રાજ્યના યુવાનો – યુવતી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થાય અને રાષ્ટ્રની ગૌરવવંતી આઈ.એ.એસ., આઈ.પી.એસ. સહિતની વહિવટી સેવામાં અહમ યોગદાન આપી શકે તે માટે સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન (સ્પીપા) દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાની સઘન તાલીમ માટેની પ્રવેશ પરીક્ષા તા. ૪ ઓગસ્ટના રોજ યોજાશે. સાથોસાથ તા. ૪ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા વિભાગ મેનેજર વર્ગ-૩ ની પરીક્ષા પણ યોજાવા જઈ રહી છે. રાજ્યના એક લાખ દસ હજાર જેટલા યુવાન – યુવતીઓ સ્પીપાની પ્રવેશ પરીક્ષા માટે અને અન્ન નાગરિક પુરવઠા વિભાગની નોકરી માટેની પરીક્ષામાં ભાગ લેવા માટે અરજી કરેલ છે. બન્ને પરીક્ષા એક જ દિવસ હોવાથી બેમાંથી એક જ પરીક્ષાની તક ગુજરાતના યુવાન – યુવતીઓને મળશે. જ્યારે ગુજરાતના એક લાખ દસ હજાર યુવાન – યુવતીઓના ભવિષ્ય માટે રાજ્ય સરકાર બેમાંથી એક પરીક્ષા ના કાર્યક્રમમાં ફેરફારની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યુ હતું કે, સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન (સ્પીપા) માં સ્પર્ધાત્મક પરીક્ષાની સઘન તાલીમ મેળવી શકે તે યુવાન – યુવતીઓનું સ્વપ્ન હોય છે. સાથોસાથ અન્ન નાગરિક પુરવઠા વિભાગની સરકારી નોકરી મળે તે યુવાન – યુવતીઓ ઈચ્છતા હોય છે આ સંજોગોમાં ગુજરાતના યુવાન – યુવતીઓને બન્ને પરીક્ષામાં તક મળે તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્યમાં હવામાન ખાતાએ આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે ત્યારે રાજ્યના યુવાન – યુવતીઓને સ્પીપા અને અન્ન નાગરિક પુરવઠા વિભાગની મેનેજર માટેની બન્ને પરીક્ષા આપવાની તક મળે તે માટે પરીક્ષા તારીખમાં ફેરફાર કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ છે.