ગાંધીનગર, તા. 18
કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના કારણે સોલાર વીજળી ઉત્પન કરવા માગતી કંપનીઓ રાજ્ય સરકારની બોલીમાં ઓછો રસ દાખવી રહી છે. રાજ્ય ઉર્જા વિકાસ નિગમે જાહેર કરેલી બોલીમાં માત્ર બે કંપનીઓ જેમાં એક સરકારી કંપનીએ રસ દાખવ્યો હતો, પરંતુ તે પણ ઓછા મેગાવોટનો પ્રોજેક્ટ શરૂ કરી શકશે.
ઉર્જા વિકાસ નિગમે રાજ્યમાં ધોલેરામાં 950 અને રાધાનેસડામાં 150 મેગાવોટનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે ખાનગી સોલાર વીજ ઉત્પાદન કંપનીઓ પાસેથી ટેન્ડર મંગાવ્યા હતા. આ ટેન્ડરમાં એક સરકારી કંપની હતી અને પ્રાઈવેટ કંપની હતી. અન્ય કંપનીઓએ ટેન્ડર ભરવામાં રસ દાખવ્યો નહીં.
ખાનગી એકમોનું કહેવું છે કે કેન્દ્રની પોલિસી અને રાજ્ય સરકારના ટેરીફમાં તેમનો પ્રોજેક્ટ સફળ થઇ શકે તેમ નથી તેથી તેઓ સરકારી બોલીમાં હિસ્સો લેતા નથી. ગુજરાતની ટેરીફ પોલિસી અવ્યવહારૂ છે જે કોઇપણ સોલાર વીજળી પેદા કરતી કંપની માટે ફળદાયી નથી.
ઉર્જા વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમે 950 મેગાવોટ માટે ગયા જૂન મહિનામાં બોલી બોલવાનું નક્કી કર્યું હતું. આ બોલીમાં ધોલેરા સોલાર પાર્કમાં 750 મેગાવોટ અને બનાસકાંઠાના રાધાનેસડામાં 200 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ સ્થાપવાનો થતો હતો.
આ બોલીમાં માત્ર બે કંપનીઓ પૈકી ટાટા રેન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડે ધોલેરામાં 2.75 રૂપિયે પ્રતિ યુનિટના દરે 50 મેગાવોટનો પ્રોજેક્ટ શરૂ કરવા અને રાજ્યની જીએસઇસીએલ એ રાધાનેસડામાં 2.65 રૂપિયા પ્રતિ યુનિટના દરે 100 મેગાવોટની ક્ષમતાનો પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી બતાવી છે. આ સિવાય બીજા કોઇ પ્રાઇવેટ પ્લેયરે હિસ્સો લીધો નથી.
સોલાર વીજળી પેદા કરતી એક કંપનીએ કહ્યું કે સૌર ઉર્જાની વધતી જતી અનિશ્ચિતતાને કારણે તેમના રોકાણને પ્રભાવિત કર્યું છે. કેન્દ્ર સરકાર સૌર ઉર્જાના સાધનો પર આયાત ડ્યૂટી વધારવાની યોજના બનાવી રહી છે ત્યારે પ્રોજેક્ટના ખર્ચમાં વધારો થાય તેમ છે, જ્યારે ગુજરાત સરકાર તેના ટેરીફમાં વધારો કરવા તૈયાર નથી તેથી સરવાળે પ્રોજેક્ટ સફળ થાય તેમ નહીં હોવાનું કારણ આ કંપની દ્વારા આપવામાં આવ્યું છે.
આંધ્રપ્રદેશની સરકારે તાજેતરમાં સોલાર અને પવન ઉર્જાના ડેવલપર્સ સાથે વિજળી ખરીદીના કરાર બદલવાની તૈયારી કરી છે, કારણ કે આંધ્રપ્રદેશમાં પણ ખાનગી ઉદ્યોગકારો રસ લેતા નથી. ગુજરાત સરકારે 2019ની શરૂઆતમાં ધોલેરામાં 1000 મેગાવોટ અને રાધાનેસડામાં 700 મેગાવોટની બોલી લગાવી હતી પરંતુ કંપનીઓએ માત્ર 250 મેગાવોટ અને 500 મેગાવોટ માટે બોલીઓમાં ભાગ લીધો હતો.
ઉર્જા વિકાસ નિગમે જૂન મહિનામાં ફરીવાર બોલી નક્કી કરી ધોલેરામાં 750 મેગાવોટ અને રાધાનેસડામાં 200 મેગાવોટ માટે ખાનગી કંપનીઓને આમંત્રણ આપ્યા હતા પરંતુ એક પ્રાઇવેટ કંપની તૈયાર થઇ છે. એક કંપની તો સરકારી છે. પ્રાઇવેટ કંપનીએ પણ 950 પૈકી માત્ર 50 મેગાવોટ માટે સરકાર સાથે કરાર કર્યો છે.