સ્કૂલ બસ પલટી ખાઇ ગઇઃ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને ઇજા જ્યારે અન્યનો ચમત્કારીક બચાવ

અમરેલી,તા.18
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે વિવેકાનંદ સ્કૂલની બસ 25 જેટલા વિદ્યાર્થીઓને લઇને જઇ રહી હતી. તે દરમિયાન ફુલઝર ગામ નજીક બસ પલ્ટી ખાઇ ગઇ હતી. જોકે સદનસીબે તમામ બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અંગે વધુ જાણવા મળ્યા મુજબ બે વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ થતાં વાલીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. ઘાયલ બાળકોને ખાનગી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા હતા. આ અકસ્માતની જાણ શાળાના સંચાલકોને થતાં તે પણ ઘટના સ્થળે દોડી ગયેલા હતા. પલટી મારી ગયેલી બસને જે.સી.બીની મદદથી બસને બહાર કાઢવામા આવેલી છે. ત્યારે હાલ મોટા દેવળીયા ગામે ચાલતી વિવેકાનંદ સ્કૂલમાં પરીક્ષા કાર્ય પૂર્ણ થયા બાદ સ્કુલની બસ ફુલઝર ગામ અને પીપળીયા ગામ નજીક અંદાજિત ૨૫ જેટલા વિદ્યાર્થીઓની પરત મુકવા અર્થે જઇ રહેલ તે અરસામાં અકસ્માત થયેલ અને બસ રોડ નીચે પલ્ટી મારી જતા રોડ પર વિદ્યાર્થીઓએ ચીચકારીઓ પાડી દીધેલી હતી. બસે પલટી મારતાં ઘટના સ્થળે હાજર રાહદારીઓ અને ગ્રામજનો દ્વારા તમામ ભૂલકાંઓને બસમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. બસ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થતા તેમને તાત્કાલિક ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હોવાનું જાણવા મળેલ છે..