શહેરમાં શુક્રવારે વહેલી સવારે ચારથી છના સમયમાં ભારે ગાજવીજ સાથે વરસેલા વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા. અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હાટકેશ્વર સર્કલ વધુ એક વખત બેટમાં ફેરવાયું હતું. બાપુનગર વિસ્તારમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં પૂર્વના વિસ્તારોના ગટરના પાણી બેક મારતા પાણીની સપાટી ૩૩ ફૂટ પર પહોંચતા દરવાજા બંધ કરવા પડ્યા હતા. જો વધુ બે ઈંચ વરસાદ થાય તો પૂર્વના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે.
અમદાવાદમાં શનિવારે વહેલી સવારે આફતનો વરસાદ શરૂ થયો હતો. આ બે કલાકના વરસાદે સમગ્ર પૂર્વ વિસ્તારને ઘમરોળી નાંખ્યુ હતુ. બાપુનગર વિસ્તારમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં પૂર્વના સરસપુર, બાપુનગર, હીરાવાડી સહિત છેક મેમ્કો સુધીના ગટરના પાણી બેક મારતા આ પાણી સ્ટેડિયમ સુધી બપોરના એક સુધીમાં પહોંચી જતા સ્ટેડિયમમાં પાણીની સપાટી ૩૩ ફૂટ પર પહોંચી હતી. સત્તાવાળા ઉંઘમાં હોઈ સ્થાનિક કોર્પોરેટર જે. ડી. પટેલ દ્વારા એડિશનલ સિટી ઈજનેર એન. કે. મોદીનું ધ્યાન દોરવામાં આવતા દરવાજા બંધ કરાયા છે.
હજુ વધુ જો બે ઈંચ વરસાદ પડે તો સમગ્ર પૂર્વ વિસ્તાર જળબંબાકાર થઈ જશે. ઉપરાંત શહેરના હાટકેશ્વર સર્કલ ઉપર વધુ એક વખત વરસાદી પાણી ફરી વળતા બેટમાં ફેરવાયું હતુ. જેને લઈને અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવા ઉપરાંત ગટરોના પાણી બેક માર્યા હતા. રામોલ હાથીજણ વિસ્તારમાં પાણીને કારણે ખારીકટ કેનાલની આસપાસ આવેલી નિચાણવાળી સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ગુરૂજી ઓવરબ્રિજ નીચે બનાવાયેલો સમ્પ ખોટકાઈ જતાં અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.
પૂર્વમાં ક્યાં–કેટલું નુકસાન
- સીટીએમ, જામફળવાડી વિસ્તારમાં ઘૂંટણથી વધુ પાણી ભરાયા
- રામોલમાં કુશાભાઉ ઠાકરે હોલમાં વરસાદી પાણી ફરી વળ્યા
- ખારીકટ કેનાલના નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા
- વટવા, પુનિતનગર, રેલવે ફાટક પાસે પાણી ભરાયા
- ખોખરા ગુજરાત હાઉસિંગના મકાનોમાં વરસાદી અને ગટરના પાણી બેક માર્યા
- લોકોના મકાનોના ઓટલા ઉપર પાણી ફરી વળ્યા
- મિલ્લતનગર, ઈસનપુર, મણિનગર, જવાહર ચોક સહિતના વિસ્તારોમાં એક ફૂટથી વધુ પાણી ભરાયા
- હાટકેશ્વર સર્કલ આસપાસની સોસાયટીઓ પાણીમાં ગરકાવ
- ગુરુજી ઓવર બ્રિજ નીચે આવેલી શારદાબેનની વાડીમાં પાણી ફરી વળ્યા
- વસ્ત્રાલ, સી.ટી.એમ., અમરાઈવાડી, નિકોલ, પાણીમાં ગરકાવ
- વસ્ત્રાલમાં સારથી ફલેટમાં ગ્રાઉન્ડ ફલોરમાં વરસાદી પાણી ઘૂસ્યા
મેટ્રો રેલને લઈને ભારે હાલાકી
પૂર્વ વિસ્તારમાં એપરેલ પાર્કથી વસ્ત્રાલ સુધી દોડાવવામાં આવતી મેટ્રો રેલના એપ્રોચ રસ્તાઓ ઉપર ભારે વરસાદના પગલે ઠેર-ઠેર ભંગાણ અને ખાડા પડી ગયા છે. ખાસ કરીને જનતાનગર, ગાયત્રીનગર, રાજપુર પોસ્ટ ઓફીસ અને ગોમતીપુર અને અમરાઈવાડી વિસ્તારોમાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી છે.
વિંઝોલ રીંગરોડ પર શો–રૂમની દીવાલ ધરાશાયી
વિંઝોલ રોડ પર પ્રાયોશા શો-રૂમ આવેલો છે. આ શોરૂમની દીવાલ ધરાશાયી થઈ છે. કોઈ જાનહાનિ નથી. ભારે નુકસાનની દહેશત છે. ઉપરાંત આ શો-રૂમની બાજુમાં મોટો ભૂવો પડી ગયો છે.