ઓઢવ રીંગ રોડ પર આવેલી સૂર્યમ એલિગન્સ નામની સાઈટ પર કામ કરતો કર્મચારી બિલ્ડરને 51 લાખ રૂપિયાનો ચૂનો લગાવી ફરાર થઈ ગયો છે. ઓઢવ પોલીસે લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા ઉમંગ વિષ્ણુભાઈ પ્રજાપતિ સામે ગુનો નોંધી તેની તપાસ શરૂ કરી છે.
સિંધુ ભવન રોડ વૃંદાવન બંગ્લોઝ વિભાગ-4માં રહેતા અશોક કાંતિભાઈ પટેલ તેમના અન્ય ભાગીદારો સાથે ઓઢવ રીંગ રોડ પર સૂર્યમ એલિગન્સ નામથી 644 ફલેટની સ્કિમ મૂકી છે. કન્સ્ટ્રકશન સાઈટ પર મેમ્બરો પાસેથી સ્ટેમ્પ ડ્યૂટી, બુકિંગ, રજિસ્ટ્રેશન ફી ઉઘરાવાની તેમજ બેન્ક લોનની કામગીરી ઉમંગ પ્રજાપતિ કરતો હતો. મહિને 18 હજાર રૂપિયાના પગારથી નોકરી કરતા ઉમંગ પ્રજાપતિ સૂર્યમ એલિગન્સ ખાતે રહેતો હતો. સ્કિમ પૂરી થઈ ગઈ હોવાથી મેમ્બર પોતાના મકાનના વેચાણ દસ્તાવેજ કરાવવા લાગ્યા હોવાથી સ્ટેમ્પ ડ્યૂટી અને રજીસ્ટ્રેશન ફી ઉમંગ પ્રજાપતિ પાસે જમા કરાવતા હતા.
ઉમંગ પ્રજાપતિએ 539 ફલેટના મેમ્બર પાસેથી લીધેલી રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યૂટી નિયમિત રીતે જમા કરાવી દેતો હતો, પરંતુ ગત જૂન અને જુલાઈ મહિનામાં મેમ્બરો પાસેથી રૂપિયા ઉઘરાવીને જમા નહીં કરાવ્યા હોવાની ફરિયાદ બિલ્ડરને મળી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, 36 મેમ્બર પાસેથી 51 લાખ રૂપિયા જેટલી સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ફી ઉમંગ પ્રજાપતિએ મેળવી લીધા બાદ પણ જમા કરાવી નથી. આથી અશોકભાઈ પટેલે ગત 15 જુલાઈના રોજ ઉમંગને ફોન કરી બોલાવતા તેણે બિમારીનું બહાનું ધરી થોડીવારમાં આવું છું તેમ કહી ફોન સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયો છે.