ન મળતો હોવાની ફરિયાદ પર પડદો પડી જવાની સંભાવના ઊભી થઈ છે.
ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો કોઈપણ કંપની તેના ડિરેક્ટરના નામે ગાડી લે તો તેમને આરટીઓમાં ભરવાના થતાં ટેક્સમાં રાહત મળવાનો એડિશનલ એડવાન્ટેજ મળે છે. આ એડવાન્ટેજ લેવા માટે કંપનીઓ ડિરેક્ટરને નામે ગાડી લઈને પેમેન્ટ કંપની તરફથી કરવામાં આવે છે. આમ ડિરેક્ટરના નામે કાર લીધા પછી કંપની તેના વાર્ષિક રિટર્નમાં તે કાર ખરીદી હોવાનું બતાવે છે, કારણ કે ખર્ચ બધો જ કંપની તરફથી કરવામાં આવેલો હોય છે. આ ખર્ચ તો કંપનીએ કર્યો હોય પણ નામ ડિરેક્ટરનું હોવાથી તેમના રિટર્નમાંથી તે ખર્ચ કાઢી નાખીને તેના રિફંડ તેમને આપવાનો ઇનકાર કરી દેવામાં આવે છે. તેથી કંપનીનું રિફંડ અટકે છે અને ખર્ચ બાદ ન મળતા ટેક્સની લાયેબિલીટી વધે છે. આ પ્રકારની સ્થિતિને આવકવેરાની ભાષામાં મિસમેચ ગણવામાં આવે છે. મિસમેચની આ સમસ્યાને કારણે હજારો રિટર્ન અટકી પડે છે. તેથી રિફંડ પેન્ડિંગ રહે છે અને રિફંડ ચૂકવવામાં જેટલો વિલંબ થાય તેટલો વ્યાજ ખર્ચનો બોજો આવકવેરા કચેરીને માથે વધતો જ જાય છે.
આ જ રીતે કોઈ એક વ્યક્તિ રૂા. 10 કરોડના મૂલ્યની મિલકત ખરીદે છે. આ મિલકતની ખરીદીનું પેમેન્ટ એક ઝાટકે થતું ન હોવાના કિસ્સા પણ બને છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો ત્રણ હિસ્સામાં તેનું પેમેન્ટ કરવામાં આવે છે. પહેલો ત્રણ કરોડનો હપ્તો માર્ચ 2017માં ચૂકવવામાં આવે છે. ત્યારબાદ બીજો ત્રણ કરોડનો હપ્તો ઓગસ્ટ-સપ્ટેમ્બર 2018માં ચૂકવાય છે અને છેલ્લો હપ્તો મે 2019માં ચૂકવવામાં આવે છે. આમ આ મિલકતના વહેવારો ત્રણ નાણાંકીય વર્ષમાં પૂરા થાય છે. તેના ટીસીએસના નાણાંના રિફંડના ક્લેઈમ મેળવવામાં નાકે દમ આવી જાય છે. એક જ સોદાના નાણાં ત્રણ વર્ષના રિટર્નમાં રિફ્લેક્ટ થાય છે. આ રીતે કરદાતાઓ રિફંડથી વંચિત રહી જાય છે. તેમના રિટર્ન પ્રોસેસ થતાં અટકી જાય છે. પરિણામે કરદાતાના રિફંડના નાણાં ફસાયેલા રહે છે.
સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં 26 એએસમાં મળેલી માહિતી સાથે રિટર્નની માહિતી સરખાવવામાં આવે છે. આ સંજોગોમાં જરાય મિસમેચ થાય તો તેવા સંજોગોમાં કરદાતાને નોટિસ મોકલી આપવામાં આવે છે. કરદાતાના રિટર્ન અટકી પડે છે. દ્રષ્ટાંત આપીને વાત કરવામાં આવે તો એક કરદાતાના પરમેનન્ટ એકાઉન્ટ નંબરનો ઉપયોગ કરીને એક વ્યક્તિએ 10 લાખની કમિશનની આવક બતાવી દીધી હતી. આ કરદાતાના રિટર્નમાં તે આવક રિફ્લેક્ટ ન થતી હોવાનું જણાતા તેના રિટર્નનું પ્રોસેસિંગ અટકી પડ્યું હતું. આ સંજોગોમાં કમિશનર અપીલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અમદાવાદના કમિશનર અપીલે આ કેસ ઉકેલી આપ્યો હતો. સીપીસી-સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં થતાં પ્રોસેસિંગમાં ઊભા થતાં ઇશ્યૂનું નિરાકરણ લાવવા માટે કમિશનર અપીલનો પણ સંપર્ક કરી શકાય છે. હવે આ માટે અમદાવાદની આવકવેરા કચેરીએ અલગથી અધિકારીની નિમણૂક કરી છે. નોડલ અધિકારી રાજદીપ સિંગ નામના આ અધિકારીનો ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે આવેલી કચેરીમાં સંપર્ક કરી શકાય છે. તેમની સમક્ષ કરદાતાઓ તેમની દરેક સમસ્યાઓ રજૂ કરી શકે છે. તેનો ઉકેલ તેમના લેવલે કે પછી દિલ્હીથી આવતા અધિકારીના લેવલે ઉકેલી દેવાનો પ્રયાસ કરવામાં આવશે.