ઇબ્રાહિમ પટેલ
મુંબઇ,24 ખેંચ પકડ મુજે જોર આતા હૈ જેવો ચીન અને અમેરિકા વચ્ચેનો વેપાર ઝઘડો અંત વગરની ચર્ચા જેવો છે, જો આ ઝઘડો ચાલુ રહે અને બ્રાઝીલમાં ધારણા પ્રમાણે પાક ઓછો આવશે તો, સોયાબીનની તેજી તેલીબીયા બજારમાં પણ આગ લગાડશે. સતત સુકા હવામાનને લીધે બ્રાઝીલના ખેડૂતો અત્યાર સુધીમાં માત્ર ૦.૨૮ ટકા અથવા ૯૭.૨ લાખ હેકટરમાં જ વાવેતર કરી શક્યા છે, જે ગતવર્ષના સમાન સપ્તાહ કરતા ૦.૮૩ ટકા ઓછું હતું. અમેરિકન સોયાપાક, બજાર અનુમાન મુજબ ૫૪ ટકા ગુડ ટુ એક્સેલેન્ટ કંડીશનમાં હતો. ચીને તાજેતરમાં કરેલી અમેરિકન સોયાબીન ખરીદીને બજારે પચાવી લીધી છે. તાજેતરની ઊંચાઈ વટાવવા તેજીની તરફેણ કરતા વધુ સમાચાર આવશ્યક છે.
બે દેશ વચ્ચે સારા સંબંધ બાંધવાનાં આશયથી અમેરિકાએ ચીનની ૪૦૦ ચીજો પર આયાત જકાત પાછી ખેંચ્યાના આશાવાદે સોયાબીનને હુંફ મળી છે. અમેરિકન કૃષિ મંત્રાલયના તાજા અહેવાલ મુજબ ચીનના એક આયાતકારે ૨૦૧૯-૨૦ ડીલીવરી શરતના ૨.૫૬ લાખ સોદા ટનનાં ગોઠવ્યા છે. સોમવારે સીબીઓટી નવેમ્બર સોયાબીન વાયદો ૮.૯૯ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) મુકાયો હતો. ચીને અમેરિકન સોયાબીન આયાત પર ૩૩ ટકાની આયાત જકાત લગાડી ત્યારથી બ્રાઝીલ, ચીનને અમેરિકા કરતા ટન દીઠ ૧૫ ડોલરના સરેરાશ પ્રીમિયમથી સોયાબીન વેચે છે.
જાન્યુઆરી ૨૦૧૯થી બ્રાઝીલના સાન્તોસ અને પાર્નાન્ગુઆ પોર્ટથી અનુક્રમે માસિક સરેરાશ એફઓબી ૩૫૫.૯૬ ડોલર અને ૩૫૫.૩૪ ડોલરના ભાવથી ચીને સોયાબીનના સોદા કર્યા હતા. જ્યારે ન્યુ ઓર્લીયાંસ પોર્ટના સમાનગાળાનાં એફઓબી સરેરાશ ભાવ ૩૪૦.૪૯ ડોલર હતા. ગતવર્ષે માતોગ્રાસો અને આસપાસના રાજ્યોમાં દુષ્કાળને પગલે ૨૦૧૮-૧૯નો બ્રાઝીલનો સોયાબીન પાક ૧૦૦૦ લાખ ટન માર્યાદિત અંદાજવામાં આવ્યો હતો, પણ જાન્યુઆરીમાં ભારે વરસાદને પગલે પાકની સ્થિતિ સુધરી ગઈ હતી. ઇન્મેટ હવામાન સંસ્થાએ ઓક્ટોબરમાં દક્ષિણ બ્રાઝીલમાં સારા વરસાદની આગાહી કરી છે, પરિણામે વાવેતર પ્રગતિ હવે પછી વેગ પકડશે.
ચીનને હવે સોયાબીન સ્ત્રોત માટે બ્રાઝીલ અને આર્જેન્ટીના પર નિર્ભર રહેવું પડશે, એવી ધારણાને આધારે ખેડૂતોને એમેઝોનના વર્ષાવન જંગલો કાપીને કે આગ લગાડીને કે વધુ જમીન સોયાબીન ખેતીમાં પરિવર્તિત કરવા પ્રોત્સાહિત કર્યા છે. સ્થિતિ સાવ વિચિત્ર બની જશે તો અમેરિકથી ચીન સોયાબીન ખરીદી સદંતર બંધ કરીને બ્રાઝીલ અને આર્જેન્ટીનાથી વાર્ષિક ૨૦૦થી ૩૦૦ ટન વધારાની સપ્લાય મેળવવી પડશે. જો ચીનને વધારાના સોયાબીન પુરા પાડવાના આવશે તો બ્રાઝીલને ૪૦ ટકા વધુ (લગભગ ૧૦૦ લાખ હેક્ટર) જમીનની આવશ્યકતા રહેશે. આને લીધે એમેઝોનના વર્ષાવન જંગલો સામે વધુ જોખમો ઉભા થઇ શકે છે.
જો અમેરિકન આયાત તળિયે બેસી જાય તો ચીનની પીલાણ મિલોને ગુણવત્તાયુક્ત સોયાબીન મેળવવા અઘરા થઇ પડશે તે સ્થિતિમાં વૈકલ્પિક ખાદ્યતેલની આયાત વધારવી પડશે. ઓગસ્ટમાં ચીને ૫.૯૦ લાખ ટન પામઓઈલની આયાત કરી હતી, જે જુલાઈ કરતા બમણી હતી. સોમવારે ચીનના કસ્ટમ્સ વિભાગે આપેલા આંકડા પ્રમાણે ડીસેમ્બર ૨૦૧૨ પછીની આ સૌથી મોટી માસિક આયાત હતી. છેલ્લા ૮ મહિનામાં ચીનની પામઓઈલ આયાત ૫૯ ટકા વધીને ૩૪.૨ લાખ ટન થઇ હતી. ચીનમાં સોયાતેલનું ઉત્પાદન ઘટશે તો આ વર્ષે પામતેલ આયાત, ગતવર્ષની ૭૫ લાખ ટનથી વધારીને ૧૦૦ લાખ ટન કરવી પડશે, જે પામતેલના આંતરપ્રવાહને પણ મજબુત બનાવશે.