અમદાવાદ,તા:૨
સૌરાષ્ટ્રમાં ડાયરા પ્રત્યે લોકોનું એક અનેરું આકર્ષણ હોય છે, અને ડાયરાના કલાકારો ખૂબ માનીતા હોય છે. આ કલાકારોના ડાયરામા પ્રવેશ સમયે ઉત્સાહમાં આવી લોકો ફાયરિંગ પણ કરવાનું ચૂકતા નથી. આવું જ કંઈ બન્યું જૂનાગઢના એક લોકડાયરામાં.
જૂનાગઢમાં કોઈ જગ્યાએ યોજાયેલા ડાયરાનું મોબાઈલ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ડાયરામાં કલાકારોના આગમન સાથે જ કેટલાક લોકોએ હવામાં એરગન અથવા બંદૂક જેવા દેખાતા હથિયારથી ફાયરિંગ ચાલુ કરી દીધું હતું, જેથી હજારો શ્રોતાઓના જીવ જોખમાયા હતા.
વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે સ્ટેજ પર કલાકારની પાસે બેસીને એક શખ્સ હવામાં ફાયરિંગ કરી રહ્યો છે, તો ગીતમાં મગ્ન બની કેટલાક લોકો હજારો શ્રોતાની વચ્ચે પણ ફાયરિંગ કરી રહ્યા છે.
આ વીડિયો વાઈરલ બનતાં લોકોમાં ભારે ચર્ચા જાગી હતી. જો કે આ વીડિયો પોલીસને મળતાં તેમણે તપાસ આરંભી છે. પોલીસ પ્રથમ આ વીડિયો ક્યાંનો છે અને ફાયરિંગ કરી હજારો લોકોના જીવ પડીકે બાંધનારા આ શખ્સો કોણ છે તેની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક જાણીતા લોકગાયકના ડાયરામાં આ પ્રકારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે અંગે તે નામચીન કલાકારની પણ પૂછપરછ કરવામાં આવી હતી.