સમગ્ર દેશમાં ગુજરાતમાં પ્રદેશ કક્ષાએ મહિલા કોંગ્રેસનું સૌથી મોટું સંગઠન ઉભું કરનાર સોનલબેન પટેલી નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સચિવ તરીકે કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ પોતાની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપ્યું છે. હવે તેઓ મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યમાં સહપ્રભારી તરીકે લોકસભાના કોંગ્રેસ નેતા મલ્લિકા અર્જુન ખડગે સાથે જવાબદારી સોંપવામાં આવી છે. જે સમગ્ર દેશમાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ માટે પ્રોત્સાહન અને ગર્વની બાબત છે.
એટલુજ નહી ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ઈતિહાસમાં સોનલબેન એ પ્રથમ મહિલા કોંગ્રેસ પ્રમુખ છે કે જેમને સીધુજ રાષ્ટ્રીય કક્ષાએ પ્રમુખની ટીમમાં સચિવ તરીકે નિમણુક મળી હોય. ગુજરાતમાંથી આવી જવાબદારી અહેમદ પટેલ શિવાય અન્ય કોઈને આજ સુધી સોંપવામાં આવી નથી. તેથી હવે તેઓ અહેમદ પટેલનું સ્થાન ગુજરાતમાંથી લઈ રહ્યાં છે. આ બતાવે છે કે હવે કોંગ્રેસમાં અહેમદ પટેલનું રાજકીય પ્રભૂત્વ રહ્યું નથી.
સોનિયા ગાંધી હવે પ્રમુખ રહ્યાં નથી તેથી અહેમદ પટેલ પણ તેમને રાજકીય સલાહકાર પણ રહ્યાં નથી. આમ હવે અહેમદ પટેલ કોંગ્રેસમાં કંઈ નથી. તેથી કોંગ્રેસમાં ગુજરાતની નેતાગીરી તરીકે સોલન પટેલ ઉભરી રહ્યાં હોવાનું જોઈ શકાય છે. લોકોને હવે આશા બંધાઈ છે કે, આજ સુધી કોંગ્રેસની દરેક ચાલ ભાજપના ટોચના નેતા નરેન્દ્ર મોદી સુધી મિત્રના દાવે અહેમદ પહોંચાડતાં હતા તે હવે બંધ થશે અને ભાજપ કોંગ્રેસની આંતરિક દોસ્તી ખતમ થઈ છે.
ગુજરાતમાં હવે પછીના ચાર વર્ષમાં કોંગ્રેસ સરકાર બનાવી શકે એવો વિશ્વાસ કોંગ્રેસના કાર્યકરોમાં ઊભો થયો છે. સોનલબેન પટેલને એઆઈસીસીમાં પ્રમોશન મળતા એમનું મહિલા કોંગ્રેસનું પદ ખાલી થતા સોનલબેન અને પ્રભારી શોભનાબેન શાહની ભલામણથી રાષ્ટ્રીય પ્રમુખ સુષ્મિતા દેવ દ્વારા હંગામી ધોરણે સીનીયર ઉપપ્રમુખ ભારતીબેન ભીંગરાડીયાને ઇન્ચાર્જ બનવવામાં આવ્યા છે. સોનલબેન પટેલ સતત 6 વર્ષ એટલે કે 2 ટર્મ સુધી સંગઠનના પ્રમુખ રહ્યા અને બઢતી થતા એમની જગ્યાએ હવે બીજી હરોળના મહિલા કાર્યકર્તાને પ્રમુખનું સ્થાન મળશે.
સોલન પટેલને રાજ્ય સભામાં નોમિનેશન ન મળતાં તેમણે રાજીનામું આપ્યું હતું. પોતાનો આર્કિટેક્ટનો વ્યવસાય અને પરિવારને પુરતો સમય નહિ ફાળવી શકતા હોવા છતાં પણ એમને સતત કાર્યશીલ રહીને સંગઠન મજબુત કરતા રેહવાનું કામ કરતા રહ્યા હતા. આ 6 વર્ષના સમય દરમિયાન એમને બે રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ, ત્રણ રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ પ્રમુખ, ત્રણ અલગ અલગ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ત્રણ સીએલપી લીડર સાથે સંગઠનનું કામ પાર પાડ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં કારોબારી સભ્યથી લઇને મહામંત્રી સુધી સંગઠનનું કાર્ય કર્યા બાદ એમની વર્ષ 2012માં કોંગ્રેસના અગત્યનાં ફ્રંટલ ઓર્ગેનાઈઝેશન એવા મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા વ્યક્તિગત મુલાકાત અને ગ્રુપ ડિસ્કશન બાદ જવાબદારી સોંપવામાં આવી હતી. લીડરશીપ ટ્રેઈનીંગની શરૂઆત કરીને આધુનિક તમામ સંસાધનોના વધુમાં વધુ ઉપયોગ કરીને મજબુત સંગઠન ઉભું કરવું એ બાબતે સક્રિય રહ્યા છે અને હાલ પણ છે જ. એમની કામગીરીની પ્રસંશા તો રાહુલ ગાંધીએ જાહેર મંચ પર થી કરેલી હતી.
સૌરષ્ટ્રનાં પ્રવાસ દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સંકેત આપ્યા હતા કે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો મહિલાને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે. રાહુલ ગાંધીની આ વાત પરથી એવું સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ દ્વારા પાટીદાર મહિલાને પણ મુખ્યમંત્રી તરીકે પ્રોજેકટ કરવામાં આવી શકે છે. આમ તે સમયે આવી અટકળ શરૂ થઈ હતી.
રાહુલ ગાંધીનાં સંકેત બાદ કોંગ્રેસમાં ચર્ચા શરૂ થઈ છે કે મહિલા મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસ પાસે કોણ કોણ દાવેદાર હોઈ શકે છે? મહેસાણાનાં પાટીદાર મહિલા અગ્રણી સોનલ પટેલનું નામ કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યું છે. સોનલ પટેલ કોંગ્રેસમાંથી વર્ષોથી સક્રીય છે અને પાટીદાર મહિલાઓને કોંગ્રેસ તરફ વાળવાનાં કાર્યમાં લાગેલા છે.
રાહુલ ગાંધીનાં સંકેતે કોંગ્રેસનાં આગેવાનોને પણ વિચારતા કરી દીધા છે. હાલ તો સોનલ પટેલનું કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાની એરણે છે.