તા.20મી ઓક્ટોબર, અમદાવાદ
રાજયની તમામ યુનિવર્સિટીઓમાં શિક્ષણ, પરીક્ષા, પરિણામ અને વેકેશનની એકસૂત્રતા જળવાઇ રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જુલાઇ માસમાં વાર્ષિક એકેડેમિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ.દરેક યુનિવર્સિટીઓને આ વાર્ષિક કેલેન્ડર પ્રમાણે જ વર્ષ દરમિયાન કાર્યવાહી કરવા પણ અદેશ કર્યો હતો. શિક્ષણ વિભાગે કરેલા આદેશની વાસ્તવિક સ્થિતિ એવી છે કે અર્ધસત્ર એટલે કે અડધુ સત્ર પુરુ થાય ત્યાજ અનેક યુનિવર્સિટીઓ સરકારી પરિપત્રની ઐસી તૈસી કરીને પોતાની રીતે વેકેશન સહિતની કામગીરી કરવાની તૈયારી શરૂ કરી છે. દક્ષિણ ગુજરાત અને સરદાર વલ્લભભાઇ પટેલ યુનિવર્સિટીએ તો સરકારી એકેડેમિક કેલેન્ટરની પરવા કર્યા વગર પોતાની રીતે તા.19મીથી જ વેકેશન પણ જાહેર કરી દીધુ છે.
યુનિવર્સિટીઓ પર શિક્ષણ વિભાગની પક્કડ રહી નથી અથવા તો ઢીલી પડી રહી છે તેવા અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. જેમાં એકેડેમિક કેલેન્ડરના નામે કરાયેલી જાહેરાતે વધારો કર્યો છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભમા શિક્ષણ વિભાગે રાજયની દરેક સરકારી યુનિવર્સિટીઓને એક પરિપત્ર મોકલીને એવી તાકીદ કરી હતી કે યુનિવર્સિટીઓની કાર્યપધ્ધતિમાં એકસૂત્રતા જળવાઇ અને વિદ્યાર્થી-પ્રોફેસરોને પણ કયારે વકેશન અને કયારે કોલેજ શરૂ થશે તેની આગોતરી જાણકારી મળી રહે તે માટે વાર્ષિક એકેડેમિક કેલેન્ડરની જાહેરાત કરી હતી. આ વાર્ષિક કેલેન્ડરમાં શિક્ષણ વિભાગ દ્વારા દરેક યુનિવર્સિટીઓને એવી સૂચના આપી હતી કે, તા.25મી ઓક્ટોબરથી 12મી નવેમ્બર સુધી દિવાળીનું વેકેશન જાહેર કરવાનુ રહેશે. ચાલુ વર્ષે નવરાત્રીની રજાઓનુ વેકેશન રદ કરવાથી દિવાળીનુ વેકેશન 21 દિવસનું જાહેર કરાયુ હતુ. દરેક યુનિવર્સિટીઓને આ પ્રમાણે કામગીરી કરવા આદેશ કરાયો હતો. હાલની વાસ્તવિક્તા એ છે કે સરકારી પરિપત્રની ઐસી તૈસી કરીને દરેક યુનિવર્સિટીએ પોતાની રીતે મનફાવે તે પ્રમાણે વેકેશન આપીને રજાઓ જાહેર કરી દીધી છે. ગુજરાત યુનિવર્સિટીએ પણ સરકારી એકેડેમિક કેલેન્ડર જાહેર થયા બાદ પોતાનુ અલગથી એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યુ હતુ. જેમાં તા.24મી ઓકટબરથી તા.13મી નવેમ્બર સુધી વેકેશન આપી દેવાયુ છે. ગુજરાત યુનિવર્સિટીની જેમ દક્ષિણ ગુજરાત અને સરદાર વલ્લભભાઇ પટેલ યુનિવર્સિટીએ પણ પોતાની રીતે અલગ અલગ દિવસોએ દિવાળીના વેકેશન અને નવા શૈક્ષણિક વર્ષની જાહેરાત કરી દીધી છે. જેનો સીધો અર્થ એ થયો કે, સરકારે કરેલા વાર્ષિક એકેડેમિક કેલેન્ડરની જાહેરાત પ્રમાણે એકપણ યુનિવર્સિટીએ કાર્યવાહી કરી નથી. માત્ર દિવાળી વેકેશનમાં જ નહી પણ પ્રવેશ, પરિણામ સહિતની જુદી જુદી કામગીરીમાં પણ આજ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે. જેના લીધે સરકારી વાર્ષિક એકેડેમિક કેલેડન્ડરનો કોઇ અર્થ જ ન રહે તેવી સ્થિતિ ઉભી થઇ છે. સરકારના પરિપત્રમાં 15મી જૂન સુધીમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કરાયો હતો. ગુજારત યુનિવર્સિટીમાં સપ્ટેમ્બર સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. આમ, સરકારી આદેશ અને પરિપત્રોને યુનિવર્સિટીઓ ઘોળીને પી જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે.
સરકારે બે દિવસ પહેલા ફરી કરેલો પરિપત્ર ઘોડા
છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જવો
રાજયની જુદી જુદી સરકારી યુનિવર્સિટીઓ ગુજરાત યુનિવર્સિટી સહિતની તમામ યુનિવર્સિટીઓ સરકારે કરેલા વાર્ષિક એકેડેમિક કેલેન્ડરને અનુસરતી નથી તેવી વિગતો જાહેર થતાં તાજેતર રાજય સરકારના શિક્ષણ વિભાગે ફરીવાર પરિપત્ર કરીને દરેક યુનિવર્સિટીઓને મોકલી આપ્યો હતો જેમાં એવી સ્પષ્ટતાં કરવામાં આવી હતી કે, રાજયની અનેક યુનિવર્સિટીઓ સરકારે જાહેર કરેલા એકેડમિક કેલેન્ડરને અનુસરતી નથી તે બાબત ધ્યાનમાં આવી છે તો સરકારે જાહેર કરેલા શીડ્યુલ પ્રમાણે જ કાર્યવાહી થાય તેવી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. વાસ્તવમાં આ પરિપત્ર ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો સાબિત થયો છે. કારણ કે યુનિવર્સિટીઓ પોતાના અલગ અલગ કેલેન્ડર જાહેર કરીને તે પ્રમાણે પ્રોફેસરો, વિદ્યાર્થીઓ સહિત તમામને રજાઓ આપવાની જાહેરાત કરી દીધી છે.