અમદાવાદ, તા.08
સિવિલની પી જી હોસ્ટેલમાં દારૂની ખાલી બોટલો મળ્યાનો મામલો હજુ શમ્યો નથી. ત્યાં સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં સોમવારે મોડીરાત્રે રેસિડેન્ટ ડોક્ટર્સ વચ્ચે થયેલી છુટા હાથે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેના પગલે શાહીબાગ પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. અલબત્ત આ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા પરદો પાડી ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ બી જે મેડિકલ માં ભણતાં રેસિડેન્ટ ડોકટરોના સર્જરી અને ઓર્થોપેડિક ડોકટરોનાં બે ગ્રૂપ વચ્ચે છેલ્લા કેટલાક સમય થી માથાકૂટ ચાલતી હતી. જેમાં રવિવારે રાત્રે ઓર્થોપેડિકના એક દર્દી ની સારવાર કરવા બાબતે સર્જરી વિભાગના રેસિડેન્ટ ડોકટર પૃથ્વીને ઓર્થોપેડિક વિભાગના રેસિડેન્ટ ડોકટરો સાથે ઝઘડો થયો હતો. ત્યારે સર્જરીના રેસિડેન્ટ ડોકટર પૃથ્વીએ ઓર્થોપેડિકના રેસિડેન્ટ ડોકટરને તમાચો માર્યો હતો.
સોમવારે રાતે ડો પૃથ્વીની ડ્યુટી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર ખાતે હતી. સોમવારે રાતે લગભગ સાડા અગિયાર વાગે જ્યારે રેસિડેન્ટ ડોકટર પૃથ્વી ટ્રોમાં સેન્ટર ઉપર હતા ત્યારે ઓર્થોપેડિક વિભાગના છ જેટલાં રેસિડેન્ટ ડોકટરો ટ્રોમાં સેન્ટર ઉપર પહોંચ્યા હતાં અંને તેમણે પૃથ્વીને માર માર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ડોકટરો વચ્ચે આ પ્રકારની છુટા હાથની મારામારી જોઈને ટ્રોમાં સેન્ટરમાં હાજર દર્દીઓ અને તેમનાં સગાસંબંધીઓ ડઘાઈ ગયા હતાં. સર્જરી વિભાગના ડો પૃથ્વી ઉપર ઓર્થોપેડિક વિભાગના ડોકટર્સ એ હુમલો કરતાં સર્જરી વિભાગના અન્ય રેસિડેન્ટ ડોકટરો પણ મારામારીમાં જોડાઈ ગયા હતા. અલબત્ત આ મારામારીમાં ડો પૃથ્વીને ઘણી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
બંને પક્ષે સમાધાન થતા પોલીસ ફરિયાદ ટળી
ટ્રોમાં સેન્ટરમાં સર્જરી અને ઓર્થોપેડિક વિભાગના રેસિડેન્ટ ડોકટરો વચ્ચે થયેલી મારામારીની જાણ થતાં બને વિભાગના હેડ ઓફ યુનિટ અને હોસ્પિટલ ના ઉચ્ચ અધિકારીઓ ટ્રોમાં સેન્ટર ઉપર દોડી આવ્યા હતા. તદુપરાંત શાહીબાગ પોલીસ પણ ટ્રોમાં સેન્ટર ખાતે આવી પહોંચી હતી. ત્યારબાદ સર્જરી વિભાગના ઇજાગ્રસ્ત રેસિડેન્ટ ડોકટર પૃથ્વીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર મામલો હોસ્પિટલ ના ઉચ્ચ અધિકારીઓ એ સાંભળી લેતાં લગભગ સવારે પાંચ વાગ્યા સુધી મેરેથોન મિટિંગ ચાલી હતી. છેવટે ઉચ્ચ અધિકારીઓ ની મધ્યસ્થતાને કારણે બને પક્ષે સમાધાન થયું હતું જેથી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આમ આ મામલે ભીંનું સંકેલી લેવામાં આવ્યું હતું.
ડોકટર્સ વચ્ચે બે દિવસથી માથાકુટ
આ અંગે પ્લાસ્ટિક સર્જરી યુનિટના વડા અને પી જી ડાયરેકટ ડો એમ એફ શેખ અને ડૉ સુધીર નાવડીયા કહે છે કે, અન્ય હોસ્પિટલમાંથી સિવિલમાં શિફ્ટ થયેલ એક દર્દીની સારવાર કરવા અંગે સર્જરી અને ઓર્થોપેડિક નાં રેસિડેન્ટ ડોકટરો વચ્ચે બે દિવસથી માથાકૂટ ચાલતી હતી. જેના મામલે રેસિડેન્ટ ડોકટરો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આ અંગે સિવિલ હોસ્પિટલ ના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો એમ એમ પ્રભાકરનો સંપર્ક થઈ શક્યો નથી.
ઇમરજન્સી વોર્ડ માં દર્દીઓની સારવારના મુદ્દે છાશવારે બબાલ થાય છે
સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે કે રોડ એક્સિડન્ટ, પડવા વાગવા થી ઇજા થવા જેવા કેસમાં દર્દીની સારવાર માટે મેડીકલ ની એક કરતાં વધુ શાખાના ડોકટરો ની જરૂર પડે છે. સર્જરી અને ઓર્થોપેડિક વિભાગના ડોકટરો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આ મામલે માથાકૂટ ચાલતી હતી. જે કારણો એ સોમવારે રાતે મોટું સ્વરૂપ લીધું હતું.
ઉલ્લેખનીય છે કે ઇમરજન્સી વોર્ડ માં સામાન્ય રીતે રેસિડેન્ટ ડોકટરો ઉપરાંત આસીટન્ટ પ્રોફેસર, એસોશિયેટ પ્રોફેસર અને પ્રોફેસરોની પણ ડ્યુટી હોય છે. પરંતુ મોટેભાગે સિનિયર ડૉક્ટરો કામની જવાબદારી રેસિડેન્ટ ડોક્ટરોના માથે ઢોળી દઈ નાઈટ ડ્યુટી કરતા હોતા નથી. જેને પગલે આ પ્રકારના બનાવો બને છે.