હવે એક કરોડથી વધુ રકમના ચૂકવણા પર બે ટકાના દરે ટીડીએસ નહી

અમદાવાદ,તા.17

ગુજરાતના સુરત, વડોદરા, ઊંઝા, રાજકોટ, ગોન્ડલ, સિદ્ધપુર, મહેસાણા સહિતના સંખ્યાબંધ માર્કેટ યાર્ડ દ્વારા એક કરોડથી વધુ રોકડના ચૂકવણા પર બે ટકાના દરે ટીડીએસ એટલે કે ટેક્સ ડિડક્શન એટ સોર્સ-કરકપાત કરવાના નિર્ણય સામેના વિરોધને ગ્રાહ્ય રાખીને કેન્દ્ર સરકારે આજે એક કરોડથી વધુના રોકડના પેમેન્ટ કરવામાં આવે તો તેના પર ટીડીએસ ન કરવાની જાહેરાત કરતાં ગુજરાતના 200 જેટલા એપીએમસીને રાહત થઈ છે. તમામ બજારના વડાઓએ આ નિર્ણયને આવકાર્યો છે. આ મુદ્દે ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશા પટેલે કેન્દ્ર સરકાર સુધી મજબૂત રજૂઆત કરી હતી.

શા માટે બે ટકા ટીડીએસની જોગવાઈ દાખલ કરાઈ?

એપીએમસીના જાણકારા સૂત્રોનું કહેવું છે કે ખેડૂતોને એજન્ટો તેમના માલના તત્કાળ નાણાં ચૂકવી શકે તે માટે બે ટકા ટીડીએસ-કરકપાત કરી લેવાની જોગવાઈને દૂર કરવામાં આવી છે. કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં આવતા ખેડૂતોને સામાન્ય રીતે રોકડમાં જ નાણાંની જરૂર હોય છે. તેઓ તેમની ઉપજ વેચીને તેમાંથી મળેલા નાણાંમાંથી ઘર વપરાશની જરૂરી ચીજવસ્તુઓ ખરીદીને લઈ જતાં હોવાથી તેમને ચેકથી પેમેન્ટ કરવામાં આવે તો તેમને તે પસંદ જ નથી. બીજું, તેમને ચેકથી મળતા નાણાંમાં વિશ્વાસ નથી. તેમની તત્કાલીન ખરીદી અટકી જાય છે. આ સ્થિતિમાં સરકારે રોકડના વહેવારો કાપવા અને ખેડૂતોની ખરી આવકનો અંદાજ મેળવવા અને એપીએમસીમાં થતાં વહેવારોનો ક્યાસ કાઢવા માટે રૂા. 1 કરોડથી વધુના રોકડના પેમેન્ટ પર બે ટકાના દરે ટીડીએસ કરવાની જોગવાઈ દાખલ કરી હતી.

એજન્ટો અને ખેડૂતોની હાલાકી વધી જતી હતી

આ જોગવાઈને કારણે કૃષિ ઉત્પન્ન બજારમાં સક્રિય એજન્ટોની હાલાકી વધી જતી હતી. એજન્ટો રોજના અંદાજે 100થી 200 ખેડૂતો સાથે ડીલ કરતાં હોય છે. આ ખેડૂતોને રૂા. 500થી માંડીને 10,000 કે તેનાથી પણ વધુ રકમની ચૂકવણી રોજરોજ કરવી પડતી હોવાનું બને છે. આ સ્થિતિમાં રૂા. 1 કરોડની તેની લિમિટ કેટલાક કેસોમાં એક મહિનામાં અને કેટલાક કેસોમાં દોઢથી અઢી મહિનામાં જ પૂરી થઈ જતી હોવાનું જોવા મળે છે. આ સંજોગોમાં તેમના થકી થતાં વહેવારો પર તેમણે બે ટકાના દરે ટીડીએસ ફરજિયાત કરાવવાની નોબત આવી હતી. તેની સામે તેમણે બુલંદ વિરોધ નોંધાવ્યો હતો.

તેનું કારણ આપતા ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘના સેક્રેટરી નરેન્દ્રસિંહ છાસટિયા જણાવે છે કે એજન્ટોને કમિશન પેટે માંડ એકથી અઢી ટકા સુધીની આવક થાય છે. તેમાંથી મોટું કામકાજ ધરાવનારા એજન્ટોએ જો બે ટકા આપી દેવાના આવે અને તે નાણા તેમના બ્લોક થઈ જાય તો તેમને માટે બજારમાં ટકવું પણ કઠિન બની શકે છે. તેમ જ તેમના સાથી સ્ટાફને પગાર આપવો પણ તેમને માટે કઠિન બની જાય તેમ છે. આ સ્થિતિમાં ઊંઝા, મહેસાણા, સુિદ્ધપુર સહિતના ગુજરાતના બજારમાંથી તેની સામે પ્રચંડ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધને ધ્યાનમાં લઈને કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારામનને બે ટકાના ટીડીએસની જોગવાઈને પાછી ખેંચવાની ફરજ પડી છે.