ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવીને હવે પૂર્ણ વિરામ મૂકનારા હાર્દિક પટેલનો અન્ય પાટીદારોએ આભાર માનવો જોઇએ કે તેના કારણે કેટલાક યુવા પાટીદારોને નવી નોકરી મળી છે. હાર્દિકના આંદોલનને કારણે સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકા અનામત મળી છે. હાર્દિક જ કારણ છે કે તેની સાથે જોડાયેલા અને અત્યારે ભાજપમાં ભળી ગયેલા પાટીદાર નેતાઓને જલસા પડી રહ્યાં છે.
ગુજરાતમાં જે આનંદીબહેન પટેલ ન કરી શક્યા તે કામ વિજય રૂપાણી સરકારે કર્યું છે. પાટીદાર અનામત આંદોલનને શાંત કરવામાં અથવા તો તેને તોડી પાડવામાં રૂપાણી સરકાર આક્રમક રહી છે. આનંદીબહેન પટેલના શાસનમાં બે વર્ષ સુધી અનામત આંદોલન સળગતું રહ્યું હતું અને તેનાથી સરકાર પરેશાન અને બેચેન હતી, પરંતુ રૂપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પાટીદારોનો ઇસ્યુ હાથ પર લેતાં હાર્દિક પટેલ એકલો પડી ગયો છે પરંતુ ભાજપની સરકાર માટે નવી મુસિબત ઉભી થઇ છે.
હાર્દિકના મૂળ સાથીદારો ભાજપમાં તો જોડાઇ ગયા છે પરંતુ તેમના આંટાફેરા ગાંધીનગરમાં વધી ગયા છે. સચિવાલયના વિભાગો અને મંત્રીઓની ચેમ્બરમાં પાટીદાર યુવા આગેવાનો કોઇને જમીન અને બદલીઓના કામ લઇને આવતા થયાં છે. આ યુવા નેતાઓના માથે પહેલાં કોઇ પાર્ટીનું લેબલ ન હતું પરંતુ હવે ભાજપના સિમ્બોલ તેઓ ‘કંઇપણ‘ કરી શકે છે.
હાર્દિક પટેલના આ સાથી યુવા નેતાઓને ભાજપમાં લેવાથી પાર્ટી કે સરકારને ફાયદો થયો છે કે નુકશાન તે આગળના ભવિષ્યમાં ખબર પડશે. હાલ તો ત્રણ વર્ષ પૂર્ણ કરનારી રૂપાણી સરકાર નિરાંતનો શ્વાસ લઇ રહી છે. જો કે સચિવાયલના અધિકારીઓ પરેશાન છે, કેમ કે હાર્દિકના આ સાથીદારો કે જેઓ ભાજપમાં જોડાયા છે તેઓ કોઇ હોદ્દો ધરાવતા નથી છતાં જમીન અને બદલીઓના કામ લઇને આવી રહ્યાં છે. સચિવાલયમાં એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે- આ યુવા નેતાઓ કામ લઇને આવે છે ત્યારે ભાજપના સિમ્બોલ વાળો લેટર બતાવીને કામ કરવા માટે દબાણ કરી રહ્યાં છે. સચિવાલયમાં કામ કરાવવાનો તેમને પરવાનો મળી ગયો છે.
સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકા અનામત તો મળી ગઇ છે પરંતુ તેના મૂળમાં હાર્દિક પટેલ અને તેનું આંદોલન છે. હવે આ યુવા નેતાઓ પાસે ભાજપનો સિમ્બોલ આવી ગયો છે તેનું કારણ પણ હાર્દિક પટેલ જ છે. કેટલાક મંત્રીઓ પણ આ યુવા નેતાઓથી પરેશાન છે, કારણ કે આ નેતાઓને ભાજપમાં પ્રવેશ અપનાવનારા નેતાઓ વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે.