હજુ છ મહિના પહેલા શરુ કરાયેલી મેટ્રો ટ્રેનને મુસાફરોના ફાંફા

અમદાવાદ શહેરમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી ગત છ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૬.૫ કીલોમીટરના ટ્રેક પર દોડતી કરેલી અમદાવાદ મેટ્રો ટ્રેનને શરૂ થયાને હજુ માંડ છ માસ જેટલો સમય પુરો થયો છે.અત્યારથી જ આ હજારો કરોડના મુડી રોકાણવાળી ટ્રેનથી લોકો આયોજનના અભાવે મુસાફરી કરવાથી મોં ફેરવી રહ્યા છે.ઓગસ્ટ માસના પહેલા છ દિવસમાં માત્ર ૩,૯૬૨ જેટલા મુસાફરોએ મુસાફરી કરી છે.આ પરિસ્થિતીમાં આગામી દિવસોમાં બુલેટ ટ્રેન લાવવાની વાતો આગળ કરાઈ રહી છે.ત્યારે એએમટીએસ અને બીઆરટીએસની જેમ મેટ્રો ટ્રેનની હાલત પણ નહીં થાય ને એવી ચર્ચા અમદાવાદીઓ કરી રહ્યા છે.

ગુજરાતમાં મેટ્રો રેલ શરૂ કરવા માટે ફેબ્રુઆરી વર્ષ-૨૦૧૦માં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની સ્થાપના કરાઈ હતી.કંપનીના રૂપમાં ઓકટોબર વર્ષ-૨૦૧૪માં તેને ફેરવવામાં આવી હતી.અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૪ના ઓકટોબર માસમાં પ્રોજેકટને મંજુરી આપવામાં આવી હતી. ૧૪ માર્ચ-૨૦૧૫ના દિવસથી અમદાવાદ શહેરના વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના ૬.૫ કીલોમીટર સુધીના ટ્રેકમાં મેટ્રો રેલ શરૂ કરવા માટેની કામગીરી શરૂ કરાઈ હતી.આ મેગા પ્રોજેકટને શરૂઆતથી જ મુસાફરો મેળવવાના ફાંફા થઈ પડયા છે.

વર્ષ-૨૦૧૦માં ૨૦૦ કરોડ સાથે પ્રોજેકટનો આરંભ

અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ શરૂ કરવા રૂપિયા ૨૦૦ કરોડના ભંડોળ સાથે વર્ષ-૨૦૧૦માં યોજનાનો આરંભ કરવાનો વિચાર મુકાયો હતો.આ પછી ૧૯ ઓકટોબર-૨૦૧૪ના દિવસે કેન્દ્ર સરકારે રૂપિયા ૧૦,૭૭૩ કરોડની ગ્રાંટ અમદાવાદ શહેરમાં મેટ્રો રેલના પહેલા ફેઝ માટે મંજુર કરી હતી.૧૪ માર્ચ-૨૦૧૫ના દિવસે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મેટ્રોના પહેલા ફેઈઝ માટે અને ૧૭ જાન્યુઆરી-૨૦૧૬ના દિવસે નોર્થ-સાઉથ કોરીડોર માટે ભૂમિપુજન કર્યુ હતુ.

જૈકાએ ફંડ આપવાની જાહેરાત કરી

જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(જૈકા)દ્વારા અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ માટે  નવેમ્બર-૨૦૧૫માં રૂપિયા ૫૯૬૮ કરોડનુ ભંડોળ પહેલા ફેઈઝ માટે આપવાની જાહેરાત કરી હતી.બાદમાં વર્ષ-૨૦૧૬માં રૂપિયા ૪૪૫૬ કરોડની રકમ રીલીઝ કરાઈ હતી.

ફેબ્રુઆરી-૨૦૧૯માં ટ્રાયલ રન કરાઈ

ફેબ્રુઆરી-૨૦૧૯માં મેટ્રોના પહેલા ફેઈઝ માટે ટ્રાયલ રન શરૂ કરાઈ હતી.પહેલા ફેઈઝમાં કુલ ૪૦.૦૩ કી.મી. નોર્થ-સાઉથ અને ૧૮.૮૭ કી.મી.ઈસ્ટ-વેસ્ટ ટ્રેક પર મેટ્રો રેલ દોડવાની છે.ઈસ્ટ-વેસ્ટ કોરીડોરમાં ૨૧.૧૬ કી.મી. એલિવેટેડ અને ૩૩.૫ કી.મી.અંડરગ્રાઉન્ડ રૂટ આવરી લેવામાં આવશે.

મેટ્રોને મળેલા મુસાફરો

વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધીના ૬.૫ કી.મી.ટ્રેકમાં શરૂ કરાયેલી મેટ્રો રેલમાં ૨.૫ કી.મી.સુધી પાંચ રૂપિયા અને ૬.૫ કી.મી.સુધી દસ રૂપિયા ભાડુ નકકી કરાયુ છે.રોજ છ થી સાત ટ્રીપ કરાય છે.સ્પીડ ૫૦ કી.મી.પ્રતિ કલાકની છે.પહેલા સવારે ૯ થી સાડા છ સુધીનો સમય રાખવામાં આવ્યો હતો.પરંતુ મુસાફરો ન મળતા ફરી સમય બદલીને ૧૧થી સાંજના ૪.૫૦ નો કરાયો છે. એક કોચમાં ૩૦૦ મુસાફરોની ક્ષમતા ધરાવતા કુલ છ જેટલા કોચ હાલ કાર્યરત છે.

આ મેટ્રોને અત્યાર સુધીની સફરમાં મળેલા પેસેન્જરોની સંખ્યા આ મુજબ છે.
માસ મુસાફરો
૪ થી (માર્ચ) ૧૪ ૭૫,૯૧૭
૧૫ થી (માર્ચ) ૩૧ ૩૮,૧૬૯
એપ્રિલ ૩૫,૦૦૦
મે ૫૦,૧૦૮
જુન ૩૬,૭૦૯
જૂલાઈ ૩૨,૦૬૮
ઓગસ્ટ (૬ સુધીમાં) ૩,૯૬૨
મુસાફરોને ફ્રીકવન્સી સમયસર મળતી નથી

પહેલા ફેઈઝમાં દર પચાસ મિનિટની એક ફ્રીકવન્સી હોઈ મુસાફરો રાહ જાવા તૈયાર નથી.અમદાવાદી મુસાફરોની સહજ પ્રતિક્રીયા એવી છે કે,ટ્રેનની રાહ જાઈએ એટલી વારમાં તો શટલ રીક્ષામાં એના કરતા ઝડપથી જે સ્થળે જવુ હોય ત્યાં પહોંચી શકાય છે.

મેટ્રો ફેઈઝ- ટુમાં કયાં શું
  • ફેઈઝ-ટુ ને ઓકટોબર-૨૦૧૭માં  રાજય સરકાર તરફથી ફાઈનલ અપ્રુવલ મળી હતી.
  • કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી-૨૦૧૯માં રૂપિયા ૫૩૮૪ કરોડની ગ્રાંટ મંજુર કરી છે.
  • હાલ કામગીરી ચાલુ હોય તેવા વિસ્તારોમાં મેમનગર,ગુરુકુળ,કોમર્સ છ રસ્તા, ઈન્કમ ટેકસ,દિલ્હી દરવાજા વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.