700 કાર્યકરો સાથે હાર્દિક પટેલની અટકાયત, પત્ર જાહેર કર્યો

હાર્દિક પટેલની ધરપકડ કરી લઈને તેમના નિવાસ સ્થાને પોલીસ પહેરો મુકી દેવામાં આવ્યો છે. આજના ઉપવાસ ને રોકવા માટે અત્યાર સુધી 700 લોકોની અટકાયત કે ધરપકડ કરવામાં આવી છે.જેમાં નિકોલ અને વસ્ત્રાલમાંથી 58 લોકો,રાજકોટ થી અમદાવાદ આવતા 26 લોકોની ચોટીલામાં ધરપકડ અને મારા નિવાસ સ્થાન પર મારા સહીત 59 લોકોને નજરકેદ કરવામાં આવ્યા છે.200 થી વધુ પોલીસ મારા નિવાસ સ્થાન ની ફરતે ગોઠવાઈ ગઈ છે. તે પહેલાં તેમણે મુખ્ય પ્રધાનને લખેલો પત્ર જાહેર કર્યો હતો..

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ઉપવાસ આંદોલન બાબતે પત્ર.
આજથી ૭૧ વર્ષ પહેલા દમનકારી અને જુલ્મી શાસન વ્યવસ્થા સામે સત્યાગ્રહ, ઉપવાસ આંદોલનો, સવિનય કાનૂન ભંગ, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો, અહિંસક અને શાંતિપૂર્ણ સંઘર્ષ દ્વારા ભારતને આઝાદી મળી.
દમનકારી અને જુલ્મી શાસન વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવા કાયદા અને બંધારણની મર્યાદામાં રહી શાંતિપૂર્ણ અહિંસક આંદોલન કરવા એ ભારત દેશની પ્રણાલીકાની સ્વીકૃત પરંપરા છે અને એટલે જ ભારતીય બંધારણમાં દરેક વ્યક્તિને પોતાના હક્કો અને અધિકારો માટે શાંતિપૂર્ણ આંદોલન કરવાનો અધિકાર પ્રાપ્ત છે.
ગુજરાતમાં ખેડૂતોને થઇ રહેલ અન્યાય અને પાટીદાર સમાજને અનામતથી વંચિત હોવાના મુદ્દાઓ સાથે અમોએ ૨૫/૦૮/૨૦૧૮ નાં રોજ કાયદા અને બંધારણની મર્યાદામાં રહી શાંતિપૂર્ણ અહિંસક ઉપવાસ આંદોલનમાં બેસવાની ઘોષણા કરી છે. ઉપવાસ આંદોલનમાં મારી સાથે સામાજિક કાર્યકરો, ખેડૂતો અને સામાજીક આગેવાનો જોડાવાના છે. જે માટે જરૂરી પરવાનગી અને જગ્યાની ફાળવણી માટે તંત્રને અમારા દ્વારા વારંવાર લેખિત અને મૌખિક માંગણીઓ અને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજ દીન સુધી અમોને ઉપવાસ આંદોલન કરવા માટેની જરૂરી પરવાનગી આપવામાં આવી નથી કે ઉપલબ્ધ સ્થળો હોવા છતાં ઉપવાસનાં આયોજન માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી.
કાયદાની મર્યાદામાં રહીને ઉપવાસ અને ધરણાં કરવાનો, લોકશાહી દેશમાં સરકારનાં નિર્ણયો અને નીતિઓ સામે અવાજ ઉઠાવવાનો અમોને ભારતનાં બંધારણના આર્ટીકલ ૧૯(૧) (એ) અને આર્ટિકલ ૧૯(૧) (બી) મુજબ મૂળભૂત અધિકાર પ્રાપ્ત છે.
નામદાર સુપ્રીમ કોર્ટ તથા વિવિધ હાઇકોર્ટનાં ચુકાદાઓ અનુસાર ઉપવાસ આંદોલન કરવાનો અમને હક્ક અને અધિકાર છે. અમારી માંગણીઓ અને અવાજ સરકારને સંભળાય તે માટે શાંતિપૂર્ણ પ્રદર્શન અને ઉપવાસ આંદોલન કરવા એ અમારો મૌલિક બંધારણિય મુલ્યવાન અધિકાર છે. નામદાર સુપ્રીમ કોર્ટે 2012માં રામલીલા મેદાનમાં બનેલા બનાવ અંગે ચુકાદો આપતા સમયે નોંધ્યુ હતુ કે “Hunger strike cannot be termed as unconstitutional or barred under any law. Hunger strike is a form of protest which has been accepted, both historically and legally in our constitutional jurisprudence.”
