નર્મદા અને બીજી સિંચાઈનું પાણી ન મળવાના કારણે સૌરાષ્ટ્રને ગંભીર અસર થઈ છે. ઉનાળું વાવેતર 50 ટકા ઘટી ગયું છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 5.70 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી થાય છે. તેની સામે હાલ ઉનાળામાં ગયા વર્ષે જે વાવેતર થયું હતું તે ઘટીને 50 ટકા થઈ ગયું છે. હાલ 26,000 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 11,500 હેક્ટર વાવેતર તો પશુઓને ટેકાવી રાખવા માટે ઘાંસચારાનો વાવેતર છે. જેમાંથી ખેડૂતને કોઈ આવક થવાની નથી. બીજા નંબરનું વાવેતર તલનું 5300 હેક્ટર અને 3000 હેક્ટર શાકભાજીનું છે. બાજરીનું વાવેતર 2200 હેકેટર છે. મગનું વાવેતર 1800 હેક્ટર છે. શેરડી, ગુવાર, અન્ય પાકો, મકાઈ, ડાંગર જેવા પાકો ઉગાડ્યા નથી. એવું કૃષિ વિભાગના અહેવાલો કહે છે.
જ્યાં નર્મદાનું સૌથી વધું પાણી જાય છે તે સુરેન્દ્રનગરમાં તો માત્ર 6300 હેક્ટર જ વાવેતર છે. તેમાંથી માત્ર 25 ટકા જ નહેર દ્વારા પાણી અપાય છે. સુરેન્દ્રનગર જિલ્લાની સુકી ધરા અને સુકા પેટાળને નવપલ્લિત કરવા માટે 17 નદીઓમાં હયાત ચેકડેમો અને 107 નવા મોટા ચેકડેમો બાંધી નર્મદાના જળ વડે સમગ્ર નદીઓને કાયમી રીતે નવપલ્લિત કરવાની યોજના ભાજપ સરકારે બનાવી હતી તેનું કોઈ અસ્તિત્વ 2019ના ઉનાળામાં ક્યાંય દેખાતું નથી.
આમ જોઈએ તો સૌરાષ્ટ્રમાં નર્મદાની નહેર દ્વારા ઉનાળાનું વાવેતર 4,000 હેક્ટરથી વધું નથી. ખરેખર તો નર્મદાના કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના દ્વારા જ 1 લાખ હેક્ટરમાં સિંચાઈ થવાની હતી. જેનાથી 1 હજાર હેક્ટરમાં પણ પાણી પહોંચતું નથી. 18 લાખ હેક્ટર જમીનમાં નર્મદાથી સિંચાઈ થવાની હતી તેના બદલે ઉનાળામાં સૌરાષ્ટ્રમાં માત્ર 26 હજાર હેક્ટર વાવેતર થયું છે, જે મોટા ભાગે તો કુવાની સિંચાઈના કારણે છે. બંધોના કારણે તો 3 હજાર હેક્ટરથી વધું વાવેતર નથી.
સૌરાષ્ટ્રમાં ડુંગળીનું 16 ટકા જ વાવેતર થયું છે. મગફળીનું 50 ટકા ઓછું વાવેતર થયું છે. આમ સૌરાષ્ટ્રમાં સૌની, નર્મદા, બીજા બંધોથી ઉનાળાની સિંચાઈ બહુ થતી નથી.
રાજયમાં ઓછામાં ઓછા 30થી 35 વખત પાણી-ખોરાકની અછત ઊભી થઇ છે, ભૂતકાળમાં 1972-73, 1985થી 1988 તથા વર્ષ 1999 દરમ્યાન ભયંકર દુષ્કાળ અનુભવેલો હતો. ત્યાર પછી મોદી એરામાં 5 વખત અને રૂપાણી-આનંદી એરામાં 3 વખત અછત થઈ છે. તેમાં પિવાના પાણી સિવાય કોઈ ફેર પડ્યો નથી. સ્થિતી સુધરવાના બદલે છેલ્લાં બે દાયકામાં બગડી છે. જેમાં નરેન્દ્ર મોદીનું 13 વર્ષનું શાસન કંઈ કરી શક્યું નથી.
2000 થી 2007 દરમ્યાન 52 હજાર ચેકડેમ હતા. 2018 સુધીમાં 1 લાખ ચેકડેમ થયા હતા. ગુજરાતમાં જે પાણી છે તેનું સૌરાષ્ટ્ર માંડ 9 ટકા પાણી છે. તેની સામે સૌરાષ્ટ્રનો ભૌગોલિક વિસ્તાર 31% છે. તે બચાવવા માટે ચેક ડેમ થયા પણ પાણી ક્યાંય નથી.
આઝાદી પહેલા 51 હેકટર વિસ્તારમાં સિંચાઇ હતી. 1960 સુધીમાં 4.04 લાખ હેકટરમાં સિંચાઇ શકિત ઊભી કરી હતી. આઝાદી પછી રાજયમાં શેત્રુંજી, દાંતીવાડા, કાકરાપાર વીયર, ઉકાઇ, કડાણા, ધરોઇ, વણાકબોરી વીયર વગેરે બંધ બન્યા. નર્મદા બંધ પણ પૂરો થયો છે. અત્યાર સુધીમાં આશરે 51 લાખ હેકટર સિંચાઇશકિત ઉત્પન્ન કરેલી છે. જે 2019માં ક્યાંય દેખાતી નથી.