ગુજરાતના જાણીતા પત્રકાર હરી દેસાઈએ જણાવ્યું હતું કે, જૂનાગઢ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી ૯ નવેમ્બર ૧૯૪૭ લગી પાકિસ્તાનમાં રહી આવ્યું. ૯ નવેમ્બરે ભારતમાં ભળ્યું.૧૩ નવેમ્બર ૧૯૪૭ના રોજ નાયબ વડાપ્રધાન તેમ જ ગૃહ,માહિતી અને પ્રસારણ તથા રિયાસત ખાતાના પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢમાં સભા સંબોધ્યા પછી સોમનાથમાં સંકલ્પ કર્યો કે સોમનાથનો જીર્ણોદ્ધાર ભારત સરકાર કરશે,પણ મહાત્મા ગાંધીને પ્રાર્થના સભામાં એ અંગે મળેલા પ્રશ્નોના બબ્બે વાર ઉત્તર વાળતાં તેમણે કહ્યું હતું કે સ્વતંત્ર ભારત ધર્મરાજ્ય (થિયોક્રેટિક સ્ટેટ) નથી એટલે સરકારી નાણે મંદિર બાંધવામાં આવે તો કાલે બીજા ધર્મનાં આસ્થાસ્થાનો ય બાંધવાં પડે.એના કરતાં સ્વતંત્ર ટ્રસ્ટ મારફત પ્રજા કનેથી મેળવેલા લોકફાળામાંથી મંદિરનો જીર્ણોદ્ધાર કરવો ઉત્તમ.(CWMG )
૧૨ ડિસેમ્બર ૧૯૪૭ના રોજ મહાત્માએ બીજીવાર પ્રાર્થના સભામાં પોતાની ભૂમિકા મૂકી.આમ છતાં, ૧૩ ડિસેમ્બર ૧૯૪૭ના રોજ પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટે “સરકારી નાણે જ સોમનાથનો જીર્ણોદ્ધાર કરવાનો” નિર્ણય કર્યો. ( Pilgrimage to Freedom અને “કુલપતિના પત્રો” ) જોકે બાપુના પટ્ટશિષ્ય સરદારને મહાત્માનો તર્ક સાચો લાગ્યો એટલે લોકફાળા થકી જ સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવવાનું પસંદ કર્યું. સૌથી મોટા દાતા અને નવાનગરના રાજવી રહેલા જામસાહેબની અધ્યક્ષતામાં સ્વતંત્ર ટ્રસ્ટ બનાવાયું. નેહરુ સરકારના પ્રધાન અને નવલકથાકાર ક.મા.મુનશીને સોમનાથના જીર્ણોદ્ધારના અભિયાનનો યશ આપવો પડે.
જોકે આ બધી હકીકતો મહાત્મા અને મુનશીએ નોંધી હોવા છતાં અત્યારે ઇતિહાસના વિકૃતીકરણનું અભિયાન આદરીને લાભાર્થીઓની શ્રેણીમાં નામ નોંધાવવા આતુર દરબારી ઈતિહાસકારો નેહરુને ભાંડવાની ભવાઈમાં જ રમમાણ છે.ભણેલાગણેલા લોકોએ ઈતિહાસનાં થતાં વિકૃતીકરણ સામે સત્યને પ્રસ્તુત કરવાને પોતાનો સાચો ધર્મ ગણવાની અનિવાર્યતા ઊભી થઇ છે.
Dr. Hari Desai