તુલસીરામ પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટર કેસના મુખ્ય તપાસઅધિકારી સંદીપ તામગડગેએ બુધવારે 21 નવેમ્બર 2018ના રોજ વિશેષ CBI અદાલત સમક્ષ આ કેસના 210મા સાક્ષી તરીકે નવ કલાક સુધી જુબાની રેકર્ડ પર લેવામાં આવી હતી. જેમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારા, દિનેશ એમ. એન. તેમજ રાજકુમાર પાન્ડિયન આ વિવાદાસ્પદ હત્યાના મુખ્ય ષડ્યંત્રકર્તા હતા.
IPS અધિકારીએ કોર્ટમાં જણાવ્યું હતું કે અમિત શાહ અપરાધી અને રાજકારણી અને પોલીસ વચ્ચે સાંઠગાઠનો ભાગ હતા. તુલસી પ્રજાપતિ, તેનો સાથીદાર સોહરાબુદ્દીન શેખ અને સોહરાબુદ્દીનની પત્ની કોસરબીની હત્યા આ સાઠગાંઠની નીપજ હતી. તુલસી પ્રજાપતિ આ કેસનો એક માત્ર સાક્ષી હતો. તે પણ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો.
તામગડગેએ 2011થી 2015માં CBIમાં ફરજ બજાવી હતી. વર્ષ 2014માં ગુજરાતના સંખ્યાબંધ એન્કાઉન્ટર કેસના તપાસઅધિકારીપદેથી તમાગડગેને દૂર કરીને તેમની નાગાલેન્ડ કેડરમાં પાછા મોકલવામાં આવ્યા હતા. વર્ષ 2015માં તેમને આપવામાં આવેલું સુરક્ષાકવચ પાછું ખેંચવામાં આવ્યું હતું. CBIએ તેમની સામે બે કેસ કરવા પ્રયાસ કર્યો હતો.
રાજસ્થાનના ગૃહપ્રધાન ગુલાબચંદ કટારિયા, આઈપીએસ એધિકારી વણઝારા, દિનેશ અને પાન્ડિયન પણ હત્યા કેસના કાવતરાબાજ હોવાનો ઘટસ્ફોટ
વર્ષ 2012માં અધિકારી તમાગડગે દ્વારા રજૂ થયેલાં ચાર્જશીટમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે. ચાર્જશીટમાં રજૂ થયેલી વિગતોને વિસ્તારપૂર્વક કોર્ટને સમજાવતાં તમાગડગેએ જણાવ્યું હતું કે, ‘શાહ અને ગુલાબચંદ કટારિયા (રાજસ્થાનના વર્તમાન ગૃહપ્રધાન)ને આ સાઠગાંઠનો સીધો લાભ મળ્યો હતો.’ તેમણે આ કડીમાં સૌહરાબુદ્દીન, પ્રજાપતિ અને તેમનો નિકટનો સાથીદાર આઝમખાન સામેલ હોવાની સ્પષ્ટતા કરી હતી.
આ કેસમાં એક પછી એક સાક્ષીઓ હોસ્ટાઈલ બની ચુક્યા છે તેવામાં તામગડગેનું આ નિવેદન કેસના ખૂબ જ નિર્ણાયક તબક્કે સામે આવ્યું છે. જોકે તામગડગેના પુરોગામી વરિષ્ઠ આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુર હોસ્ટાઈલ જાહેર નહોતા થયા પરંતુ સાક્ષીના પાંજરામાં આવ્યા ત્યારે તેઓ તેમની તપાસને પગલે સામે આવેલા પુરાવાને ટાંકીને કોર્ટ સમક્ષ કાવતરૂ પુરવાર કરવામાં નિષ્ફળ ગયા હતા. 19 નવેમ્બરે ઠાકુરે સાક્ષીના પાંજરામાં ઉભા કહ્યું હતું કે સીબીઆઈ ેપાસે તે વાત સાબિત કરવાના પુરાવા નથી કે આ કહેવાતા બનાવટી એન્કાઉન્ટરને પગલે શાહ અને વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને નાણાકીય અને રાજકીય લાભ લાભો મળ્યા હતા.
બિલ્ડર્સના કાર્યાલયોને આગ ચાપવા સોહરાબનો ઉપયોગ થયો હતો
તામગડગેએ કોર્ટમાં જણાવ્યું હતું કે તુલસીરામ એન્કાઉન્ટર કેસ રાજકીય નેતાઓ અને અપરાધીઓની સાંઠગાંઠનું પરિણામ છે.અમિત શાહ અને રાજસ્થાનના ગૃહ પ્રધાન ગુલાબચંદ કટારિયા કહેવાતી રીતે તે રાજકારણીઓ હતા કે કે જેમણે 2004માં જાણીતા બિલ્ડર્સના કાર્યલયોમાં આગ ચાંપવા માટે સોહરાબુદ્દીન, તુલસીરામ અને આઝમખાન જેવા અપરાધીઓનો ઉપયોગ કર્યો હતો.
