હવે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ પણ જશે, કોંગ્રેસ કાનૂની જંગ ખેલશે

શંકરસિંહના પગલે બળવાખોરી પર આવી ગયેલા અલ્પેશ ઠાકોર હવે ધારાસભાપદ પણ ગુમાવે તેવી કાનૂની લડાઈ કોંગ્રેસ શરૂં કરશે. તે પહેલાં તેમને શિસ્તભંગના પગલા ભરશે અને પછી પક્ષમાંથી તેમને હાંકી કાઢવામાં આવશે.

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધા બાદ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તિના કારણે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બિહારના સહ પ્રભારી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. અલ્પેશ ઠાકોરના સ્થાને ઉત્તર પ્રદેશના પૂર્વ ધારાસભ્ય અજય કપૂરને બિહારના સહ પ્રભારી બનાવ્યા છે.

અલ્પેશ ઠાકોરના રાજીનામું અને તેની પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઇને કોંગ્રેસે તેની સામે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. પક્ષમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરને વિધિવત રીતે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પક્ષ વિરોધી કામ કરવા બદલ પૂરાવા એકઠા કરીને પહેલા અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે અને ત્યારબાદ ધારાસસભ્ય પદેથી હટાવી દેવામાં આવશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ  જણાવ્યું હતુ કે, મહત્ત્વાકાંક્ષાઓની એક મર્યાદા હોય છે અને એ જ્યારે સીમા ઓળંગે છે ત્યારે સમાજ પક્ષ અને રાજ્યને નુકશાન થતું હોય છે. એટલે જયારે સીમા ઓળંગી જાય ત્યારે પક્ષમાંથી આવું કરવા વાળા લોકો પક્ષમાંથી આપોઆપ જ દૂર થતા હોય છે. હવે જે કંઈ પણ તેઓની સામે કાર્યવાહી કરવાની થશેએ અમારી પ્રદેશની સમિતિ તમામ સાથે વાતચીત કરીને જે કાયદાકીય કાર્યવાહી કરવાની હશે તે કરીશું.