સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલયમાં આઝાદી પછીનો ઈતિહાસ ભણાવાશે

વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના વધે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ઈતિહાસ ભવન દ્વારા અભ્યાસ ક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા વિદ્યાર્થીઓને આઝાદી સુધીનો ઈતિહાસ ભણાવવામાં આવતો અને હવેથી MA સેમેસ્ટર-4ના વિદ્યાર્થીઓને આઝાદી પછી થયેલા યુદ્ધનો ઈતિહાસ ભણાવવામાં આવશે.

એક રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2020-21ના નવેમ્બર મહિનાથી MAના ચોથા સેમેસ્ટરમાં વર્ષ 1947થી વર્ષ 2000 સુધીનો ઈતિહાસ ભણાવવામાં આવશે. જેની સાથે-સાથે દેશની બહાર રહીને સ્વાતંત્ર માટે લડત કરનારા સરદારસિંહ રાણા, શ્યામજી કૃષ્ણવર્મા, બટુકેશ્વર દત્ત, ભીખાઇજી કામા, અરવિંદ ઘોષ અને દેશ માટે આહુતિ આપનારા શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખદેવ, ઉધમસિંહના સહિતના પાઠ ભણાવવામાં આવશે.

1947થી વર્ષ 2000 સુધીના ઈતિહાસમાં ભારત-પાકિસ્તાન યુદ્ધ, ભારત-ચીન યુદ્ધ અને કારગીલ યુદ્ધ વિષે માહિતી આપવામાં આવશે. જેમાં ભારતની વ્યૂહ રચના અને જવાનોની બહાદુરીના કિસ્સાઓનો સમાવેશ કરવામાં આવશે. આ સાથે જ 1907ના નરમ દળના ગોપાલકૃષ્ણ ગોખલ અને સુરેન્દ્રનાથ બેનરજી અને ઉગ્ર દળના લાલ લાજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપીનચંદ્રના પાઠનો સમાવેશ કરવામાં આવ્યો છે.

MAના સેમેસ્ટર-2માં ‘હિસ્ટ્રી ઓફ હેરીટેજ પ્લેસિસ ઇન ઇન્ડીયા’નો સમાવેશ ભરતના બંધારણીય ઈતિહાસના ઓપ્શનમાં કરવામાં આવ્યો છે. હેરીટેજ પ્લેસિસમાં 16 જેટલા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં MAમાં ‘હિસ્ટ્રી ઓફ ફ્રીડમ મૂવમેન્ટ ઇન ઇન્ડિયા’ એટલે કે, આઝાદી પહેલાનો ઈતિહાસ જ ભણાવવામાં આવતો હતો અને હવે ઈતિહાસ ભવન દ્વારા કરવામાં આવેલા સુધારા પછી આઝાદી પછીનો ઈતિહાસ પણ ભણાવવામાં આવશે.