બાર જયોતિર્લિંગમાથી પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ તીર્થમાં 2018માં કરોડોની આવક થઈ છે. મહત્વનું છે કે, ગત વર્ષે એટલે કે 2018ના વર્ષમાં કરોડોની સંખ્યામાં ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. જેથી આવકમાં પણ વધારો નોંધાયો હતો. ભક્તોએ સોમનાથના દર્શન સાથે મોટી સંખ્યામાં દાન કરતા મંદિરમાં કુલ 33 કરોડની આવક થઈ છે. જો કે હજુ આગાળના ત્રણ માસ બાકી છે. જો આ ત્રણ મહિનાની અંદર આવકનો આંકડો 40 કરોડની પાર પહોંચી શકે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સોમનાથ મંદિરમાં વર્ષ 2018માં આવતાં યાત્રિકોની સંખ્યામાં વધારો થતા મંદિરની આવકમાં પણ ધરખમ વધારો થયો હતો. જેમાં ગોલખ દાન, પૂજા વિધિ, અતિથી ગૃહોનું ભાડું, સુવર્ણદાન, તેમજ ભોજનાલયો સહિતનાં ટ્રસ્ટનાં આવકના સ્ત્રોત દ્વારા સોમનાથ ટ્રસ્ટની આવક 33 કરોડને પાર થઈ છે. જો કે સોમનાથ મંદિરે ટૂરીસ્ટોની સંખ્યામાં વધારો નોંધાયો છે.
વર્ષ 2012થી મંદિરના વિવિધ ભાગોને સોનાથી મઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટને 120 કિલોથી વધુ સોનાનું દાન મળ્યું છે. જેનાથી મંદિરની આગળના 10 પિલરો, ગર્ભગૃહ, શિખર, તથા મંદિર 1500 જેટલા કળશો પૈકી 300થી વધારે કળશ મઢાઈ ચૂક્યા છે. બાકીના કળશોને પણ સોને મઢવાની કામગીરી ચાલુ કરાશે. જે સંદર્ભે શ્રદ્ધાળુઓનો સારો એવો પ્રતિસાદ મળતા નોંધણી શરૂ થઈ ચૂકી છે.