સ્વલાભ માટે મ્યુનિ. ભાજપ અને કોંગ્રેસ કોર્પોરેટરનું મેળાપીપણું

અમદાવાદ,તા:૩૦  મ્યુનિ. કોર્પોરેશનનો વહીવટ ‘દલા તરવાડી’ની યાદ અપાવી જાય છે. મ્યુનિ. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો સ્વલાભ માટે એકબીજાના ખોળામાં બેસી જાય છે અને બે-ચારના બદલે દસ-બાર રીંગણા લઈ જાય છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ‘સ્ટડી ટૂર’ના નામે ચાલી રહેલા પ્રવાસન ઉદ્યોગનો સમાવેશ પણ ‘દલા તલવાડી’ સિસ્ટમમાં થઈ જાય છે.
કાઉન્સિલર અભ્યાસ ટૂરખર્ચ
સ્થળ
સંખ્યા
રકમ(રૂ.)
એવરેજ ખર્ચ

ચેન્નઈ 19 707980 37262
ચંદીગઢ 54 1818544 33677
કોઈમ્બતુર
58
2072364 35730
કોચી (કોંગ્રેસ)
47 1431150 30450
કુલ
178 6030038 33876

ટૂરની જવાબદારી અક્ષર ટ્રાવેલ્સ, શ્રીરંગ ટ્રાવેલ્સ અને અંજલિ હોલિડેઝને સોંપવામાં આવી હતી.
મ્યુનિ. કોર્પોરેશન દરેક ટર્મમાં એક સ્ટડી ટૂરનું આયોજન કરે છે, જે અંતર્ગત મ્યુનિ.ની વિવિધ કમિટીના સભ્યો ટૂર પર નીકળી પડે છે. જો કે આ ટૂરને સ્ટડી ટૂર કહી જ ન શકાય, કારણ કે એક પણ સ્ટડી રિપોર્ટ જમા કરાવવામાં આવતો જ નથી. જોવાનું એ છે કે કોર્પોરેશનની કોઈ કમિટીમાં કોંગ્રેસનો એકપણ સભ્ય ન હોવા છતાં તેમના માટે પણ પાંચ વર્ષે એક વખત ટૂરનું આયોજન કરવામાં આવે છે, બીજી રીતે કહીએ તો તેરી ભી ચૂપ – મેરી ભી ચૂપ… વિરોધના ડરથી કોંગ્રેસ કોર્પોરેટર્સ માટે પણ ટૂરનું આયોજન કરાય છે.

પ્રજાનાં નાણાં ઉડાવવામાં ભાજપ અને કોંગ્રેસે જાણે કે ભાઈબંધી જ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ કોર્પોરેશનના 175 કરતાં પણ વધુ કોર્પોરેટર્સ બે મહિના પહેલાં ‘સ્ટડી ટૂર’ના નામે અલગ-અલગ સ્થળે ફરવા ગયા હતા, જેની પાછળ પ્રજાના રૂ.60 લાખનું ધોવાણ થયું, જેની રિકવરી ટેક્સની સીલિંગ ઝુંબેશ મારફતે કરવામાં આવશે એવા કટાક્ષ પણ થઈ રહ્યા છે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં 2005ના વર્ષથી ‘સ્ટડી ટૂર’નો મહિમા વધી ગયો છે. 2005થી 2010ની ટર્મમાં હુડકો દ્વારા અધિકારીઓના અભ્યાસ માટે જે વ્યાજ-રિફંડ અપાયું હતું તેનો ઉપયોગ સિંગાપોર ટૂર માટે થયો હતો, જેમાં ભાજપ અને કોંગ્રેસના 129 કોર્પોરેટર્સ એકસાથે સિંગાપોર ફરવા ગયા હતા. ત્યારબાદ તો જનમાર્ગ પ્રોજેક્ટના નામે પણ 7થી 8 સ્ટડી ટૂર થઈ હતી. આ સ્ટડી ટૂરની પરંપરાને  ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો અત્યંત ખંતપૂર્વક આગળ ધપાવી રહ્યા છે અને 2015થી 2020ની ટર્મમાં પણ આ પરંપરા જળવાય તેનું ખાસ ધ્યાન રખાયું છે. આ પરંપરા હેઠળ બે મહિના અગાઉ ભાજપના 131 અને કોંગ્રેસના 47 કોર્પોરેટર ચેન્નઈ, ચંદીગઢ, કોઈમ્બતુર તથા કોચી ‘ઉચ્ચ અભ્યાસ’ માટે ગયા હતા, જે પેટે રૂ.60.30 લાખનો ખર્ચ કરવામાં આવ્યો

મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના 19 કોર્પોરેટર ચેન્નાઈ ગયા હતા, જેમાં માથાદીઠ ખર્ચ રૂ.37262 થયો હતો. ચેન્નાઈ ટૂરનો કુલ ખર્ચ રૂ.7,07,980 થયો હતો. ભાજપના 54 કોર્પોરેટરને ચંદીગઢ (યુનિવર્સિટી)માં અભ્યાસ કરવાની ઈચ્છા થઈ હતી, તેથી તેમને ચંદીગઢ ‘ઉચ્ચાભ્યાસ’ માટે મોકલાયા હતા, જે પેટે રૂ.18,18,545 ચૂકવવામાં આવ્યા હતા.

મ્યુનિ. ભાજપના 58 કોર્પોરેટરને દક્ષિણ ભારતના હીલ સ્ટેશનનો અભ્યાસ કરવાની પ્રબળ ઈચ્છા થતાં તેમને કોઈમ્બતુર-ઊટી મોકલાયા હતા. પ્રજાના 58 સેવકોના અભ્યાસ માટે રૂ.14.31 લાખનો ખર્ચ થયો હતો. જ્યારે મનપાના ‘મજબૂત’ વિપક્ષ કોંગ્રેસના 47 કોર્પોરેટરને પણ દક્ષિણ ભારતના શાંત અને આહલાદક વાતાવરણમાં અભ્યાસ કરવાની ઈચ્છા શાસક પક્ષે પૂર્ણ કરી છે. કોંગી કોર્પોરેટર્સ કોચી અને મુન્નાર જેવાં સ્થળોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં બે-ત્રણ દિવસ ફરે તો માનસિક શાંતિ મળે અને વિરોધ ન કરવાની પરંપરા જળવાય એવો શુભ આશય પણ તેમાં છુપાયેલો જાવા મળે છે.

મ્યુનિસિપલ શાસકોની સદર લાગણી કોંગી કોર્પોરેટરો પણ સમજે છે, તેથી ટેન્ડર પ્રક્રિયા સિવાય અન્ય બાબતનો વિરોધ થતો નથી. મ્યુનિસિપલ કોર્પોરેટરો વર્ષોથી સ્ટડી-ટૂરના નામે ફરવા જાય છે, પરંતુ કોઈ સભ્ય કે કમિટી દ્વારા સ્ટડી રિપોર્ટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યો નથી. 2019ની ‘સ્ટડી ટૂર’ પહેલાં સ્ટેન્ડિંગ ચેરમેને તમામ કમિટીના રિપોર્ટ જાહેર કરવામાં આવશે એવા દાવા કર્યા હતા, જે હજુ પૂર્ણ થયા નથી. ચોંકાવનારી બાબત તો એ છે કે આ પ્રકારની ટૂર માટેની સત્તા મ્યુનિ. કમિશનરને સોંપાય છે, તથા વિવિધ ‘બજેટ હેડ’માં તેના ખર્ચ થાય છે. જોવાનું એ છે કે આ પ્રકારના ખર્ચ માટે કોઈ મંજૂરી લેવાતી નથી, તેમજ તેના ઓડિટ પણ થતાં નથી. પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટની વાતો માત્ર સાંભળવામાં જ સારી લાગે છે. મ્યુનિસિપલ સત્તાધીશોને ખરા અર્થમાં પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ કરવાની ઈચ્છા હોય તો સ્ટડી-ટૂરના રિપોર્ટ અને ખર્ચની વિગતો સ્ટેન્ડિંગ કમિટી તથા પ્રજા સમક્ષ જાહેર કરવાં જાઈએ તેવી સાર્વત્રિક લાગણી પ્રવર્તી રહી છે.