હવે ખરા અર્થમાં ભણશે ગુજરાત

રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે ગુણોત્સવ અને પ્રવેશોત્સવ સહિતના અનેક કાર્યક્રમો રાજ્ય સરકાર માટે હંમેશા ફારસરૂપ સાબિત થયા છે. આવા કાર્યક્રમો સામે રાજ્ય સરકારની ભારે ટીકા થઇ રહી છે. પરંતુ રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાન શિક્ષણથી વંચિત બાળકો માટે થઈ રહ્યું છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પહેલા શિક્ષણ વંચિત બાળકોનો સર્વે થાય પછી છૂટી ગયેલું શિક્ષણ થાળે પાડવાનું છે, ત્યારે આ સર્વ શિક્ષણ અભિયાન શું છે અને કેવી રીતે બાળકો ભણે અને સમગ્ર શિક્ષણ પદ્ધતિ શું છે તે અંગે એક વિશેષ અહેવાલ.
સૌ ભણે સૌ આગળ વધે એ સર્વ શિક્ષા અભિયાનનો મૂળ હેતુ છે. રાજ્ય સરકારે વર્ષ 2001માં આ સર્વ શિક્ષા અભિયાન શરૂ કર્યું છે. કોઈ પણ બાળક શાળાના શિક્ષણથી વંચિત ન રહે તે માટે અને ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને સારું શિક્ષણ મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત સર્વ શિક્ષા અભિયાન ચાલી રહ્યું છે અને રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા પણ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. એ માટે દર ડિસેમ્બર મહિનામાં શિક્ષણથી વંચિત રહી ગયેલાં બાળકોનો સર્વે થાય છે. સર્વેમાં બાળકોની ખરાઈ કરી તેની ઓનલાઈન નોંધણી કરાય છે. 6થી 14 વર્ષ વચ્ચેના બાળકોનું શિક્ષણ 22 કે 24 મહિનામાં આપીને પછી નવેસરથી વય પ્રમાણે શાળામાં દાખલ કરવામાં આવે છે. એક સમયે શાળાથી વંચિત બાળકોને રેસિયો 65 ટકા જેવો હતો પરંતુ હવે 95 ટકા સુધીનું નામાંકન થઇ ગયું છે. 5 ટકા જેવા બાળકોના વાલીઓ ધંધા અર્થે સ્થળાંતર કરતા હોઈ તે હજુ સર્વેથી બાકી રહી ગયા હોય છે. ત્યારે આવા વંચિત બાળકો માટે મોરબીમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સર્વે હાથ ધરાયો છે અને જેમાં નોંધણી થયેલા બાળકોને છુટેલું શિક્ષણ આપીને વય પ્રમાણે દાખલ કરવામાં આવશે.
મોરબી જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાનનો સર્વે શરૂ થયો છે અને શિક્ષકોની એક ટીમ જ્યાં સ્થળાતંર થયેલા ગરીબ વર્ગના બાળકોનો સર્વે કરવા કામે લાગી છે. પહેલા 6થી 14 વર્ષના બાળકોનો સર્વે કરવાનો હતો. હવે 4 થી 18 વર્ષની વય સુઘીના બાળકોનો સર્વે થાય છે અને શિક્ષકોની ટીમે શહેરના મચ્છુ નગરના વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. જેમાં 20થી 22 બાળકોએ શિક્ષણ ન મેળવ્યું હોવાનું માલુમ પડ્યું છે. આથી આ બાળકોને હવે ફરીથી શિક્ષણ મળશે. તેના વાલીઓ આશાવાદ વ્યક્ત કરતા કહે છે કે અમારા બાળકોને અમારા સ્થળાંતરિત ધંધાના કારણે શિક્ષણ નસીબમાં ન હતું. હવે એ શિક્ષણ મેળવીને ભણીગણીને મોટા માણસ થશે તેનો અમને વિશેષ આનંદ છે. તો બાળકો કહે છે કે પહેલા અમે રખડપટ્ટી કરતા હતા હવે અમે શિક્ષણ મેળવતા થશું.
મોરબીમાં સર્વ શિક્ષા અભિયાન શિક્ષણથી વંચિત બાળકો માટે ભારે ફળદાયી પુરવાર થયું છે. 2001થી શરૂ થયેલા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દર ડિસેમ્બર માસમાં સર્વે થાય છે. પહેલા દર વર્ષે 600થી 700 બાળકો શિક્ષણથી વંચિત હોવાનો સર્વે થતો હતો અને આ બાળકોને પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે. મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત મોટા પ્રમાણમાં બાળકો મળવા અંગે બહાર રાજયો કે રાજ્યના અન્ય ભાગોમાંથી ઘણા લોકો અહીં રોજીરોટી અર્થે આવતા હોવાથી મોટા પ્રમાણમાં શ્રમિકોના બાળકો નોંધાય છે અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આ બાળકોનો સર્વે કરીને શિક્ષણ અપાતું હોવાથી સર્વેમાં બાળકોનો ક્રમશઃ ઘટાડો નોંધાતા હોય તે બાબત સર્વ શિક્ષા અભિયાનનું જમા પાસું છે.