સ્માર્ટ ચીપ કંપનીએ હેક કરી બોગસ લાયસંસ આપી દીધા

આરટીઓ કચેરીમાં આઉટ સોર્સીંગ કંપની સ્માર્ટ ચીપ વતી સુપરવાઈઝરનું કામ કરતા કિરણસિંહ રાઠોડને હેકીંગ થકી લાયસન્સ કાઢી આપવાના ગુનામાં પોલીસે ઝડપી લીધો છે. સાયબર ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.બી.બારડે જણાવ્યું છે કે, હેકીંગ થકી 120 ડ્રાઈવીંગ લાયસન્સ કાઢવાના ગુનામાં અગાઉ ચાર આરોપી પકડાયા હતા. ચાર આરોપી પૈકી આરટીઓ એજન્ટ જીજ્ઞેશ મોદી પાસે એક હજારથી પંદરસો રૂપિયા એક લાયસન્સ પેટે મેળવી લઈ કિરણ રાઠોડ લાયસન્સ હાથો હાથ આપી દેતો હતો.

આરટીઓમાં સ્માર્ટ ચીપ કંપનીનો કર્મચારી કિરણ રાઠોડ કે જે ગ્રીન પાર્ક સોસાયટી, ન્યુ આરટીઓ રોડ, વસ્ત્રાલ રહે છે. કૌભાંડ સમયે વસ્ત્રાલ આરટીઓમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. સ્માર્ટ ચીપ કંપની લાયસન્સ હોલ્ડરના ફોટા, સહી લેવાનું તેમજ લાયસન્સ પ્રિન્ટ કરી રજીસ્ટર એડીથી ડીસ્પેચ કરવાનું કામ કરે છે. જે લાયસન્સ હોલ્ડર રિન્યુ માટે સહી કરવા તેમજ ફોટા પડાવવા આવવાનું ટાળે તેની સહિ અને ફોટો એજન્ટ જીજ્ઞેશ મોદી કિરણ રાઠોડને મોકલી આપતા તે સ્કેન કરી ફોટો અને સહી સિસ્ટમમાં અપલોડ કરી દેતો હતો.