તા:૦૪,અમદાવાદ
અતિવૃષ્ટિથી વ્યાપક નુકશાની બાદ ગુજરાત પર હવે મહા વાવાઝોડાનું સંકટ વધુ ઘેરાયુ છે. ગઈકાલે રાત્રે વાવાઝોડાએ દિશા બદલતા હવે દિવથી પોરબંદર વચ્ચેના વિસ્તારમાં આ વાવાઝોડુ ટકરાવાનું છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં ૧ર૦ કિ.મી.થી વધુની ઝડપે પવન ફુંકાશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. બીજીબાજુ રાજય સરકારે ગાંધીનગરમાં ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે અને એનડીઆરએફની ૧પથી વધુ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે સાથે સાથે લશ્કરને પણ એલર્ટ કરી દેવાયું છે. ચિંતાની બાબત એ છે કે દરિયો તોફાની બની ગયો છે અને હજુ પણ ર૦૦થી વધુ બોટો સંપર્ક વિહોણી છે. જેને શોધવાની કામગીરી કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં મહા વાવાઝોડું વેરાવળથી ૬૦૦ કિ.મી. દુર છે અને તે વધુને વધુ વિનાશક બનવાની સાથે સાથે ગુજરાત તરફ આગળ વધી રહયું છે. ગુજરાતમાં હજુ પણ ઠેરઠેર વરસાદ પડવાનું ચાલુ રહેતા કૃષિને વ્યાપક નુકશાન થયું છે આ દરમિયાનમાં તાજેતરમાં જ ક્યાર વાવાઝોડાનો ભય તોળાયો હતો પરંતુ અંતિમ સમયે દિશા બદલતા આ વાવાઝોડાનું સંકટ ટળ્યું હતું પરંતુ તંત્રને કોઈ જ રાહત મળી નથી. આ દરમિયાનમાં જ સમુદ્રમાં ફરી એક વખત વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ છે અને મહા નામનું વાવાઝોડું ખૂબ જ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહયું છે. ગઈકાલ સુધી આ વાવાઝોડુ ગુજરાત નજીકથી જ દિશા બદલીને પસાર થઈ જાય તેવુ મનાતું હતું પરંતુ વાવાઝોડાની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે જેના પગલે ફરી વાવાઝોડાએ દિશા બદલતા તે ગુજરાત તરફ આગળ વધી રહયું છે. દરિયામાં સતત તેની તીવ્રતામાં તથા તેના વ્યાપમાં વધારો થતાં કેન્દ્ર સરકાર ચિંતિત બની છે. દરિયા કિનારાના ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજયોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ગઈકાલે તાત્કાલિક અધિકારીઓની રજા રદ કરીને ખાસ મીટીગ બોલાવવામાં આવી હતી અને તમામ પગલાં ભરવા માટે અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. ગુજરાતમાં વાવાઝોડાની દહેશત વચ્ચે દરિયા કિનારાના વિસ્તારોમાં અગમચેતીના પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વાવાઝોડાની તીવ્રતા વધતા હવે ૧ર૦ કિ.મી.થી વધુની ઝડપે વિનાશક પવન ફુંકાય તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે અને આ વાવાઝોડું દિવથી પોરબંદર સુધીના વિસ્તારમાં ત્રાટકે તેવી શક્યતા છે. જાકે વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહયું છે તેમ તેમ તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે અને દરિયો પણ તોફાની બન્યો છે જેના પગલે દરિયા કિનારાના વિસ્તારોમાં પોલીસનો તથા કોસ્ટગાર્ડનું સઘન પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે અને સહેલાણીઓને કિનારાના વિસ્તારોમાં જવા દેવામાં આવતા નથી. મહા નામનું વાવાઝોડું ત્રાટકવાની દહેશત વચ્ચે ગુજરાતના તમામ બંદરો પર ર નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને તમામ બોટોને પરત બોલાવી લેવામાં આવી છે. જાકે સંપર્ક વિહોણી ર૦૦થી વધુ બોટોને શોધવા માટે હાલમાં કોસ્ટગાર્ડ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડ ઉપરાંત લશ્કરને પણ એલર્ટ રખાયું છે અને જરૂરી તમામ બચાવની સામગ્રી તૈયાર કરી દેવામાં આવી છે. મહા નામના વાવાઝોડાના સંકટનો સામનો કરવા માટે સરકાર એલર્ટ થઈ ગઈ છે અને સ્થાનિક જિલ્લા પ્રશાસન તંત્રોને એલર્ટ કરીને જરૂરી તમામ કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે ખાસ કરીને દરિયા કિનારાના ગામડાઓને ખાલી કરાવાની તજવીજ કરવા તંત્રને એલર્ટ કરાયુ છે. હાલમાં વાવાઝોડું ૬૦૦ કિ.મી. દુર છે. ત્યારે તેની ગતિને જાતા તા.૬ઠ્ઠીની રાત્રિએ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે. એટલું જ નહી પરંતુ વાવાઝોડાની અસરના કારણે અમદાવાદ સહિત ઉ.ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જયારે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વ્યાપક નુકશાન થાય તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. વાવાઝોડાના પગલે સ્થાનિક જિલ્લા તંત્રો દ્વારા તમામ કાર્યવાહી શરૂ કરીને અસરગ્રસ્તો માટે ફ્રુડ પેકેટ તથા રહેવાની સગવડ સહિતની સુવિધાઓ પુરી પાડવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં એનડીઆરએફની ૧પથી વધુ ટીમો તૈનાત કરાઈ છે અને તેઓને તાત્કાલિક બચાવ કામગીરી માટે તૈયાર રહેવા માટે આદેશ અપાયો છે. હાલમાં સમગ્ર ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ઉંચા મોજા ઉછળી રહયા છે અને દરિયો ગાંડોતુર બન્યો છે. મહા નામનું વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધવાની સાથે સાથે મહારાષ્ટ્રને પણ અસર કરવાનું છે. મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોમાં ગઈકાલે રાત્રે ઉંચા મોજા ઉછળ્યા હતા જેના પરિણામે લોકોને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા હતાં. બીજીબાજુ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો ખાલી કરાવી દેવામાં આવ્યા છે.
|
|