સ્થાવર મિલકતની તબદીલી માટે સ્ટેમ્પ ડ્યુટી-નોંધણી ફી ઇ-પેમેન્ટથી ભરી શકશે

સ્ટેમ્પ ડ્યુટી ચૂકવણીમાં નાગરિકોને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે નોંધણીપાત્ર દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટી
સરળતાથી ગમે તે સમયે અને સ્થળેથી ઓનલાઇન ઇ-પેમેન્ટના માધ્યમથી ચૂકવી શકે તે માટે તાજેતરમાં રાજ્ય
સરકાર દ્વારા ઇ-પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ નવીન ઇ-પેમેન્ટ પદ્ધતિમાં નાગરિકોએ આ મુજબની કાર્યપદ્ધતિ અનુસરવાની રહે છે જેમાં પક્ષકારે
garvi.gujarat.gov.in સાઇટ પર Public Data Entry લિંક પર જરૂરી વિગતો ભરીને પોતાનું લોગ-ઇન-
આઇ.ડી.બનાવવાનું રહેશે. નિયત લોગ-ઇન આઇ.ડી.ની મદદથી લોગ-ઇન થઇને પક્ષકારે વેચાણ થતી મિલકતને લગતી
જરૂરી વિગતો ભર્યેથી ઓનલાઇન ઇ-પેમેન્ટની નવી સુવિધાથી સ્ટેમ્પ ડ્યુટી ઇન્ટરનેટ માધ્યમથી ઘેર બેઠાં પોતાની જાતે
પોતાના અનુકૂળ સમયે ચુકવી શકશે. ઇ-પેમેન્ટથી સ્ટેમ્પ ડ્યુટી ભર્યા અંગેના ઇ-ચલનની પ્રિન્ટ કાઢીને પક્ષકારે

દસ્તાવેજની નોંધણી માટે સંબંધિત સબ-રજીસ્ટ્રાર કચેરીમાં જવાનું રહેશે. પક્ષકાર તરફથી રજુ થતા ઇ-ચલનનું સબ-રજિસ્ટ્રારશ્રી દ્વારા ઓનલાઇન વેરીફિકેશન કરવામાં આવશે તથા અન્ય કોઇ વ્યક્તિ ઇ-ચલનનો ફરી વાર દુરઉપયોગ ન કરી શકે તે માટે સબ-રજિસ્ટ્રારશ્રી દ્વારા ઇ-ચલનને ગરવી વેબ એપ્લિકેશન મારફતે તુરંત જ લોક કરી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી નોન જ્યુડિશયલ સ્ટેમ્પ પેપર, ફ્રેકીંગ મશીન તથા ઇ-સ્ટેમ્પીંગ
સર્ટીફીકેટ દ્વારા કરી શકાય છે. હાલની આ પદ્ધતિમાં (૧) નોન જ્યુડિશયલ સ્ટેમ્પ પેપર માટે પક્ષકારોએ લાયસન્સી સ્ટેમ્પ વેન્ડરનો સંપર્ક કરવાનો થાય છે. જેમાં નિયત ડીમોનેશનના દા.ત. રૂ.૫૦,૧૦૦,૫૦૦,૧૦૦૦ વિગેરે સ્ટેમ્પ પેપર મળી શકે છે.
(ર) ફ્રેન્કીંગ સ્ટેમ્પ માટે લાયસન્સ હોલ્ડર બેંકનો સંપર્ક કરવાનો થાય છે. (૩) ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ માટે પણ ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર ઉપર રોકડ, બિન રોકડ જેમાં ચેક, ડી.ડી, પે ઓર્ડર, નેટ બેન્કીંગ, RTGS, NEFT, Account Transfer વગેરે લઇને રૂબરૂ જવાનું હોય છે. આ ત્રણેય પદ્ધતિઓમાં નિયત સ્થળ ઉપર કામકાજના નિયત સમય દરમિયાન જ સ્ટેમ્પ મળી શકે છે તેમ, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.