અમદાવાદ,તા:૧૭
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સોળમી સપ્ટેમ્બર 2019થી શરૂ કરવામાં આવેલી રહેલી એમિશન ટ્રેડિંગ સ્કીમ વાયુ પ્રદુષણને ઘટાડ્યા વિના મોટેપાયે હવાનુ પ્રદુષણ કરનારાઓને બચાવી લેવાનો એક કીમિયો જ હોવાનું જાણકારોનું કહેવું છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન રાજીવ ગુપ્તાએ પ્રદુષણ ઘટાડ્યા વિના પ્રદુષણ ઘટાડવાનો દેખાવ કરવા માટે આ તૂત ઊભં કર્યું છે. આ માટે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગના 169 એકમોમાં કન્ટીન્યુઅસ એમિશન મોનિટરિંગ સિસ્ટમ-સીઈએમએસ-સેમ્સ લગાડવામાં આવશે. જીપીસીબીએ મુકરર કરેલા 150 પીપીએમ કે ઉદ્યોગ પ્રમાણેના પીપીએમના ધોરણો કરતાં ઓછા રજકણો હવામાં છોડનારા ઉદ્યોગોને પીપીએમની ક્રેડિટ જમા થશે. તેનાથી વધુ પીપીએમવાળા પ્રદુષકો છોડનારાઓ ઓછું પ્રદુષણ કરનારાઓ પાસેથી તેમની ક્રેડિટ ઓનલાઈન ટ્રેડિંગમાં ખરીદી લઈને એટલે કે તેને માટે પૈસા ચૂકવી દઈને પ્રદુષણ ઘટાડ્યું હોવાનું પ્રમાણપત્ર મેળવી લેવાનું કામ કરવાનું રહેશે. આમ હવાનું પ્રદુષણ ઓછું કર્યા વિના જ હવાનું પ્રદુષણ ઘટાડવાનો ખેલ શરૂ કરવામાં આવી રહ્યો છે.હવામાં 150 પીપીએમથી વધુ માત્રામાં પાર્ટિક્યુલેટ મેટર્સ – રજકણો તરતાં હોય તો તેની 10 કિલોમીટરના પરિસરમાં રહેતા લોકોના આરોગ્ય સામે ખતરો થાય છે. તેનાથી તેમને અસ્થમા, એલર્જી અને શ્વાસનળી કે શ્વસનતંત્રને લગતી જુદી જુદી બીમારીઓ થાય છે. આ બીમારીઓ ઘટાડવા કે પછી વાયુ પ્રદુષણ ઘટાડવાને નામે તેમણે આ તૂત ચાલુ કર્યું છે.
અગાઉ કાર્બન ક્રેડિટના શરૂ કરવામાં આવેલા વેપારની માફક જ આ વેપાર શરૂ કરવામાં આવી રહ્યો છે. કાર્બન ક્રેડિટના વેપારને કારણે દુનિયામાં કે પછી ભારતમાં કાર્બન એમિશન એટલે કે હવામાં કાર્બન ડાયોક્સાઈડ છોડવાની માત્રામાં ઘટાડો થયો હોવાના કોઈ જ પુરાવા ઉપલબ્ધ કરાવી શક્યા નથી. આ અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સૂત્રોને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે પીપીએમની ક્રેડિટ ખરીદવા માટે વધુ પ્રદુષણ ફેલાવનારાઓએ ચોક્કસ કિંમત ચૂકવવી પડશે. કાયમને માટે આ કિંમત ચૂકવવી પડે તો તેવા સંજોગોમાં તેમને એમ લાગશે કે કાયમને ધોરણે ખર્ચ કરવા કરતાં પ્રદુષણ ઓછું કરવા માટેના ઉપકરણો લગાવી લેવા જ લાભદાયક છે. આ સ્થિતિ આવે તે માટે આ સ્કીમ ચાલુ કરવામાં આવી છે.
