અમદાવાદ,તા.02
શેરબજારમાં લિસ્ટ થયેલી તમામ બેન્કોને તેમની નોન પરફોર્મિંગ એસેટ્સ-એનપીએની વિગતો 24 કલાકમાં જ જાહેર કરી દેવા આદેશ કર્યો છે. એનપીએ સામે કેટલી જોગવાઈ કરી છે અને પ્રોવિઝન કરવામાં નિશ્ચિત મર્યાદાથી ઉપર ગયા છે કે નહિ તેની વિગતો માત્ર 24 કલાકમાં જ રજૂ કરી દેવા આદેશ કર્યો છે. રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ રજૂ કરવા માટે રિઝર્વ બેન્કે માગણી કરી તેના અનુસંધાનમાં આ આદેશ કરવામાં આવ્યો છે. બેન્કો તેમના વાર્ષિક અહેવાલમાં તમામ વિગતો જાહેર કરે તે પૂર્વે જ તમામ વિગતો જાહેર કરી દેવાની સૂચના આપવામાં આવી છે. આમ સેબીએ ત્રિમાસિક ગાળાને અંતે વધતી એનપીએ-ફસાયેલી મૂડીના આંકડાઓ જાહેર કરવાની પણ સૂચના આપી છે. એનપીએની તથા બેન્ક દ્વારા કરવામાં આવતી જોગવાઈની બેન્કના શેરબજારમાં લિસ્ટ થયેલા શેર્સના ભાવ પર અસર પડતી હોવાથી આ વિગતો મંગાવવામાં આવી છે.
બીજી તરફ બેન્કિંગ સેક્ટરમાં થતાં કૌભાંડો પર નિયંત્રણ રાખવા માટે રિઝર્વ બેન્કે પણ બેન્કો પર દેખરેખ અને નિયંત્રણની કામગીરીને વધુ સંગીન બનાવવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન, ડિપાર્ટમેન્ટ ઓપ નોન બેન્કિંગ સુપરવિઝન અને ડિપાર્મટેન્ટ ઓપ કોઓપરેટીવ બેન્ક સુપરવિઝનમાં ડિપાર્ટમેન્ટમાં ધરમૂળથી ફેરફારો કરી દીધા છે. બેન્કિંગ રેગ્યુલેશન માટેના આ જ પ્રકારે કામ કરતાં ત્રણ ડિપાર્ટમેન્ટમાં પણ ધરમૂળથી ફેરફારો કરી દીધા છે. તેની મદદથી બેન્કોની દરેક એક્ટિવિટી પર નજર રાખી શકાશે.
બેન્કને થયેલા કુલ વાર્ષિક નફાના 10 ટકાથી વધુ રકમ એનપીએની જોગવાઈ માટે ઉપયોગમાં લેવામાં આવી હોય તેવા કિસ્સામાં પણ બેન્કોએ તે વિગતો જણાવવાની રહેશે. રિઝર્વ બેન્કે સંબંધિત બેન્ક દ્વારા દર્શાવવામાં આવેલી કુલ એનપીએ ઉપરાંત વધારાની એનપીએ બતાવી હોય અને તે15 ટકાથી વધુ થઈ હોય તેવા સંજોગોમાં પણ બેન્કોને ગ્રોસ-કુલ એનપીએમાં થયેલા વધારાની વિગતો જાહેર કરવા જણાવવામાં આવ્યું છે. અત્યારે બેન્કો તેની વધારાની એનપીએના આંકડાઓ તેના ત્રિમાસિક રિપોર્ટ્સમાં દર્શાવી રહી છે. ગત એપ્રિલ માસમાં પણ રિઝર્વ બેન્કે તમામ બેન્કો પાસેથી તેમની એનપીએના, વધારાની એનપીએના તથા તેની જોગવાઈ કરવા માટે નફા માટે કેટલી રકમ ઉપયોગમાં લેવામાં આવી તેની વિગતો રજૂ કરવા જણાવ્યું હતું. આ માહિતીની સીધી અસર શેરબજારમાં લિસ્ટ થયેલી બેન્કના શેર્સના ભાવ પર પડી શકે છે. તેથી આ વિગતો જાહેર કરવી જરૂરી છે.
સેબીએ તેના આદેશમાં જણાવ્યું છે કે 31મી માર્ચ 2019ના અંતે બેન્કે દર્શાવેલી અને ત્યારબાદ રિઝર્વ બેન્કે સ્થિતિનો અભ્યાસ કરીને તેમાં વધાારની એનપીએનો કેટલો ઉમેરો કર્યો અને તે બંને વચ્ચે કેટલા ટકાનો ગાળો હતો તેની વિગતો મૂકવા જણાવ્યું છે. તેની સામે બેન્કે કેટલી રકમની નફામાંથી જોગવાઈ કરી તેની અને રિઝર્વ બેન્કે આ જોગવાઈની રકમમાં કેટલો ઉમેરો કર્યો તેની વિગતો આપવા જણાવવામાં આવ્યું છે. તેની અસર બેન્કોના નફા પર કેટલી આવી તેની વિગતો પણ જાહેર કરવા જણાવવામાં આવ્યું છે.
પંજાબ નેશનલ બેન્કમાં રૂા.14000 કરોડનું અને પંજાબ મહારાષ્ટ્ર કોઓપરેટીવ બેન્ક નબળી પડવાની ઘટના બની તે પછી રિઝર્વ બેન્કે પણ રાષ્ટ્રીયકૃત કે ખાનગી બેન્કોમાં કૌભાંડો થતાં અટકાવવા માટે પગલાં લેવા માંડ્યા છે. નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ પણ તેમના વધી રહેલા દેવા સામે જોગવાઈ કરવામાં નિષ્ફળ જવા માંડી છે. સુપરવિઝન અને રેગ્યુલેશનની કામગીરી એક જ વિભાગમાંથી થાય તેવી જોગવાઈ કરવા માંડી છે.