હળવદમાં દેવજી ફતેપરા સિવાય કોઈ નહીંના પોસ્ટરો લાગ્યા

લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી ભાજપ દ્વારા ગુજરાતની 26 લોકસભાની બેઠકો પરથી કાર્યકર્તાઓના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સની પ્રક્રિયા પછી મંથન કરીને ભાજપ દ્વારા 16 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આ યાદીના 14 સાંસદોને રીપીટ કરવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની જગ્યાએ ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે દેવજી ફતેપરાએ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, હું સમાજ સાથે બેઠક કરીશ અને સમાજ કહેશે તો હું પક્ષ પણ છોડી દઈશ. ત્યારે ટિકિટ કપાવવા મામલે દેવજી ફતેપરાએ કહ્યું હતુ કે, ધનજી પટેલ અને જયંતી કવાડીયાના કારણે મારી ટિકિટ કપાય છે.

સુરેન્દ્રનગર બેઠક પરથી રાજકારણ ગરમાંયુ છે, ત્યારે હળવદના લોકોએ દેવજી ફતેપરાને સમર્થના આપવા માટે આગળ આવ્યા છે. હળવદના લોકોએ ઠેર ઠેર બેનરો લગાવીને દેવજી ફતેપરાને સમર્થન આપ્યું હતું. લોકોએ પોસ્ટરોમાં લખ્યું છે કે’ સુરેન્દ્રનગર લોકસભાના દેવજી ફતેપરા સિવાય બીજું કોઈ નહીં. આ ઉપરાંત ધ્રાંગધ્રાની બેઠક પર યોજાનાર પેટા ચૂંટણી લઇને પણ ત્યાંના સ્થાનિક લોકોએ દેવજી ફતેપરાને સમર્થન આપ્યું છે. સ્થાનિક લોકોએ સારા ચોકડી, મામલતદાર કચેરી, ટીકર રોડ સહીતના રસ્તા પર દેવજી ફતેપરાને સમર્થન આપતા પોસ્ટરો લગાવ્યા છે.

હવે જોવાનું એ રહે છે કે, સ્થાનિક લોકોએ દેવજી ફતેપરાને સમર્થન આપ્યું છે, ત્યારે દેવજી ફતેપરા ભાજપમાં રહીને પ્રચાર કરશે કે, પછી કોઈ રાજકીય પાર્ટીમાં જોડાઈન સુરેન્દ્રનગરની લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવારની સામે ચૂંટણી લડશે.