હાઉસીંગ બોર્ડના જૂના મકાનો તોડવા રાષ્ટ્રપતિની મંજૂરી, પણ નવા ન બન્યા

જુના કાયદા પ્રમાણે સભ્યોની સર્વસંમતિ મેળવી ગુજરાત હાઉસીંગ બોર્ડના જુના મકાનો પુન:વિકાસ કરવો શક્ય ન હતો. આવા મકાનોનો સમયસર પુન:વિકાસ કરવામાં ન આવે, તો તેમા રહેતા લોકોનું જીવન જોખમમાં મૂકાય તેવી સંભાવના હોવાથી, આ મુશ્કેલીઓનું નિવારણ લાવવાના હેતુથી કાયદામાં યોગ્ય સુધારાને રાષ્ટ્રપતિએ માન્ય કર્યા છે. 

ગુજરાત ગૃહનિર્માણ બોર્ડ અધિનિયમ, ૧૯૬૧ને વધુ સુધારવા બાબતનું આ સુધારા વિધેયક તા. ૨૨.૦૨.૨૦૧૯ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યુ હતું અને રાજ્યપાલ દ્વારા તારીખ ૦૮.૦૩.૨૦૧૯ના રોજ રાષ્ટ્રપતિને અનુમતિ માટે મોકલવામાં આવ્યુ હતું જેના પર આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે.

જે મકાનોને ૨૫ વર્ષથી વધુ સમય થયો હોય અને તેમાં વસવાટ કરનારા વ્યક્તિઓ પૈકી ૭૫% થી ઓછી ન હોય તેવી સંખ્યામાં સંમત્તિ આપવામાં  આવે તો આ પ્રકારના મકાનોનું પુન: નિર્માણ અને પુન: વિકાસ કરી શકાશે. આવા મકાનોના માલિકો અથવા તેનો ભોગવટો કરનારામાંથી ૭૫ ટકાથી ઓછા નહિ તેટલા માલિકો અથવા તેનો ભોગવટો કરનારાની સંમતિ મેળવ્યા પછી જ આવા જુના મકાનોના પુન:વિકાસ માટેની જોગવાઇ કરવાના હેતુથી આ અધિનિયમમાં સુધારા કરવામાં આવ્યા છે. 

બોર્ડ અથવા બોર્ડે નિયુકત કરેલ કોઇ એજન્સીએ તે મકાનમાં વસવાટ કરનાર માલિકો અને ભોગવટાકાર વ્યક્તિઓને વૈકલ્પિક આવાસ અથવા વૈકલ્પિક આવાસને બદલે ભાડુ ચુકવવાનું રહેશે તેવી પણ જોગવાઇ કરવામાં આવી છે. આમ, હવે ગુજરાતમાં આ પ્રકરના જુના મકાનોને સ્થાને નવા મકાનો પુન: નિર્માણ પામશે અને જ્યાં સુધી નવા મકાનો બને નહિ ત્યાં સુધી મૂળ માલિકો અને ભોગવટો કરનારાઓને વૈકલ્પિક આવાસ અથવા વૈકલ્પિક આવાસને બદલે ભાડુ ચુકવવાનું રહેશે. 

ગુજરાતના જિલ્લા મથકોને 24 શહેરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની 542 એકર 21,93,396 ચો.મી. જમીન હોવા છતાં ફાળવણી કરી છે. 22 લાખ ચોરસ મીટર પર ગુજરાતના તમામ ઘર વિહોણાં લોકોને સસ્તા મકાનો આપી શકાય તેમ છે. જેની કિંમત રૂ. 4 હજાર કરોડથી રૂ. 5 હજાર કરોડ થાય છે. સરકારે ખેડૂતો પાસેથી સાવ મફતમાં 40 ટકા જમીન લઈ લીધી હતી. તે આ જમીન છે. તેથી સરકારે જમીનનો ખર્ચ તો કરવાનો જ રહેતો નથી. આ જમીન પર સાવ સસ્તા મકાનો બની શકે તેમ હોવા છતાં તે બનાવવામાં આવતાં નથી. રાજ્ય સરકારે 2010મા 7 લાખ અને 2012મા 50 લાખ મકાનો બનાવવાના ગુજરાતની પ્રજાને વચન આપ્યા હતા. તેમાં માંડ 9 લાખ જેવા જ મકાનો બનાવી શકાયા છે. આ જમીન પર એક કરોડ મકાનો બનાવી શકાય તેમ છે. તેમ થતાં તે બનાવવામાં આવતાં નથી. 2012થી જ્યાં પણ હાઉસિંગના મકાનો બન્યા છે ત્યાં કરોડો રૂપિયાના કૌભાંડો ભાજપ સરકારના નેતાઓએ કર્યા છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં આવા કૌભાંડો થયા છે.

આ જમીન અત્યારે અવાવરૂ પડેલી છે. જેને વરંડો પણ બનાવવામાં આવ્યો નથી. વરંડો બનાવવા માટે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી પણ હજુ સુધી તે બન્યો નથી. ચૂંટણીમાં આપેલા ‘ઘરનું ઘર’ના વાયદાને પૂરો કરવા ભાજપ સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડની તમામ ખૂલ્લી જમીનો પર તબક્કાવાર પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત તમામ જમીનોની સ્થળ- સ્થિતિ નિશ્ચિત કરવા જમીનોની સંયુક્ત માપણી કરાવવાની હતી.

24 શહેરોની હાઉસિંગની 541.90 એકર જમીનની વિગતો

શહેર જમીન (એકર)
અમદાવાદ 104
વડોદરા 73.12
સુરત 63.49
જામનગર 62.60
ભાવનગર 46.35
દહેગામ 22.35
મહુવા(ભાવનગર) 18.50
વલસાડ 17.64
નવસારી 14.65
ખંભાત 13.03
સાણંદ 15.61
રાજકોટ 11.49
પેટલાદ 11.95
ઉપલેટા 10.55
વિસનગર 9.77
જેતપુર 8.29
ધોળકા 7.41
ભૂજ 7.95
અમરેલી 6.06
મહેસાણા 6.43
જૂનાગઢ 3.14
માતર 2.45
મહેમદાવાદ 2.42
વાંકાનેર 2.38