લોકશાહીમાં શાંતિપૂર્ણ આંદોલન થતા આવ્યા છે, આપની રાજકીય પાર્ટી સત્તામાં હોવા છતાં આપણા ભારત દેશનાં વડાપ્રધાન મોદી સાહેબે, ભાજપનાં પ્રમુખ અમીત શાહ અને ભાજપનાં સંસદ સભ્યો તથા તમામ કાર્યકરો નેતાઓએ તા.૧૨/૦૪/૨૦૧૮ નાં રોજ ઉપવાસ કર્યા હતા, જેમાં ભાજપ દ્વારા તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને તે ઉપવાસમાં જોડાવવા માટે આહ્વવાન કરવામાં આવ્યુ હતુ.
અમારી માંગણીઓ માટે ઉપવાસ આંદોલન કરવુ એ ભારતનાં બંધારણ અને સુપ્રીમ કોર્ટનાં ચુકાદાઓ મુજબ અમને પ્રાપ્ત થયેલ મુળભૂત અને કાનૂની અધિકાર છે. બંધારણે અમને આપેલ કાયદેસરનાં અહિંસક હથિયાર ઉગામતા અમોને રોકવામાં આવશે તો એ ભારતનાં બંધારણ અને ન્યાય પ્રણાલિકાએ સ્થાપિત સિંધ્ધાતોનાં વિરુદ્ધનું કૃત્ય ગણાશે.
અમે તંત્રને બાંહેધરી આપી છે અને આપીએ છીએ કે અમારા ઉપવાસ આંદોલનથી કોઇ પણ પ્રકારનાં કાયદો અન વ્યવસ્થાનો ભંગ નહીં થાય. અમે પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપીશુ. અમારું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક કાયદા અને બંધારણની જોગવાઇઓને આધિન રહેશે. આંદોલન દરમિયાન વ્યવસ્થાનાં ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા જે આદેશો અને નિર્દેશો આપવા આવશે અમે તેનું ચોક્કસ પાલન કરીશું.
ઉપવાસ આંદોલનને કાયદો અને બંધારણની સ્વીકૃતી હોવા છતાં તંત્ર દ્વારા અમોને પરવાનગી નહીં આપવી અને પ્લોટની ફાળવણી ન કરવી એ સરકારની હતાશા સૂચવે છે. અમોને અમારા મૂળભૂત અધિકાર માટે સુવિધા પૂરી પાડવી એ તંત્રની હકારાત્મક જવાબદારી છે.
અમને ઉપવાસ આંદોલન કરવાની પરવાનગી ના આપવી એ ખરી હકીકતે કાયદા અને બંધારણ વિરુદ્ધ નાગરિકોનાં મૂળભુત અધિકારોને પ્રતિબંધિક કરવાનું કૃત્ય છે. જેનાથી સરકારની પોતાના નાગિરકોનાં હક્કો-અધિકારો પ્રત્યેની ઉદાસીનતા છતી થાય છે. શું ગુજરાતમાં જનતા પ્રશ્ન પુછવાનો, વિરોધ કરવાનો, શાંતિપૂર્ણ આંદોલન કરવાનો, સરકારની નિતીઓથી અસહમતિ દર્શાવવાનો અધિકાર પણ છીનવાઇ રહ્યો છે ? જેથી અમને ઉપવાસ આંદોલનની પરવાનગી ના આપવી એ નામદાર સુપ્રીમ કોર્ટ અને બંધારણે આપેલ અધિકારનો ભંગ થયો ગણાશે.
જેથી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે અમને અમારી માંગણીઓ સાથે ઉપવાસ પર બેસવા માટે સહયોગ આપો તથા સરકારી તંત્ર અને પોલીસને જરૂરી સૂચના, આદેશ અને પરવાનગી આપશો અને આઝાદીનાં આ શુભ ક્રાંતિના મહિને લોકતંત્રને વધુ મજબૂત બનાવવા આપનો ફાળો આપશો.સામાજિક ન્યાય, યુવાનો અને ખેડૂતોને થતા અન્યાયની લડાઈમાં સરકાર વતી સહયોગ આપશો તો વધુ ગમશે નહિ તો બંધારણીય રીતે અમે લડાઈ ચાલુજ રાખીશુ.
તેવી સહકારની અપેક્ષા સહ,
જય હિંદ,ઇન્કલાબ જિંદાબાદ
તારીખ :- ૧૮/૦૮/૨૦૧૮
અમદાવાદ.