કચ્છના એક જમીન વિવાદમાં હાઈકોર્ટમાં રાહત મેળવવા માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનારા બે વકીલની સોલા પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના નિર્સગ શાહ અને ભુજના સંજય પટેલ નામના બે વકીલ ઉપરાંત આ કેસમાં અન્ય આરોપીઓ સામેલ છે. જેની તપાસ સોલા પોલીસ ચલાવી રહી છે.
કેટલાક મહિનાઓ અગુ કચ્છના માનકુવા ગામ ખાતે આવેલી એક જમીનના વિવાદમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ રદ્દ કરાવવા માટે આરોપીઓએ હાઈકોર્ટમાં પિટીશન ફાઈલ કરી હતી. આરોપી દિનેશ શીવજીભાઈ પટેલ (રહે. ભુજ, કચ્છ)ને રાહત અપાવવા અમદાવાદના વકીલ નિર્સગ શાહ અને ભુજના વકીલ સંજય પટેલે એફિડેવિટમાં ખોટી સહીઓ કરાવી તેમજ બોગસ સ્પેશ્યિલ પાવર ઓફ એટર્ની બનાવી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી હતી. બોગસ દસ્તાવેજો રજૂ કરાયા હોવાની જાણ થતા હાઈકોર્ટના રજીસ્ટ્રાર જોસુઆ નેપોલિયન માર્સન્સે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની સોલા પોલીસે તપાસ કરતા વકીલ નિર્સગ શાહ અને સંજય પટેલનું નામ સામે આવતા બંનેની ધરપકડ કરી છે.