હાર્દિકને જીતાડવા કોંગ્રેસ એક બની કે ભાજપે વિવાદ કર્યો

હાર્દિક પટેલે ટ્વિટમાં જણાવ્યું હતું કે, સમાજ અને દેશની સેવા માટે રાહુલ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં 12મી માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
@HardikPatel_
To give shape to my intentions to serve society & country, I have decided to join Indian National Congress on 12th March in presence of Shri Rahul Gandhi & other senior leaders.

હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે ત્યારે તેને લઈને પણ કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ નારાજ થયા છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી જામનગરની સીટ પરથી લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દેતાં આ વિરોધ થઈ રહ્યો છે. આ વાતને લઇને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની ગઈકાલ મોડી રાત્રે એક બેઠક મળી હતી. બેઠકમાં કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસમાં જોડાનારા હાર્દિક પટેલને કઈ જગ્યા પરથી લોકસભાની ટિકિટ આપવી. નારાજ થયેલા નેતાઓને કઈ રીતે મનાવવા તેમજ લોકસભાની ચૂંટણીમાં આક્રમક રીતે ભાજપ સામે કઈ રીતે લડત આપવી, આ તમામ નીતિઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત પોતાના ટ્વિટર પર ટ્વિટ કરીને કરી દીધી છે. ત્યારે પાટીદાર સમાજના મોટા ભાગના મતો કોંગ્રેસને મળશે તેવી આશા કોંગ્રેસના નેતાઓ સેવી રહ્યા છે.

વિક્રમ માડમે હાર્દિકને ટેકો આપ્યો

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ફરી એક વખત જાહેરાત કરી છે કે, તેઓ લોકસભા ચૂંટણી લડવાના નથી. મેં જૂનની અંદર સ્પષ્ટ કરી દીધું હતું કે, હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી.

વિક્રમ માડમે હાર્દિક પટેલ અંગે કહ્યું હતું કે, હાર્દિક પટેલનું નામ તો છેલ્લા 4-5 દિવસથી સામે આવ્યું છે, મેં જૂનમાં ડિક્લેર કરી દીધું હતું. સવા મહિના પહેલા પ્રદેશ કાર્યાલયે બેસીને 28મી જાન્યુઆરીએ ફરી પ્રદેશ નેતાઓને કહ્યું હતું કે હું લોકસભા ચૂંટણી લડવાનો નથી. હું લોકસભા લડવાના મૂડમાં જ નહોતો. હું ધારાસભ્ય છું. હું બે વાર સાંસદ અને બે વાર ધારાસભ્ય રહી ચૂક્યો છું. આખી જિંદગી અમે જ ચૂંટણીઓ લડીએ તો એવું કહેવાય છે કે, બીજાને ચાન્સ નથી આપતા. બીજાને ચાન્સ આપીએ તો એવું કહે છે કે, તમે શું કામ હટી જાવ છો.

કોઈ નારાજ નથી

હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાથી સ્થાનિક નેતાઓમાં નારાજગી છે કે નહીં, તેવા સવાલના જવાબમાં વિક્રમ માડમે કહ્યું હતું કે, કોઇને કોઇ વાંધો નથી. જરા પણ નારાજગી નથી. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને બદનામ કરવાની વાત કરે એ અલગ છે પણ હાર્દિક સામે કોઇ સ્થાનિક નેતાને વાંધો નથી. આમ કહીને વિક્રમ માડમે હાર્દિકને ટેકો આપ્યો હતો.

CM વિજય રૂપાણીએ શું કહ્યું?

ત્યારે આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, અમે પહેલાંથી કહેતા આવ્યા હતા કે, હાર્દિક પટેલ કોંગ્રેસની પેટન્ટ પ્રમાણે કામ કરતો હતો. એ સમયે પણ હાર્દિક પટેલ કોંગ્રેસના નેતાઓને સંતાઈને મળતો હતો, આ બાબતે તમામ વીડિયો પણ પ્રચલિત થયા હતા. રાત્રે તે સર્કિટ હાઉસમાં મળવા જતો હતો અને સવારે તે અલગ-અલગ વાતો કરતો હતો. હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો છે. ત્યારે ચૂંટણીમાં પટીદાર સમાજના લોકો જ હાર્દિક પટેલને હરાવશે.