સોમનાથ વેરાવળની ચોપાટીનું કામ 5 વર્ષથી ચાલે છે

ગીર સોમનાથ જિલ્લાનાં વડા મથક વેરાવળમાં ચોપાટીનું કામ વષોઁથી ચાલે છે, પણ હજુ સુધી પૂર્ણ ન થતાં લોકોને ફરવાલાયક સ્થળથી અળગા રહેવું પડી રહ્યું છે. વહેલી તકે તંત્ર અંગત રસ લઇને કામ પૂર્ણ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ગીર સોમનાથ જિલ્લો બન્યાને વષોઁ વિતી ગયાં, પણ વડા મથક વેરાવળમાં કામોમાં લોલંલોલ ચાલી રહી છે. ત્યારે વાત કરીએ વેરાવળની અદ્યતન ચોપાટીની તો રૂ. 30 કરોડનાં ખચેઁ બનનારી ચોપાટીની ડિઝાઈન પણ તંત્ર દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવી હતી અને જેમાં અદ્યતન સુવિધા સાથે આકાર, બેઠક વ્યવસ્થા, CCTV કેમેરા, સિકયોરિટી, વાહન પાર્કિંગ, કેન્ટીન, તેમજ મનોરંજનનાં અનેક સાધનો આ ચોપાટી પર બનશે, એવું વષોઁ પહેલા તંત્રએ જાહેર કર્યું હતું. આ સમાચાર સાંભળી લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વેરાવળમાં એક માત્ર ફરવા લાયક સ્થળ તો બનશે એવું વિચારતાં હતાં. પરંતુ આ વાતને વષોઁ વિતી ગયાં છતાં કોઈ નકકર કામગીરી સામે આવી નથી. ક્યારે આ કામ પૂર્ણ થશે તેની તંત્રને પણ ખબર નથી. આ ચોપાટીનું કામ ઝડપથી થાય તે માટે કલેક્ટરે બે મહિનાનું જાહેરનામું બહાર પાડયુ હતું તેમ જ આ જગ્યા પર જવા આવવા કે વાહન રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. અને આ જાહેરનામું બહાર પાડ્યાને સમય પણ વિતી ગયો છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. લોકો અને બહારથી આવતા ટૂરિસ્ટ ગોકળગાયની ગતિએ ચાલતાં કામથી નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે . તંત્ર જાગે અને અંગત રસ લઈને કામ પૂર્ણ કરે તેવી સ્થાનિક લોકો માંગણી કરી રહ્યાં છે.
વેરાવળ શહેર અને સોમનાથ આવનાર યાત્રિકોની સુવિધા માટે સરકાર દ્વારા દરિયા કિનારા પર અદ્યતન ચોપાટીનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં  ફૂડ પ્લાઝા, તમામ ભાગની અંદર લેન્ડ સ્ટેપટીંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામા આવશે. આ જગ્યા પર લોકો તોડફોડ અને નુકસાની પહોંચાડતા હોવાના કારણે તેમજ સાસંદની પણ રજૂઆતથી ચોપાટી પર ચાલતાં કામની જગ્યા પર ડિસ્ટ્રિકટ જજની સૂચનાથી બે મહિનાનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ, વાહન પર પ્રતિબંધ, સહિતની બાબતોમાં પ્રતિબંધ રાખી કામ પૂરજોશમાં ચાલુ થાય તેવી સૂચના કોન્ટ્રાક્ટરને આપવામા આવી હતી. અંદાજિત 19 કરોડનો ખર્ચે ચોપાટીની કામગીરી દિવાળી સુધીમા પૂર્ણ થાય તેવા તંત્ર દાવા કરી રહ્યું છે. પરંતુ લોકોને આપેલી ડિઝાઈન મુજબ આ ચોપાટીનું કામ કોઈ સંજોગોમાં પૂર્ણ થાય તેવી કોઈ શકયતા દેખાતી નથી.
માત્ર વેરાવળમાં ફરવા લાયક કોઈ સ્થળ હોય તો એ આ ચોપાટી છે અને વેરાવળના લોકો સિવાય બહારગામથી લોકો અહી ફરવા માટે અને દરિયાની મોજ માણવા આવે છે. પણ તેઓ પણ વષોઁથી ગોકળગાયની ગતિએ ચાલતા કામથી નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. વાત કરવામા આવે તો તંત્ર સરકારી અને રાજકીય કાર્યક્રમોમાંથી સમય કાઢી અને ગીર સોમનાથ જિલ્લાનાં વડા મથક વેરાવળ ખાતે બનનાર અદ્યતન ચોપાટી તરફ એકધારું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તો જ વેરાવળવાસીઓને અદ્યતન ચોપાટીનો લાભ મળશે.