સ્ટ્રોમ વોટર લાઈન નાંખ્યા બાદ પુરાણ ન થતા હાલાકી

અમદાવાદ,તા.૨૨
શહેરના પશ્ચિમઝોનમાં આવેલા શિવરંજની પાસેથી પસાર થતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં વર્ષ-૨૦૧૮ના વર્ષમાં ભંગાણ પડતા ખુબ જ ટુંકા સમયગાળામાં એક જ સ્થળે સતત ભુવા પડવાનો સિલસિલો જાવા મળ્યો હતો.બાદમાં અમપા સત્તાવાળાઓ દ્વારા શિવરંજની પાસે પસાર થતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનને નહેરૂનગર ચાર રસ્તા પાસેની મેઈન ટ્રંક લાઈન સાથે કનેકટિવીટી આપવા કોન્ટ્રાકટર પાસે કામગીરી શરૂ કરાવાઈ હતી.આ કામગીરી પુરી થયાને ત્રણ માસ જેટલો સમય પસાર થઈ ગયો છે.છતાં પાઈપ લાઈન નંખાયા બાદ પુરાણ કરવામા ન આવતા અસંખ્ય વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.પશ્ચિમઝોનના એડીશનલ સીટી ઈજનેર સકસેનાનો સંપર્ક કરાતા તેમણે ચોમાસુ પુરુ થયુ હોઈ એક અઠવાડીયામાં કોન્ટ્રાકટર પાસે બાકીની કામગીરી પુરી કરાવાશે એમ કહ્યુ છે.તેમણે આ કામ કયારે કોન્ટ્રાકટરને સોંપવામાં આવ્યુ હતુ અને કયારે પુરુ કરવાનુ હતુ એ અંગે માહીતી આપવાનુ ટાળ્યુ હતુ.અમપામાં સ્થાયી સમિતિના ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલ હતા એ સમયે રોડ અને ડ્રેનેજના કામો કયો કોન્ટ્રાકટર કરશે કયારે કામ શરૂ કરશે અને કયારે પુરુ કરશે એ વિગતો જાહેર સ્થળોએ બોર્ડ દ્વારા દર્શાવવાનો ઠરાવ પણ કમિટીમાં પસાર કરાવ્યો હતો છતાં આજદીન સુધી એનો અમલ થયો નથી.