સ્કૂલે ન જતાં માતાએ ઠપકો આપી લાફો મારતાં પુત્ર ઘર ઘરેથી નાસી ગયો

અમદાવાદ: તા:૨૨

અભ્યાસ અંગે કે સ્કૂલે ન જવાના મામલે માતા-પિતા દ્વારા ઠપકો અપાયા બાદ બાળકોના ઘર છોડીને નાસી જવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં બન્યો છે. જેમાં મેવાડમાં હોસ્ટેલમાં રહીને ધોરણ-11માં અભ્યાસ કરતો પુત્ર બે માસથી સ્કૂલે જતો ન હતો. જેથી ઘરે આવેલા પુત્રને માતાએ ઠપકો આપીને બે ત્રણ લાફા માર્યા હતા. જેથી કોઈને કહ્યા વિના પુત્ર ઘર છોડીને ક્યાક ચાલ્યો ગયો છે. આ અંગે માતાએ સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ રામબાગ આવાસ યોજનામાં રહેતા રેખાબેન નાયકનો પુત્ર કરણ દેવગણ મેવાડમાં આવેલ અમરભારતી વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતો હતો. બે મહિના અગાઉ તે અહી પોતાની માતા પાસે આવ્યો હતો. ત્યાર બાદ તે સ્કૂલે ગયો ન હતો. આથી રેખાબેને થોડા દિવસ અગાઉ તેને  પાસે બેસાડીને સ્કૂલે જવા માટે સમજાવ્યો હતો. આમ છતાં કરણ પોતાની માતાની વાતને સમજતો ન હતો અને સ્કૂલે જવા માટે ગલ્લાં તલ્લાં કરતો હતો. આથી રેખાબેને તેને ઠપકો આપીને બેથી ત્રણ લાફા માર્યા હતા.