સોનામાં “ટેરર-ટ્રાઈફેકટા ટ્રેડ” (ટેરરિસ્ટ ફંડીગ)નું જબ્બર આકર્ષણ

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૫: રોકાણકારોને સોના પ્રત્યે એકએક પ્રેમનો ઉભરો કેમ આવ્યો? સોનાના ભાવ છ વર્ષની ઉંચાઈએ જતા રહ્યા છતાં, આખી દુનિયામાંથી રોકાણકારો બુલિયન બજારમાં કુદાકુદ કરવા આવી લાગ્યા છે. પણ હાલમાં ભાવ આટલા બધા ઉચે કેમ છે? અને હવે સોનામાં રોકાણ કરવું વાજબી ગણાય? આ બધા સવાલો સોનામાં રોકાણ કરનારા સામાન્ય રોકાણકારો તરફથી પુછાઈ રહ્યા છે. હકીકત એ છે કે આ બધા સવાલો શેરબજાર અને બોન્ડમાં રોકાણ કરતા ચતુર-સુજાણ નથી કરતા. પણ ભારત જેવા દેશમાં જ્યાં સોનાને એક ધાર્મિક ભાવનાથી જોતા રોકાણકારો તરફથી આવા સવાલ આવી રહ્યા છે. અગર જો તમારા દેશનું અર્થતંત્ર ધીમું પાડવા લાગ્યુ હોય અને કરન્સી બજારમાં તમારું ચલણ વેગથી નબળું પાડવા લાગે એ સ્થિતિમાં, તમારા નાણા સોનામાં રોકાય તો તે વાજબી ગણાય.

અર્થતંત્રનું ચિત્ર ઉજળું ન જણાતું હોય, આર્થિક ક્ષેત્રે અનિશ્ચિતતાઓ વ્યાપક બને ત્યારે લોકો સોનામાં સરણ લેવાનું શરુ કરતા હોય છે. અને ભારતમાં તો હજુ શરૂઆત થઇ છે, તેથી જ સોનામાં રોકાણ એ સારી બાબત છે. તમે જુઓ સોના આધારિત વૈશ્વિક ગોલ્ડ ઈટીએફમાં યુનિટ ખરીદી, ઓગસ્ટ એન્ડ સુધીમાં છ વર્ષની નવી ઉંચાઈએ પહોચી ગઈ. આખા વિશ્વમાં રાજકીય અનીશ્ચતતાનું જોખમી વાતાવરણ સર્જાતા, કહેવાતા ફીયર ટ્રેડ વચ્ચે રોકાણકારોએ એકલા ગોલ્ડ ઇટીએફ્મા પાંચ અબજ ડોલર ઠાલવી દીધા. ૮ ટકાની વૃદ્ધિ સાથે કોમોડીટી બજારમાં સોનું બેસ્ટ પરફોર્મિંગ એસેટ્સ બની, ભાવ એપ્રિલ ૨૦૧૩ પછીની નવી ઉંચાઈએ પહોચી ગયા. આ વર્ષે અત્યાર સુધીમાં સોનું ૨૦ ટકા વધીને ગુરુવારે પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) ૧૫૫૧ ડોલરની ઉંચાઈએ પહોચી ગયું.

રોકાણકારોએ ઓગસ્ટમાં ઈટીએફ મારફત ૧૦૧.૯૦ ટન સોનું ખરીદ્યું પરિણામે કુલ વૈશ્વિક ઈટીએફ હોલ્ડીંગ ૨૪૫૩ ટનની, ફેબ્રુઆરી ૨૦૧૩ પછીની નવી ઉંચાઈએ પહોચી ગયું. ઈટીએફમાં આ સતત ત્રીજા મહીને હોલ્ડીંગ વૃદ્ધિ થઇ હતી. આ ઘટનાએ તો “ટેરર-ટ્રાઈફેકટા ટ્રેડ” (ટેરરિસ્ટ ફાઈનાન્સીનીંગ લીંક) જે અત્યાર સુધી શેરબજાર, બિત્કોઇનમાં રોકાણ કરતા હતા તેમાં ગાબડા પડતા, તેમને સોના અને અમેરિકન બોન્ડ તરફ આકર્ષિત કર્યા છે. ચીન અમેરિકા ટ્રેડ વોરથી લગાવીને બ્રેક્ઝીટ સહિતની વિશ્વની તમામ સમસ્યાઓનાં ઉકેલ તરીકે તમામ પ્રકારના ટેરર ટ્રાઈફેકટા ટ્રેડમાં ભારે આકર્ષણ પેદા કર્યું છે.

એનાલીસ્ટો કહે છે કે ઓગસ્ટમાં બિત્કોઇનનાં ભાવ ૫ ટકા ઘટ્યા હતા, વૈશ્વિક બોન્ડ યીલ્ડ તૂટ્યા હતા, ત્યારે માત્ર સોનું જ રોકાણકારોનો સહારો બન્યું હતું. ઓગસ્ટમાં અમેરિક ઔદ્યોગિક ડેટા નબળા આવ્યા હતા, પીએમઆઈ (પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ) જુલાઈના ૫૧.૨થી ઘટીને ૪૯.૧ થયો. વધુમાં અમેરિકન બાંધકામ વિસ્તરણના જુલાઈ ડેટા, જુનથી ૦.૧ ટકાનો ઘટાડો દાખવતા હતા. આવા નબળા અહેવાલે મોનીટરી પોલીસી અધિકારીઓના તંબુમાં ગભરાટ ફેલાવ્યો છે, જેઓ યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડો ઈચ્છી રહ્યા છે.

ગત સપ્તાહાંતે ચીને ડબલ્યુટીઓમાં અમેરિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તે સાથે જ અમેરિકાએ ચીનના વધુ સામાન પર આયાત જકાત પણ વધારી દીધી. આટલું અધૂરું હોય તેમ બુધવારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પએ હાકલા પડકારા કરતી એક ટ્વીટ કરીને ચીનના તંબુમાં ગભરાટ ફેલાવ્યો હતો. આનો અર્થ એ થયો કે ટ્રેડ વોરના ભુવાના વધુ ડાકલા હવે ધુણશે. વ્યુહાત્મક રીતે ચીને તેના ચલણ યુઆનને અમેરિકન ડોલર સામે નબળો પાડીને ૧૧ વર્ષના તળિયે પ્રતિ ડોલર ૭.૨ યુઆન પર બેસાડી દીધો. બ્રેક્ઝીટ મામલે યુકેમાં કોઈ સમાધાન ન થતા બ્રિટીશ પાઉન્ડ ૩૪ વર્ષની ખાઈમાં પડ્યો.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૫-૯-૨૦૧૯