સો એકર જેટલી જમીન સગેવગે કરીને ગાંધીજીના સિધ્ધાંતોની સાબરમતી આશ્રમમાં જ હત્યા!!

અમદાવાદ, તા.03

એક સમયે 100 હેકટર કરતા વધારે જમીન સાબરમતી આશ્રમ પાસે હતી. આજે બે હેકટરથી વધુ જમીન રહી નથી. બધી જમીન સગેવગે કરી નાખવામાં આવી છે. જમીન પરત મેળવવાના બદલે આશ્રમના મકાનોમાં રહેતાં આશ્રમવાસીઓના મકાનો પર કબજો મેળવવામાં આવી રહ્યો છે. 32 એકર જમીન મેળવવા મોદીએ સૂચના આપી હોવાનું કાર્તિકેય સારાભાઈ સાથે તેમણે વાત કરતાં કહ્યું હતું. પણ 100 એકર જમીન ક્યાં ગઈ તેનો હિસાબ આજ સુધી આશ્રમના સંચાલકો મેળવી શક્યા નથી.

પહેલા 50 વર્ષ હવે 100 વર્ષ પછી પતન

ગાંધીજીએ અમદાવાદથી દૂર જમીન ખરીદીને આશ્રમ વસાવેલો હતો. 1916થી 1972 સુધીના 50-56 વર્ષમાં ગાંધીજીની આ પવિત્ર જમીન ચાંદીના ટૂકડા જેવી બની ગઈ હતી. તેથી કહેવાતા ગાંધીવાદીઓએ આ જમીન પર નજર બગાડવાનું શરૂ કર્યું હતું. પહેલાં આશ્રમના ભાગલા પાડીને 100 એકર જમીન વહેંચી લીધી હતી. જેમાં હરિજન સેવક સંઘ પાસે જમીન હતી તે પચાવી પાડવાનું શરૂ થયું હતું. પારાવાર કૌભાંડો થયા હતા અને તેથી તે અંગે તપાસ પંચ નિમવામાં આવ્યું હતું. હવે ફરી એક વખત 32 એકર જમીન મેળવવાનો ખેલ ખેલવામાં આવી રહ્યો છે.

સૌથી મોટું જમીન કૌભાંડ

તપાસ પંચ સમક્ષ દોઢ લાખ વાર જમીન વેંચી મારવાનું સૌથી મોટું કૌભાંડ રજુ કર્યું હતું.  આ તમામ જમીન હરિજન સેવક સંઘને આપવામાં આવી હતી. કૌભાંડ કરનારા પ્રભુદાસ પટવારી હતી. જેને પછી મોરારજી દેસાઈએ રાજ્યપાલ બનાવ્યા હતા. નામ આપવામાં આવ્યું હતું, હરિજનોને મકાનો બનાવવા માટે પ્લોટ આપવાની યોજના પણ ખરેખર તો  એક કૌભાંડ હતું. હરિજનો માટે જમીન આપવાની જાહેરાત કરાઈ હતી. પણ તે ગાંધીવાદીઓએ પચાવી પાડી હતી. બજાર ભાવ કરતાં સાવ નીચા દરે દોઢ લાખ વાર જમીન પચાવી પાડવામાં આવી હતી. જેની આજે (2018)માં બજાર ભાવ પ્રમાણે કુલ કિંમત રૂ.750 કરોડથી રૂ.950 કરોડ થવા જાય છે.

37 એકર જમીન ગાંધીજીએ ખરીદી

ગાંધીજીએ લખ્યું છે કે, ‘આઠેક દિવસમાં જ જમીનનો સોદો કર્યો. જમીન ઉપર એકે મકાન નહોતું; એક પણ ઝાડ નહોતું. નદીનો કિનારો અને એકાંત તેને સારુ મોટી ભલામણ હતી. અમે તંબૂમાં રહેવાનો નિશ્ચય કર્યો. રસોડાને સારુ એક પતરાનું કામચલાઉ છાપરું બાંધવાનું ને ધીમે ધીમે સ્થાયી મકાન બાંધવાનો આરંભ કરવાનું ધાર્યું.’ કુલ 37 એકર જમીન ગાંધીજીએ પ્રથમ ખરીદી હતી. પછી તેમાં વધારો થયો અને 100 એકર જમીન સાબરમતી આશ્રમની થઈ હતી.

1.50 લાખ વાર જમીન વેરી મારી

6 જૂન 1972ના રોજ રાણીપના સરવે નંબર 361, 362 અને 366 જે અંદાજે 1.50 લાખ વાર હતી. સુભાષ પુલની આસપાસની એ જમીનનો 1972માં એક વારનો ભાવ રૂ.200થી 300 હતો. જે જમીનનો ભાવ એક વારના રૂ.35 નક્કી કરાયા હતા. 400 વારના પ્લોટ પાડી દઈને આપવાનું નક્કી કરાયું હતું. જેના પર આજે બંગલા ઊભા છે. આ જમીન પર એક પણ હરિજનને પ્લોટ આપવામાં આવ્યો ન હતો અને જમીન હરિજનના ઉદ્ધાર માટે આપવામાં આવતી હોવાનું જાહેર કરાયું હતું. કોતરો વાળી જમીન હતી તે હરિજનોને આપવામાં આવી હતી. જેનો ભાવ એક વારનો રૂ.17 થી રૂ.25 નક્કી કરાયો હતો. જેને સમથળ કરવામાં બીજા એટલાંજ નાણાં ખર્ચવા પડે તેમ હતા.

ગાંધીયનોએ જમીન લૂંટી

શ્રીમંત ગાંધીવાદીઓએ એક નહીં અનેક પ્લોટ લઈ લીધા હતા. આશ્રમના વ્યવસ્થાપકોએ આ જ જમીન ફક્ત સાડા ત્રણ રૂપિયામાં વાર પડાવી લીધી હતી. જે જમીન સરવે નંબર 288-2 જે 35,000 વાર જમીન હતી. આ જમીન હરિજન આશ્રમ પ્રયોગ સમિતિની માલીકીની હતી. જે જમીનનો મોટો હિસ્સો પ્રભુલાલ ગાંધી, છનાલાલ ગાંધી, કનુભાઈ ગાંધી વગેરેએ લઈ લીધી હતી. જે એક વારના રૂ.3.50ના ભાવે જમીન લેવામાં આવી હતી. આમાંથી એક પણ હરિજન ન હતા.

કાળા કામો થયા

મૂક સેવક કોઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના નામે નોંધાવેલી હતી. જેમાં તમામ સભ્યો પાટીદારો હતા. જેને એક વારના રૂ .20ના ભાવથી 6 હજાર વાર જમીન આપી દેવામાં આવી હતી. જમીન ફરી વેચીને કાળા બજાર અને કાળા કામો થયા હતા. કાળાબજારના ભાવે જે જમીન ગઈ તે રૂ.22.25 લાખ ઉપજ્યા હતા. આ જમીનના નાણાં ગાંધીજીના સિદ્ધાંતની વિરૂધ વાપરવામાં આવ્યા હતા.  ગાંધીજીએ મૂકેલી એક એક ઈંટ હવે પથ્થર દિલ માણસો વેચી રહ્યાં હતા. જ્યાં ગાંધીજી પોતે ખેતી કરતાં હતા તે જમીન ખાદીના કપડા પહેરેલા લોકોએ અંદરો અંદર પોતાની માલિકીની જમીન બનાવી લીધી હતી. આમ, ગાંધીજીના સિદ્ધાંતોની ગાંધી આશ્રમમાં જ હત્યા થઈ રહી છે.