ભૂતકાળમાં પૂર્વ અમદાવાદમાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં બોઈલરમાં વપરાતા કોલસા સહિતના ઇંધણને પરિણામે થતાં પ્રદુષણ પર નિયંત્રણ રાખવા માટે ઔદ્યોગિક એકમોના ભૂંગળા પર કેમેરા લગાવીને તેના દ્વારા છોડવામાં આવતા પ્રદુષકો પર નજર રાખવાનો પ્રયાસ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કર્યો હતો. પરંતુ તેને પરિણામે અમદાવાદના વાયુ પ્રદુષણ પર કોઈ જ નિયંત્રણ આવ્યું હોવાનો પુરાવો જીપીસીબી રજૂ કરી શક્યું નથી. કેમેરામાં ઝડપાયેલી ધૂમાડાના ગોટેગોટાની તસવીરો અને વિડીયોનો ઉપયોગ ગુજરાત પરમેનન્ટ કરપ્શન બોર્ડે દ્વારા ઉદ્યોગોને ખંખેરવા માટે જ કરવામાં આવ્યો હતો. તેવું જ સેમ્સની સિસ્ટમ અને ઓનલાઈન ટ્રેડિંગમાં થવાની સંભાવના રહેલી છે. વાસ્તવમાં અમ્યુકો કે પછી જીપીસીબી હવાના પ્રદુષણના વાસ્તવિક કારણો શોધી તેનો નીવેડો લાવવાની માનસિકતા જ ધરાવતા નથી. તેના થકી તેમની દુકાન ચાલતી રહે તેમાં જ તેમને રસ હોવાનું જણાઈ રહ્યું છે. હવાના પ્રદુષણને કે જળના કે જમીનના પ્રદુષણની સ્થિતિમાં સુધારો ન આવતો હોવાની બાત તેનો એક બીજો પુરાવો છે. ક્રિટીકલી પોલ્યુટેડનું કલંક ગુજરાતના ઉદ્યોગોને બે જ વર્ષમાં ફરી લગાવવાની ફરજ પડી તે તેનો બોલતો પુરાવો છે. ગુજરાતમાંથી પ્રદુષણ ઘટાડ્યા વિના તેના પ્રદુષકોનો સ્કોર ઘટાડાવડાવીને ક્રિટીકલી પોલ્યુટેડના કલંકને ભૂસવાની કવાયત કરી હતી, પરંતુ બે વર્ષમાં ફરી તે જ નોબત આવી ગઈ હતી.
અમદાવાદના મણિનગર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં હવાના પ્રદુષણનું મોનિટરિંગ કરવા માટે કિઓસ્ક લગાવવામાં આવ્યા છે. તેનાથી પ્રદુષણના સાચા-ખોટા આકડાઓ જરૂર મળે છે, પરંતુ વૃદ્ધો અને બાળકોને લઈને બહાર નીકળવું નહિ તેવી માત્ર એડવાઈઝરી જ તેમાં દર્શાવવામાં આવતી હોવાનું જોવા મળ્યું છે. પ્રદુષણ ઘટે અને એલર્જી, અસ્થમા કે શ્વસનતંત્રના અન્ય રોગ ઘટે તે માટે જવાબદારોને પકડીને તેમની સામે પગલાં લેવાની માનસિકતા તેમનામાં ન હોવાનું જણાય છે. આ પ્રદુષણ માટે જવાબદાર લોકો કે ઉદ્યોગો કે વાહનચાલકો સામે કોઈ જ પગલાં લેવામાં આવ્યા હોવાનું ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ના.. ના.. ગુજરાત પરમેનન્ટ કરપ્શન બોર્ડ ક્યારેય આંકડાઓ આપી શક્યું નથી. તેમ જ હવાના પ્રદુષકોથી ત્રસ્ત કોઈ એરિયાની શિકલ ફેરવીને પ્રદુષણ ઘટાડી શક્યું હોય તેવું દ્રષ્ટાંત આજદિન સુધી જનતા સમક્ષ મૂકી શક્યું નથી.
મહેલમાં બેસીને આમ આદમીની સમસ્યાઓનો નીવેડો લાવવાની માનસિકતા ધરાવતા આઈએએસ અધિકારીઓમાંના એક રાજીવ ગુપ્તા પણ હવાના ભયંકર પ્રદુષણવાળા વિસ્તારમાં આ માટેની બેઠક કરીને ઉદ્યોગોને હવાના પ્રદુષણનો અહેસાસ કરાવવાના બદલે કેવડિયા કોલોની ખાતેથી એમિશન ટ્રેડિંગ ફોર પાર્ટિક્યુલેટ મેટર્સ (હવામાંના રજકણો) માટેનો વર્કશોપ કરીને નવી સિસ્ટમને લોન્ચ કરવામાં આવી છે. આ માટે અંકલેશ્વર, અમદાવાદ, વાપી, વડોદરા સહિતની મોટી જીઆઈડીસીવાળા વિસ્તારના ઉદ્યોગોને બોલાવવામાં આવ્યા હતા. તેમાં અંદાજે 500થી વધુ ઉદ્યોગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.