સૌની પાણી યોજના પુરી થઈ જવી જોઈતી હતી, ત્યાં બંધોમાં ક્રિકેટ રમાય છે

સૌની આવી સૌરાષ્ટ્રને દ્વાર’, ‘હર ખેત કો પાની, હર હાથ કો કામ’ના રૃપાળા સૂત્રો અને વચનોની લ્હાણી કરી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ચૂંટણી પહેલાં રૂ.10 હજાર કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. જો સૌની યોજના સફળ હોય તો 2019માં સૌરાષ્ટ્રમાં પિવાનું પાણી, પશુઓ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી અને વાપરવા માટેનું પાણી કેમ મળતું નથી. 2019માં આ યોજના પૂરી થઈ જવાની હતી.

25 સપ્ટેમ્બર 2012માં તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રના નાગરિકોને ધોળા દિવસે જાદુઈ સપનાઓ બતાવતી 2012, 2014, 2017ની ચૂંટણી જીતવા માટે કહ્યું હતું કે, ‘મારી રાજકીય કારકિર્દીનો જન્મ રાજકોટએ આપ્યો છે, તેના બદલામાં સૌરાષ્ટ્રવાસીઓને હું આ નજરાણું આપું છું. દુષ્કાળ હવે ભૂતકાળ બની જશે. સૌરાષ્ટ્રનો ખેડૂત કાળી મજૂરી કરી જાણે છે, પણ એને કુદરત પર જ આધાર રાખવો પડે છે નર્મદા ડેમનું ઓવરફ્લો થઈ દરિયામાં નિરર્થક વહી જતું પાણી હવે સૌરાષ્ટ્રના ૧૧પ મોટા ડેમોને છલોછલ કરશે. નર્મદા ઓવરફ્લો થાય એટલે નકામું દરિયામાં વહી જતું પાણી સૌરાષ્ટ્રના ભાગે આવશે. નર્મદા સપાટીમાં રહેલું પાણી નહિં.’

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘સૌરાષ્ટ્રમાં 1115 કિલોમીટર લાંબી મુખ્ય નહેરોનું જાળું રચાશે. જેમાં 115 વંધોને એકબીજા સાથે નહેરો દ્વારા જોડવામાં આવશે. જેમાં 10 લાખ એકર જમીન વિસ્તારમાં અભૂતપૂર્વ, અકલ્પ્ય રીતે માઁ નર્મદાનું અવતરણ કરવામાં આવશે. 4 મોટી કેનાલ દ્વારા 3 તબક્કામાં 3 મિલિયન એકર પાણીની વહેંચણી કરવામાં આવશે. ને સૌરાષ્ટ્રનો ખેડૂત એક વર્ષમાં 3 સીઝન લઈ ઈઝરાયેલને પણ પાછળ રાખી દેશે. આમ નદી જીવતી થશે ને નદી જીવતી થાય એટલે એક યુગ જીવતો થયા બરાબર છે.’

જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સૌની યાદ આવે છે અને થોડા બંધો ભરવાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે. આમ સૌની યોજના રાજકીય યોજના બનાવી દેવામાં આવી છે. 87 બંધોને એક બીજા સાથે પાઈપ અને નહેરથી જોડવાના હતા. જે રીતે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના નરેન્દ્ર મોદીએ પોતાના વિસ્તારમાં બનાવી અને તેનો 1 વર્ષમાં અમલ કર્યો એવું સૌરાષ્ટ્રમાં કરવાનું હતું. પણ 8 વર્ષથી સૌની યોજના અદ્ધર બની ગઈ છે.

દ્વારકા, સોમનાથ, મોરબી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના 10 જિલ્લાઓના મચ્છુ, ડેમી, ધોધા, આજી, બાવની, ઊંડ, રૃપારેલ, કંકાવટી, સસોઈ, રંગમતી, સિંહણ, ઘી, સાની, કાલુભાર, સોનાપરી, રંભોળી, રાજાવળ, ખારો, શેત્રુંજી, બગડ, માલણ, ભાદરોળી, રાયડી, ધતારવાડી, સુરાજવાડી, ન્યારી, ડોંડી, ભોગવો, હિરણ, ધોળીધજા, વેણુ જેવા કુલ 115 મોટા બંધ ભરવા માટે એક બીજા સાથે 87 બંધ પાઈપ કે નહેર બનાવવાની હતી એક પણમાં આવું થયું નથી.

નહેરો દ્વારા બંધ ભરવાની જગ્યાએ થોડા બંધો ભરવા માટે સંપ બનાવી, પાઈપલાઈન નાખી પંપીંગ કરી પાણી પહોંચાડવામાં આવે છે. અગાઉ જે બંધોમાં પાણી ઠાવવામાં આવ્યા હતા તે બંધ તો ખાલી પડેલા છે. જે પાણીના કબ્રસ્તાન બની ગયા છે. ત્યાં છોકરાઓ ક્રિકેટ રમી રહ્યાં છે.