સૌરાષ્ટ્રમાં ડુંગળીના હબ ગણાતા મહુવામાં ડુંગળીના ભાવમાં ભડકો

અમરેલી,તા:૦૯  સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના પાકમાં જબરજસ્ત નુકસાન થયું છે, જેના કારણે બગસરા શાકમાર્કેટમાં મુલાકાત લેતા શાકભાજી અને ડુંગળીના ભાવમાં મોટો ભડકો જોવા મળ્યો છે. શાકભાજીમાં ભાવવધારાને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ 20 કિલોના આશરે 950 થઈ ગયા છે.

હાલમાં સ્થિતિ એવી છે કે શાકભાજીના ભાવમાં એટલો ભડકો જોવા મળી રહ્યો છે કે, શાક લેવા માટે આવેલી મહિલાઓ રોજ કરતાં ઓછું શાક ખરીદી રહી છે. શાક ખરીદવા આવેલી મહિલાઓના જણાવ્યા પ્રમાણે, ‘અમે પહેલાં શાકભાજી 25થી 30 રૂપિયા પ્રતિકિલો ખરીદતાં હતાં, પરંતુ અતિવૃષ્ટિના કારણે શાકભાજીની આવક તેમજ ડુંગળીની આવક માર્કેટમાં ઘટવાના કારણે ભાવમાં મોટો વધારો જોવા મળે છે.’

વેપારીઓના જણાવ્યા પ્રમાણે ‘અમારે માર્કેટ યાર્ડમાં મોંઘા ભાવે ખરીદી કરતા હોવાથી મોંઘા ભાવે શાક વેચવું પડે છે. બીજી તરફ હાલ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી પણ આવક ઘટી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ ભારે વરસાદના પગલે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના 20 કિલોના આશરે રૂ.950ના ભાવે વેચાઈ રહી છે. વરસાદને પગલે ડુંગળીનો પાક 50 ટકાની અંદર સીમિત થઈ ગયો છે.