રાજકોટ,તા:૦૩ વરસાદે ખેડૂતોનો ઉતરી ગયેલો મગફળીનો પાક ફરી બગાડ્યો છે. તૈયાર મગફળી વરસાદમાં પલળી જતાં ટેકાના ભાવે વેચવા માટે તૈયાર ખેડૂતો દ્વિધામાં મુકાયા છે, અને ટેકાના ભાવે વેચાણઅર્થે જિલ્લા તંત્રએ બોલાવ્યા હોવા છતાં જવાનું ટાળ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે 200 જેટલા ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે બોલાવ્યા હતા, જેમાં માત્ર 83 જેટલા ખેડૂતો જ હાજર થયા હતા. અન્ય ખેડૂતો મગફળી પલળી ગઈ હોવાના કારણે માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા જ નહોતા. ખેડૂતોની આ સ્થિતિના પગલે વહીવટી તંત્ર દ્વારા સોમવારથી ચાર દિવસ માટે ટેકાના ભાવે ખરીદી બંધ રાખી છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ ખેડૂતોને પોતાની મગફળી સુકાયા બાદ વેચવા માટે આપવા જણાવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્રના આ નિર્ણયના કારણે 800 જેટલા ખેડૂતોને અસર થશે. સોમવારથી ચાર દિવસ બંધ રાખ્યા બાદ 8 નવેમ્બરથી ફરીથી ટેકાના ભાવે મગફળીની શરૂઆત કરાશે. જેમાં ક્રમશઃ ખેડૂતોને એસએમએસ અથવા ફોન દ્વારા વેચાણ કેન્દ્ર પર બોલાવવામાં આવશે. જે ખેડૂતોને 4 નવેમ્બરે બોલાવવાના હતા તેમને હવે 8 નવેમ્બરે બોલાવવામાં આવશે. શુક્રવારે બોલાવવામાં આવેલા અને વેચાણકેન્દ્ર પર ન આવી શકેલા ખેડૂતોને હવે 28થી 22 નવેમ્બર વચ્ચે આવવા માટે સમય આપવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા મગફળીની ખરીદી માટે 11 તાલુકામાં 18 ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યાં છે. આ ખરીદ કેન્દ્ર પૈકી મોટા કેન્દ્ર પર બે અને નાના કેન્દ્ર પર એક ખરીદ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. મોટા ખરીદ કેન્દ્ર પર રોજના 20-20 અને નાના કેન્દ્ર પર 15 ખેડૂતને રોજ બોલાવવા માં આવશે. રાજકોટના જસદણ, ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, પડધરી, ગોંડલ અને જેતપુરમાં બે ખરીદ કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં છે, જ્યારે રાજકોટ, લોધિકા, કોટડાસાંગાણી અને વીંછિયામાં એક ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યાં છે.