હાજરી પૂરવાની ઓનલાઈન એપ્લિકેશનથી શિક્ષકો નારાજ

અમદાવાદ,શનિવાર

રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવાના આશયથી રાજ્ય સરકાર હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે, જેના ભાગરૂપે જ સરકાર શિક્ષકોની હાજરી પૂરવા માટે ઓનલાઈન એપ્લિકેશન ‘કાય ઝાલા’નો પ્રાયોગિક અમલ શરૂ કરવા જઈ રહી છે છે. જો કે આ નિર્ણયથી ગુલ્લીબાજ શિક્ષકો રોષે ભરાયા છે અને આ એપ્લિકેશનનો વિરોધ નોંધાવી રહ્યા છે.

ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ખોલનારી આ એપ્લિકેશનથી દરેક શિક્ષકે સેલ્ફી પાડી મોકલવી પડશે, જેથી દરેક શિક્ષકની હાજરી અંગે ઓનલાઈન રેકોર્ડ બનશે. જો કે આ અંગેની જાણકારી મળતાં જ શિક્ષકોએ નેટ ન ચાલવા અને એપ્લિકેશન સક્સેસ સફળ ન જવા અંગેના બાલીશ બચાવ શરૂ કરી દીધા છે. માઈક્રોસોફ્ટ સાથે મળીને શિક્ષણ વિભાગે આ ‘કાય ઝાલા’ એપ્લિકેશન ડિઝાઈન કરાવી છે, જેને બનાસકાંઠાના તમામ 16 હજાર શિક્ષકોને ઈન્સ્ટોલ કરવા જણાવાયું છે. શિક્ષકે સ્કૂલે પહોંચી આ એપથી ફોટો પાડી એપ્લિકેશનમાં મૂકવો પડશે, જે સર્વરમાં સેવ થશે, જે હાજરીનો પ્રશ્ન આવે ત્યારે તે ઉપયોગી થશે. આ સાથે જ આ એપ્લિકેશથી એકસાથે તમામ શિક્ષકો સાથે વીડિયો કોન્ફરન્સ પણ થઈ શકશે

કાય ઝાલા’ એપ્લિકેશનથી મુખ્ય શિક્ષકોનો સમય પણ બચશે, કારણ કે વહીવટી કામ માટે ખાવા પડતા ધક્કા હવે નહીં ખાવા પડે. એપથી પગાર, ઈન્ક્રિમેન્ટ, એલાઉન્સ સહિતનાં તમામ કામ ઓનલાઈન થઈ જશે, જેથી શિક્ષણકાર્ય પર કોઈ અસર નહીં પડે. બનાસકાંઠામાં આ એક પ્રાયોગિક રીતે શરૂ કરવામાં આવતી વ્યવસ્થા છે, સફળ થતાં અન્ય જિલ્લામાં પણ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.