ગુજરાત 1600 કિ.મી.નો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે, જેના દ્વારા આતંકીઓ સરળતાથી અતિસંવેદનશીલ ગતિવિધિઓને અંજામ આપી શકે છે. મુંબઈ પર હુમલો કરનારા આતંકીઓએ પણ ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કર્યો હતો. આ આશંકાને જોઈને અતિસંવેદનશીલ ગણાતા સોમનાથ મહાદેવની સુરક્ષા પણ હવે મરિન ટાસ્ક ફોર્સને સોંપવામાં આવી છે.
સંભવિત આતંકી ઘટનાને ટાળવા માટે મરિન ટાસ્ક ફોર્સના તાલીમબદ્ધ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે, જે સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી મંદિરની સુરક્ષા માટે સજાગ છે. મરિન ટાસ્ક ફોર્સની આ ટુકડીમાં એક ડીવાયએસપી, એક પીઆઈ, 4 પીએસઆઈ સહિત 25 જવાનોને ફાળવવામાં આવ્યા છે, જે સમુદ્ર માર્ગે આવનારા સંકટોને પહોંચી વળવા સક્ષમ છે.
આ મરિન ટાસ્ક ફોર્સની રેન્જ આઈજી અને એટીએસ વડા સીધી દેખરેખ રાખશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સાથેના સંબંધો વણસવાની સાથે દરિયાઈ સીમા પરનું સોમનાથ મંદિર સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું છે.