નવેમ્બર,2005માં ઘડાયું સોહરાબ હત્યાનું કાવતરૂ
સીબીઆઈ દાવાપુર્વક કહી રહી છે કે સોહરાબુદ્દીન અને પ્રજાપતિ એમ બંને પોલીસ અને રાજકારણીઓની મીઠી નજર હેઠળ ખંડણી વસુલીનું કામ કરતા હતા. સોહરાબુદ્દીન શેખે પોતાના સુત્રધારોથી જ્યારે વિરૂદ્ધમાં જવાનો ફેંસલો કર્યો ત્યારે ૨૩ નવેમ્બર,2005ના રોજ તેની હત્યાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું.
કોલ રેકર્ડ સાંઠગાંઠ પુરવાર કરે છે : તામગડગે
તામગડગેએ સીબીઆઈ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે શાહ, વણઝારા, ગુજરાતના પુર્વ આઈપીએસ અધિકારી વિપુલ અગ્રવાલ, આંધ્રના પુર્વ પોલીસ અધિકારી શ્રીનિવાસ રાવ ,ગુજરાતના પોલીસ સબ ઇન્સપેક્ટર આશિષ પંડયાની કોલ ડિટેલનો રેકર્ડ એકત્રિત કર્યો હતો. તે કોલ ડિટેલ કાવતરૂ પુરવાર કરે છે. તામગડગેએ એમ પણ કહ્યું હતું કે તેમણે શાહ, કટારિયા અને અન્યોના નિવેદનો પણ લીધા હતા. પરંતુ ચાર્જશીટ સાથે તે નિવેદનો રજૂ નથી થયા. બચાવ પક્ષના વકીલ અબદુલ વહાબ ખાને તે નિવેદનો રેકર્ડ પર લાવવા કોર્ટમાં અરજી કરી છે.
કુલ 35 પૈકી હાલમાં 22 આરોપી સામે જ ચાલે છે કેસ
કેસના આરંભે કુલ ૩૫ આરોપી આરોપોનો સામનો કરી રહ્યા હતા પરંતુ હાલમાં માત્ર 22 લોકો જ કેસમાં આરોપી તરીકે બચ્યા છે. 22 પૈકી 21 નીચલા દરજ્જાના પોલીસ જવાનો છે અને એક તે ગેસ્ટહાઉસનો માલિક છે કે જ્યાં કૌસર બીને હત્યા પહેલાં રાખવામાં આવી હતી. પુછપરછ કરીને તામગડગેએ જ અમિત શાહની ધરપકડ કરી હતી. ઠાકુર દ્વારા રજૂ થયેલા ચાર્જશીટમાં શાહ આરોપી પણ હતા પરંતુ વિશેષ સીબીઆઈ ન્યાયાધીશ એમ.બી.ગોસાવીએ 30 ડિસેમ્બર, 2014ના રોજ અમિતશાહને કેસ દોષમુક્ત જાહેર કર્યા હતા. સીબીઆઈ દ્વારા તે આદેશ સામે અપીલ ના કરવા નિર્ણય લેતાં તે નિર્ણયને પણ વિવાદાસ્પદ માનવામાં આવ્યો હતો.
ઘટનાક્રમ વિષે સીબીઆઈ શું કહે છે
સીબીઆઈના જણાવ્યા મુજબ 23 નવેમ્બર 2005ના રોજ સોહરાબુદ્દીન, કૌસર બી અને પ્રજાપતિ ત્રણેય સાથે બસમાં સફર કરી રહ્યા છે. તે પૈકી સોહરાબુદ્દીન અને કૌસર બીનું પોલીસ દ્વારા અપહરણ થયું હતું અને ૨૬ નવે.2005ના રોજ કહેવાતા એન્કાઉન્ટરમાં શેખ માર્યો ગયો હોવાનું જાહેર થયું હતું. કૌશર બીનો મૃતદેહ ક્યારેય મળી આવ્યો નહોતો પરંતુ સીબીઆઈએ મેળવેલા નિવેદન અને પુરાવા આધારે ચાર્જશીટમાં જણાવ્યું હતું કે કૌસરબીનું પણ અરહરણ થયું હતું અને હત્યા થઈ હતી. પ્રજાપતિની ધરપકડ કરીને ઉદેપુર જેલમાં મોકલવામાં આવ્યો હતો અને 2006માં સર્જાયેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.