સોનું અને શસ્ત્રો શોધવા દિલ્હી પોલીસ અને NIAનાં પોરબંદનાં દરિયા કિનારે ધામા

ગુજરાતનાં દરિયા કિનારે દિલ્હી પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી છેલ્લાં કેટલાંક દિવસથી ધામા નાંખીને બેઠી છે. એવું કહેવાય છે કે પોરબંદરનાં દરિયામાં સોનું અને શસ્ત્રો નાંખવામાં આવ્યું હોવાથી તેને શોધ કરવામાં આવી રહી છે. જોકે આ મામલે કોઈ સત્તાવાર અહેવાલો નથી સાંપડ્યાં. પરંતુ સૂત્રો અને સ્થાનિક માછીમારોનાં કહેવા પ્રમાણે છેલ્લાં કેટલાંક દિવસોથી દિલ્હી પોલીસની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી પણ આ દરિયામાં ધૂબાકા લગાવી રહી છે.
પોરબંદર પાસેનાં દરિયામાં સોનું અને શસ્ત્રોની શોધ કરવા માટે દિલ્હી પોલીસની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ પોરબંદરના દરીયા કાંઠે ધામા નાંખ્યા છે. ગોસબારા 1993ના RDX લેન્ડીંગ સ્થળે  દિલ્હી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરતા આશ્ચર્ય સર્જાયું હતું. પોરબંદરના કોસ્ટલ હાઇવે પર સમુદ્ર કિનારે જમીનમાં સોનું અને શસ્ત્રો નાંખવામાં આવ્યા હોવાના અનુમાનને પગલે કેટલાંક દિવસથી જેસીબી સહિતની મશીનરી દ્વારા ઉત્ખનન શરૂ કરવામાં આવ્યું હતું. સ્થળ પર સ્થાનિક પોલીસના પ્રવેશ પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે કુખ્યાત ગેંગ પણ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. ઉત્ખનનને પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં મુંબઈમાં થયેલાં આતંકવાદી હુમલા દરમિયાન આતંકવાદી કસાબ અને તેનાં સાથીઓએ આ જ દરિયા કિનારેથી બોટ દ્વારા મુંબઈમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લાં કેટલાંક સમયથી આતંકવાદીઓની ગતિવિધિ કાશ્મીરમાં તેજ બની છે, પરંતુ જમ્મુ કાશ્મીરમાં સૈન્યની ધોંસ વધતાં હવે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ જળમાર્ગે ભારતમાં ઘૂસવાની યોજના બનાવી છે. અને આ માર્ગ આતંકીઓ માટે સરળ અને સીધો હોવાનાં કારણે આ દરિયા કિનારેથી પ્રવેશ કરવાની તજવીજ પણ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહી હોવાની શક્યતા છે. આ સંજોગોમાં પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા દરિયામાં શસ્ત્રો નાંખવામાં આવ્યા હોવાની શંકા સેવાઈ રહી છે. સાથે સાથે સોનાની દાણચોરીનાં કિસ્સા પણ વધ્યાં છે ત્યારે સોનાંની દાણચોરી કરનારાં લોકો દ્વારા સોનું નાંખવામાં આવ્યું હોવાની પણ શંકા હોવાનું કહેવાઈ રહ્યું છે.